
*પાટીદાર નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે બે શહીદ જવાનોના પરિવારોને રૂ. 1-1 લાખના ચેક અર્પણ કરાયા*
મોરબી : નવરાત્રિ પર્વનો પ્રારંભ થતાં જ મોરબીના રવાપર-ઘુનડા રોડ પર અજય લોરિયા સંચાલિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026માં શહીદ જવાનોના પરિવારોના સન્માન અને સહાયનો સેવાયજ્ઞ શરૂ થયો છે. મહોત્સવના પ્રથમ નોરતે શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી સન્માન કરવામાં આવ્યું હતું અને સહાયરૂપે રૂ. 1-1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
પાટીદાર નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે હરિયાણાના શહીદ જવાન તરુણ ભારદ્વાજ અને ઉત્તર પ્રદેશના શહીદ જવાન અશોક કુમારના પરિવારોને રૂ. 1-1 લાખના ચેક અર્પણ કરી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026 દરમિયાન સતત નવ દિવસ સુધી દરરોજ શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવશે અને દરેક પરિવારને સહાયરૂપે રૂ. 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવશે. નવરાત્રિના પર્વને દેશભક્તિ, શહીદો પ્રત્યેની કૃતજ્ઞતા અને સેવાભાવ સાથે જોડતી આ પહેલ પાટીદાર નવરાત્રિ મહોત્સવની વિશેષ ઓળખ બની રહી છે.

