
🏆 નવયુગની દીકરીનો ગૌરવભર્યો ‘કરિશ્મા’ : કરિશ્મા ડામોરની ડી.વાય.એસ.પી. તરીકે પસંદગી 🏆
✨ “પિતાના સેવાસન્માનમાં દીકરીની સફળતાનો ઉમેરો… નવયુગ પરિવાર માટે ગર્વની અમૂલ્ય ક્ષણ!” ✨
કોઈ વિદ્યાર્થિની પોતાની મહેનત અને સંકલ્પથી સફળતાનું શિખર સર કરે ત્યારે તેના પરિવારની સાથે તેને ભણાવનાર શિક્ષકો અને સમગ્ર સંસ્થા પણ ગૌરવ અનુભવે છે. નવયુગ મહિલા કોલેજની વિદ્યાર્થિની કરિશ્માબેન જયંતીભાઈ ડામોરે આવી જ ગૌરવપૂર્ણ ક્ષણ નવયુગ પરિવારને ભેટ ધરી છે.
💐 ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ–૧ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને નાયબ પોલીસ અધિક્ષક તરીકે પસંદગી પામેલાં કરિશ્માબેનને સમગ્ર નવયુગ પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.
“મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે” એ કહેવતને જાણે આ પિતા–પુત્રીની ગૌરવગાથાએ સાર્થક કરી છે. કરિશ્માબેનના પિતા શ્રી જયંતીભાઈ ધનજીભાઈ ડામોર મોરબી જિલ્લામાં પોલીસ વિભાગમાં સેવા આપી રહ્યા છે અને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત થયેલા છે. પિતાએ પોતાની કર્તવ્યનિષ્ઠાથી પરિવારનું નામ રોશન કર્યું છે, તો દીકરીએ પોતાની મહેનત અને દૃઢ સંકલ્પથી એ ગૌરવમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે. પિતાની છાતીએ સેવાસન્માનનો ચંદ્રક અને દીકરીના ખભે જવાબદારીના સિતારા—સમગ્ર ડામોર પરિવાર માટે આ ગર્વનો અવસર છે.
નવયુગ માટે આ આનંદ અત્યંત આત્મીય છે. પોતાના આંગણે ભણેલી દીકરીને જવાબદારીભર્યા પદ સુધી પહોંચતી જોવી એ શિક્ષકો અને સંસ્થા માટે અમૂલ્ય સંતોષની ક્ષણ છે. કરિશ્માબેનની આ સિદ્ધિ દીકરીઓના શિક્ષણમાં વિશ્વાસ રાખતા દરેક પરિવાર માટે પણ પ્રેરણાનો સંદેશ છે.
🌷 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયાનો શુભેચ્છા સંદેશ :
“કરિશ્માબેન, તમારી સફળતાથી સમગ્ર નવયુગ પરિવાર ગૌરવ અનુભવે છે. તમે સંવેદનશીલતા, પ્રામાણિકતા અને હિંમત સાથે ફરજ નિભાવીને સામાન્ય નાગરિકનો વિશ્વાસ બનો તથા અનેક દીકરીઓને આગળ વધવાની પ્રેરણા આપો એવી હાર્દિક શુભકામનાઓ. તમારી દરેક નવી સિદ્ધિનો આનંદ નવયુગ પરિવાર હંમેશાં આત્મીયતાથી ઉજવશે.”
💐 કરિશ્માબેન તથા સમગ્ર ડામોર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ સેવાયાત્રા માટે હાર્દિક શુભકામનાઓ!
શ્રી પી. ડી. કાંજીયા
પ્રમુખ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી
તથા સમગ્ર નવયુગ પરિવાર

