*ગરબાની સાથે દેશભક્તિનો રંગ: પાટીદાર નવરાત્રિના બીજા નોરતે વધુ બે શહીદ પરિવારોને રૂ. 2 લાખની સહાય*
મોરબી : રવાપર-ઘુનડા રોડ પર અજય લોરિયા દ્વારા સંચાલિત ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026માં બીજા નોરતે પણ શહીદ જવાનોના પરિવારોના સન્માન અને સહાયની પરંપરા આગળ ધપાવવામાં આવી હતી.
પાટીદાર નવરાત્રિ મહોત્સવના બીજા દિવસે લોકસમ્રાટ સાગરદાન ગઢવી, વૈભવી શાહ ત્રિવેદી, કરણ બારોટ, રૂપાલી જાંબુચા અને આશા કારેલીયાના હસ્તે હિમાચલ પ્રદેશના શહીદ જવાન અક્ષય કુમાર તથા જમ્મુ-કાશ્મીરના શહીદ જવાન ભુપેન્દ્રસિંઘના પરિવારોને રૂ. 1-1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ રીતે દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં સતત નવ દિવસ સુધી દરરોજ શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી સન્માનિત કરવાની સાથે પ્રત્યેક પરિવારને રૂ. 1 લાખની સહાય અર્પણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. નવરાત્રિના પર્વને દેશભક્તિ અને સેવાભાવ સાથે જોડતી આ પહેલ દ્વારા શહીદ પરિવારો પ્રત્યે સન્માન અને સંવેદનાની ભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


