
પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે આગોતરી તૈયારીઓના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચોમાસા પૂર્વે અને ચોમાસાની સિઝન દરમિયાન કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓ બાબતે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, આગામી તા.૦૧ જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરૂરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જરૂરી છે. માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યુ કે, દરેક તાલુકા કક્ષાએ સ્થાનિક તરવૈયાઓ, બુલડોઝર, ટ્રેકટર સહિતના વાહનો, ડ્રાઇવરના સંપર્ક નંબર સાથેની વિગતો અદ્યતન અને હાથવગી રાખવામાં આવે. સ્થળાંતર અને રાહત બચાવના કિસ્સામાં જે સ્થળોનો આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવાનો હોય તેની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી અગાઉથી જ કરી લેવામાં આવે તે સુનિશ્ચિત કરી લેવું જરૂરી છે.
જિલ્લામાં તમામ સ્થળોએ આરોગ્યલક્ષી કામગીરી માટે દવાઓનો પૂરતો જથ્થો, મેડિકલ કિટ સહિતની તૈયારીઓ અને મેડિકલ ટીમને જે-તે સ્થળ પર સમયસર પહોંચાડવા માટેનું આયોજન કરવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી. ઉપરાંત આપત્તિની સ્થિતિ હોય ત્યારે મીઠાના અગરિયા સહિત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોને રક્ષણ મળી રહે તે માટે શ્રમિકની કામગીરી સાથે જોડાયેલા માલિકોનો નામ-સંપર્ક નંબરની યાદી તૈયાર કરી તાલુકા-જિલ્લા કંટ્રોલ રૂમ પર હાથવગી રાખવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લાના પર્યટન સ્થળો કે નદી, ડેમ જેવા સ્થળો પર નાગરિકો પાણીમાં નહાવા ન જાય તે માટે વાંચી શકાય તે રીતે આવશ્યક બોર્ડ લગાડવામાં આવે અને તકેદારીના યોગ્ય પગલા ભરવામાં આવે તે માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવી, નાયબ કલેક્ટરશ્રી સુબોધકુમાર દુદખીયા તેમજ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્લા વહિવટી તંત્રના તમામ વિભાગ/કચેરીના વડા ઉપસ્થિત રહ્યા હતા.
