
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની ખૂબ જ યાદગાર ત્રિદિવસીય સૌરાષ્ટ્ર તીર્થદર્શન યાત્રા
છેલ્લા આઠ વર્ષથી સનાતન એકતા,ગૌરક્ષા, હિંદુ જાગૃતિ, સંસ્કૃતિ રક્ષા તેમજ પૂજ્ય જલારામ બાપાના નિયમિત દર ગુરૂવારે ભજન માટે નિરંતર સક્રિય એવા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ત્રિદિવસીય સૌરાષ્ટ્ર તીર્થદર્શન યાત્રાનું યાદગાર સમયબધ્ધ આયોજન કરવામાં આવ્યું હતું. શશીકાંતભાઈ ડી ઠક્કર, કમલેશભાઈ રાચ્છ, અમીતભાઈ પુરોહિત, તારાચંદભાઈ મજેઠીયા, ભરતભાઈ ભાવિક જેવા ખૂબ જ ધાર્મિક,પૂન્યશાળી, ભાગ્યશાળી, નસીબદાર, ગૌપ્રેમી દાતાઓના સંપૂર્ણ સહકાર,પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી ગોઠવવામાં આવેલ આ યાત્રાનું સમયબધ્ધ સંકલન, આયોજન તેમજ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.
સૌપ્રથમ જલારામ મંદિર ડીસા ખાતે દર્શન, મહાઆરતી કરી ભોજન પ્રસાદ લઈ ત્રણ સ્લીપર એસી લક્ઝરી બસો દ્રારા અંદાજે 151 જેટલા હરિભક્તો અતિ પવિત્ર યાત્રાધામ એવા દ્રારકા ખાતે પહોંચી સૌએ દર્શનનો લાભ લઈ ભજનનો નિજાનંદ માણ્યો હતો.ત્યારબાદ નાગેશ્વર જ્યોતિર્લિંગ,બેટ દ્વારકા, રૂકમણીજી મંદિર ખાતે સૌએ સામૂહિક દર્શન કર્યાં હતાં.દ્રારકાના ખૂબ જ પ્રખ્યાત એવા હોમગાર્ડ ચોક ખાતે આવેલ શ્રીનાથ ડાઈનીગ હોલમાં સૌએ બે ટાઈમ સ્વાદિષ્ટ ભોજનની મોજ માણી હતી. ડીસાથી પૂજ્ય જલારામ બાપાના ભક્તો પધાર્યા છે તેવી જાણ થતાં જ શ્રીનાથ ડાઈનીગ હોલનાં માલિક બહેનો પૂજ્ય સંતોકબેન અને પૂજ્ય શારદાબેને ભોજન પ્રસાદનું બેઉ ટાઈમનું બીલ રૂપિયા 36000 લેવાની ના પાડી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને ગૌસેવા હેતુ અર્પણ કરી સૌને ભરપૂર આશીર્વાદ આપ્યા હતા.
બીજા દિવસે દ્રારકાથી નીકળી સૌએ વિશ્ર્વ વિખ્યાત શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ તીર્થધામનાં દર્શન કરી લીલાવતી ભવન ખાતે ભોજન પ્રસાદ લીધો હતો.સોમનાથથી સૌએ સમયસર વિરપુર આવી હોટલ ચિત્રકૂટ તેમજ વૃંદાવન ખાતે ઉતારા વ્યવસ્થા કરી પૂજ્ય જલારામ બાપાના મંદિરે દર્શન કરી ભોજન પ્રસાદ લીધો હતો.હોટલ ચિત્રકૂટ ખાતે શ્રી જગદીશભાઈ સરવૈયા અને શ્રી હિતેશભાઈ સરવૈયાના અભૂતપૂર્વ સહકારથી ગુરૂવાર હોઈ રાત્રે 425 મા ગુરૂવારના પૂજ્ય જલારામ બાપાના ભજનની નક્કી કરેલ ડ્રેસમાં રમઝટ જામી હતી.વીરપુરના લોહાણા અગ્રણી રમેશભાઈ ગઢિયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે રૂપિયા ત્રણ લાખ 300000 જેટલી ગૌસેવા એકત્રિત થઈ હતી.
ત્રીજા દિવસે સવારે વીરપુરથી નીકળી સૌએ મોગલ માતાજી મંદિર ભગુડા ખાતે દર્શન કરી બગદાણા આવી બાપા સીતારામ મંદિરે દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.બગદાણાથી સૌ સાંજે કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર પહોંચી દર્શન કરી, ભોજન પ્રસાદ લઈ મોડી રાત્રે જલારામ મંદિર ડીસા ખાતે પહોંચ્યા હતા.
ખૂબ જ શિસ્તબધ્ધ, સમયબધ્ધ, નિયમબધ્ધ એવી આ ત્રિદિવસીય સૌરાષ્ટ્ર તીર્થદર્શન યાત્રા નિર્વિઘ્ને સંપન્ન કરવામાં કન્વીનરશ્રીઓ ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી ઠક્કર, કમલેશભાઈ રાચ્છ, અમીતભાઈ પુરોહિત, દીલીપભાઇ રતાણી, હિરેનકુમાર રાચ્છ,પ્રકાશભાઈ રામપ્રસાદભાઈ ઠક્કર,પ્રકાશભાઈ મજેઠીયા,આનંદભાઈ પી ઠક્કર, કનુભાઈ મધુસુદનભાઈ, હિતેશભાઈ સોનપાલ, ડોક્ટર જગદીશભાઈ કે ઠક્કર, આત્મારામભાઈ ઓઢાવાળા, કનુભાઈ તૃપ્તિવાળા, સુભાષભાઈ હસમુખભાઈ ઠક્કર,વિપુલભાઈ ગોહિલ, પ્રતિક ગોકલાણી,કિસન કારિયા, સતીષભાઈ પટેલ -સંડેરી, ભરતભાઈ પૂજારા, કમલેશભાઈ ગ્રીનસીટી સહિત સૌએ અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી.
તમામ યાત્રિકોને ડીસાથી જ દાતાઓ તરફથી વિવિધ પ્રકારના નાસ્તાની ત્રણ દિવસ ચાલે એવી કીટ આપવામાં આવી હતી જેથી રસ્તામાં ક્યાંય કોઈને તકલીફ ના પડે.ઘણા બધા યાત્રિકોએ કેટલાંક તીર્થધામોનાં સૌપ્રથમવાર દર્શન કરતાં અનહદ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી દાતાઓ તેમજ આયોજકોને ખરા દિલથી ભરપૂર આશીર્વાદ આપ્યા હતા.
વીરપુર ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.
ત્રિદિવસીય સમગ્ર સૌરાષ્ટ્ર તીર્થદર્શન યાત્રાનું સમયબધ્ધ અને ક્રમબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કરતાં સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

