
*સમગ્ર ઉતર ગુજરાત પંથકના લોહાણા સમાજમાં વ્યાપી ઘેરા શોકની લાગણી*
………………………………………
કોરોનાનું મહામારી તાંડવ ચારે બાજુ ચાલુ છે ત્યારે ડીસા ખાતે લોહાણા સમાજના અગ્રણી અમૃતલાલ જેઠાલાલ ઠકકર/કોટક ઉંમર વર્ષ 74 અને તેમનાં ધર્મપત્ની વિમળાબેન ઠકકર ઉંમર વર્ષ 70 નું એકીસાથે અવસાન થતાં ડીસા ઉપરાંત સમગ્ર ઉતર ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.ડીસામાં વર્ષો પહેલાં દેશી લોહાણા સમાજનાં માંડ 50(પચાસ) પરિવારો હતાં તેવા સમયથી જ ડીસામાં રહેતા અમૃતલાલ કોટક એકાઉન્ટીંગની કામગીરી સાથે સંકળાયેલા હતા.કોઈ પણ સમાજના જરૂરિયાતમંદ વ્યકિતને ઉપયોગી થવાની ઉમદા ભાવના ધરાવનાર અમૃતભાઈ મિતભાષી,પરોપકારી,શાંત,ધર્મપ્રેમી અને સમાજપ્રેમી હતા.કુદરતની કૃપા અને બેઉની અરસપરસની અનહદ લાગણીને લીધે આ ભાગ્યશાળી દંપતિએ એકીસાથે આ દુનિયા છોડી સ્વર્ગ તરફ પ્રયાણ કર્યુ હતું.તારીખ 23-5-2021 રવિવાર અગિયારસના પરમ પવિત્ર દિવસે બેઉની અંતિમવિધિ કરવામાં આવી હતી.જીંદગીમાં પતિપત્નીની એકીસાથે એક જ દિવસે વિદાય થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે.સમગ્ર જીવન એકબીજાની હૂંફથી પસાર કરનાર આ દંપતિએ એકીસાથે જ આ દુનિયાને અલવિદા કરી હતી.પોતાનાં બાળકોને સારી રીતે ઉછેરી સૌને સારી રીતે સેટ કરનાર આ પરિવારમાં સતત પ્રેમ અને પરોપકારની ગંગા વહેતી હતી.સરકારી ગાઈડ લાઈન મુજબ તેમની સ્મશાનયાત્રામાં સમાજના આગેવાનો ઉપરાંત નજીકના મિત્રો પણ મર્યાદિત સંખ્યામાં જોડાયા હતા.તેમના દિકરાઓ જયેશભાઈ,વિપુલભાઈ,દીકરીઓ ગીતાબેન,ઉષાબેન,કાશ્મીરાબેન તેમજ સૌ પરિવારજનોએ દુખ અને આઘાતની આ અસહનીય ઘડીએ સાથ, સહકાર અને સાંત્વના આપનાર સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યકત કરી હતી.ડીસા જલારામ મંદિરે નિયમિત સાંજે દર્શનનો લાભ લેતા અમૃતલાલ કોટક અનેક સત્કાર્યોમાં યથાશકિત સહયોગી બનતા હતા તેમજ સમાજમાં સારૂં કામ કરનારની પીઠ થાબડી જબરજસ્ત પ્રોત્સાહન પણ પુરૂં પાડતા હતા.ડીસા રઘુવંશી લોહાણા સમાજે પણ એક અદના સમાજસેવકને ગુમાવ્યાની લાગણી અનુભવી છે.
