
*મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે*
*ઔદ્યોગિક એકમો, બાંધકામ સાઇટ અને સંસ્થાઓએ શ્રમયોગીઓના પગારમાંથી કોઈ કપાત નહીં કરી શકાય*
*સતત પ્રક્રિયાવાળા એકમોમાં મતદાન માટે ૩ થી ૪ કલાકની સવેતન રજા આપવી અનિવાર્ય; લોકશાહીના પર્વમાં શ્રમિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા આદેશ*
*મોરબી, તા. ૧૭ એપ્રિલ,*
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અન્વયે તા. ૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ મોરબી જિલ્લામાં મતદાન યોજાનાર છે. આ લોકશાહીના પર્વમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમયોગીઓ કોઈપણ આર્થિક નુકસાન વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વની સૂચનાઓ જારી કરવામાં આવી છે.
લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧, કારખાના ધારા-૧૯૪૮ અને બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-૧૯૯૬ની જોગવાઈઓ અનુસાર, મતદાનના દિવસે તમામ નોંધણી થયેલ કારખાનાઓ, સંસ્થાઓ અને બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓને મતદાન માટે ‘સવેતન રજા’ આપવાની રહેશે. આ જોગવાઈ મુજબ, રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઈ પણ પ્રકારની કપાત કરી શકાશે નહીં. જો કોઈ શ્રમયોગી દૈનિક ધોરણે પગાર મેળવતા હોય, તો તેમને પણ તે દિવસે મળવાપાત્ર પૂરો પગાર ચૂકવવાનો રહેશે.
વધુમાં, જે કારખાનાઓમાં સતત પ્રક્રિયા (Continuous Process) ચાલતી હોય અથવા જ્યાં શ્રમિકની ગેરહાજરીથી મોટા નુકસાનની સંભાવના હોય, તેવા કિસ્સામાં શ્રમયોગીઓ પોતાનો મત આપી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના ગાળા દરમિયાન ૩ થી ૪ કલાકની સવેતન રજા આપવાની રહેશે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં ફાળો આપતા શ્રમિકો લોકશાહીની પ્રક્રિયામાં પણ સક્રિયપણે જોડાઈ શકે. તમામ ઉદ્યોગપતિઓ અને સંચાલકોને આ કાયદાકીય જોગવાઈનું ચુસ્ત પાલન કરવા અને શ્રમિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મોરબી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
