
મોરબી :તા ૨૮ ઉધોગ નગરી તરીકે વિશ્વ માં જેમની ઓળખ ઊભી થઈછે તેવા મોરબીમાં લોકો ઉધોગ ક્ષેત્રે
પ્રગતિ કરી રહ્યા છે, જો કે, હાલમાં ઈન્ટરનૅશન અને ડોમેસ્ટિક માર્કેટમાં મંદીના વાદળો ઘેરાયા હોવા છતાં મોરબીના લોકો ખર્ચ કરવામાં જરા પણ પાછી
પાની કરતા ન હોવાના આંકડા મોરબી આરટીઓ
કચેરીમાંથી સામે આવ્યા છે.મોરબી જિલ્લાના લોકોએ
છેલ્લા બે મહિનામાં જ રૂપિયા પોણા ચારસો કરોડના
૧૨,૪૫૧ વાહનોની ખરીદી કરી છે. જેમાં રૂ.૧૮૪
કરોડની કારનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે,
મોરબીમાં દિવાળી સમયે ટેસ્લાના આગમન બાદ
તાજેતરમાં જ બીજી BYD કાર ઉપરાંત જેગુઆર,
મર્સીડીઝ, વિનફિસ્ટા સહિતની ૨૫ લાખથી વધુની
કિંમતની કારનું પણ આગમન થયું છે. બે મહિનામાં મોરબી આરટીઓને ૨૨.૫૧ કરોડથી વધુ ટેક્સની આવક થઇ છે.
દેશ-વિદેશમાં નવી લોન્ચ થતી કોઈપણ કાર પ્રથમ મોરબીમાં આવે છે તેવી ત્યારે સીરામીક નગરી મોરબીમાં સપ્ટેમ્બરથી નવેમ્બર માસના બે મહિનાના સમયગાળામાં જ કુલ રૂપિયા ૩૭૫ કરોડ ૬૨ લાખ ૫૪ હજાર ૪૩૩ ની કિંમતના ૧૨,૪૫૧ નવા વાહનોની ખરીદી થઇ હોવાનું સામે આવ્યું છે. મોરબી એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ ૨૨ સપ્ટેમ્બરથી ૨૭ નવેમ્બર દરમિયાન મોરબી જિલ્લામાં ટ્રેકટર, ટ્રક, ડમ્પર, કાર, રીક્ષા, બાઈક સહિતના વાહનો ખરીદ થયા છે. મોરબી આરટીઓ કચેરીમાં બે મહિના દરમિયાન નવા વાહનના ટેક્સરૂપે રૂ.૨૨,૫૧, ૭૬,૧૦૪ ની આવક થઈ છે. જિલ્લામાં સૌથી વધુ ૮૬૮૪ મોટર સાયકલ અને સ્કૂટરની ખરીદી થઇ છે. સાથે જ બીજા ક્રમે ૨૦૮૯ કારની ખરીદી છે.
25 લાખથી વધુ કિંમતની 39 લક્ઝુરિયસ કાર ખરીદાઈ
મોરબીમાં હાલ મંદીના માહોલ વચ્ચે પણ કારના શોખીનોએ છેલ્લા બે મહિનામાં રૂ.૨૫ લાખથી વધુ કિંમતની ૩૯ કાર ખરીદી કરી છે. જેમાં સીરામીક નગરીમાં ટૂંકા સમયમાં જ એક બીવાયડી, બે જેગુઆર, ૭ મહિન્દ્રા ઇલેક્ટ્રિક કાર, ૭ મર્સીડીઝ બેન્ઝ, ૧૬ ટોયોટો કિર્લોસ્કર, ત્રણ ટાટા ઇલેક્ટ્રિક કાર તેમજ પ્રથમ વખત જ એક વિનફાસ્ટ કારનું આગમન થયું હોવાનું સૂત્રો જણાવે છે.


