
શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મોરબી
પ્રથમ દિવસ
શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા મોરબી મુકામે આજથી પ્રારંભ થઈ છે. આ કથાનો ભાગવતીય ઉદ્દેશ્ય “કોરોના કાળ” માં મૃત્યુ પામેલા મૃતકોના મોક્ષાર્થના અર્થેનો છે. તેવું શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાના પ્રેસ મીડિયાના પ્રભારી વિજયભાઈ લોખીલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
કથાના પ્રથમ દિવસે “આભાર અને આવકાર વંદના” અર્થે પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમજ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા “ભાઈશ્રી” નો આભાર પ્રગટ કર્યો હતો. કેમકે તેઓશ્રી એ ત્રણ-ત્રણ વર્ષના કથાના આગોતરા આયોજનો થયા હોય, ત્રણ વર્ષની વેઇટિંગની લાંબી યાદીની વચ્ચે પણ માત્ર 25 દિવસના ટૂંકા ગાળામાં કથા માટે સમય ફાળવ્યો. તે બદલ મોરબી વાસીઓ વતી તેમજ કોરોના કાળમાં મૃત્યુ પામેલા મૃતક દિવંગત આત્માઓના પરિવારો વતી આભાર પ્રગટ કર્યો હતો. અને શ્રી કાંતિભાઈ એ કહ્યું હતું કે, લાગ-લગાટ અવિરત કથાઓની વચ્ચે મોરબીને આવો કથાનો લાભ આપવા બદલ રમેશભાઈનો અંતઃકરણપૂર્વક હું આભાર માનું છું.
વધુમાં પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ જણાવ્યું હતું કે સદભાગ્યે કોરોના વખતે અમારા પરિવારના કોઈ સદસ્યનું અવસાન થયેલ નથી. પરંતુ છેલ્લા 30 વર્ષથી મોરબીના લોકોની વચ્ચે રહ્યો છું. તેથી સમગ્ર મોરબીની પ્રજા મારા પરિવાર સમાન છે. ત્યારે તેમના પરિવારમાં આવી વિપદાઓ આવી હોય, ત્યારે હું એ બધાથી અલિપ્ત કઈ રીતે રહી શકું ??? તેથી મને એમ થયું કે, આ તમામ “મૃતકોના મોક્ષાર્થે” ભવ્ય, દિવ્ય કથા મોરબીના આંગણે થાય, અને એમાં તમામ દિવંગત આત્માઓના મોક્ષાર્થે ભાગવત કથા, સામૂહિક અને સાર્વજનિક રીતે થાય, જેમાં કોઈ એક જ્ઞાતી કે જાતિ નહીં. પરંતુ તમામ અઢારે વર્ણના, બાવને સમાજના લોકોના પરિવારના મૃતકોના મોક્ષાર્થે આ કથા થાય. જ્યારે આ સમગ્ર વાત પૂજ્ય ભાઈશ્રી ને જણાવવામાં આવી, ત્યારે ભાઈશ્રીએ ત્વરિત અમને કથા ફાળવી આપી હતી. અને કહ્યું હતું કે, કરો તૈયારી. અને ભાઈશ્રી એ કહ્યું હતું કે “કાંતિભાઈ એ માત્ર પોતાના પરિવારને પ્રેમ નથી કર્યો. પરંતુ પોતાના વિસ્તારના તમામ લોકોને પોતાનો પરિવાર સમજ્યો છે. અને પરિવારની જેમ જ પ્રેમ કર્યો છે તે આનાથી પ્રમાણિત થાય છે” જ્યારે ગઈકાલે આ તમામ અઢારે વર્ણના લોકો દ્વારા પૂજ્ય ભાઈશ્રીનું પોથી યાત્રા વખતે અભિવાદન અને સન્માન અને આવકાર કરવામાં આવ્યું, ત્યારે ભાઈશ્રી તો ગદગદ થયા હતા. સાથે કાંતિભાઈની પણ આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. ભાઈશ્રીને એક કલાક પોથી યાત્રામાં સાથે રહેવાનું હતું. તેને બદલે અઢી કલાક સુધી અવિરત એકધારા પોથી યાત્રામાં પોતે જોડાયેલા રહ્યા. અને સૌનું અભિવાદન સ્વીકાર્યુ. જ્યારે પ્રેમ હોય ત્યારે સૌને લાગણી થાય. આ તમારા સૌનો પ્રેમ છે. જે તમે ગઈકાલે પ્રગટ કર્યો હતો. તેવું શ્રી કાંતિભાઈએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું. નહિતર આપ સૌ જાણો છો કે બે દિવસથી વરસાદ વિક્ષેપ કરી રહ્યો છે. છતાં તમે અખંડ અવિરત સૌ સાથે રહ્યા. એ પણ તમારા સૌની કાનાભાઈ પ્રત્યેની લાગણી દર્શાવી રહી છે. વરસાદના કારણે થોડી ઘણી અવ્યવસ્થા થઈ, તો પણ આપ સૌએ આ આપણાં સૌની પોતાની જ એટલે કે મોરબી જિલ્લાની જ કથા હોય, એમ સમજી આપ સૌએ સહકાર આપ્યો, તે બદલ આપ સૌનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર. આ રીતે પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ ભાઈશ્રીનું સ્વાગત કર્યું હતું તેમ જ ભાઈશ્રી માટે અને સૌ કોઈ માટે આભાર પ્રગટ કર્યો હતો.
ત્યારબાદ કથાનો દોર આગળ વધે તે પહેલા, જો ભાઈશ્રી માટે કહેવામાં આવે, તો વિશ્વ વંદનીય અને જેમની નામના ભારતની ક્ષિતીજો ઓળંગીને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી વિસ્તરેલી છે. એવા પૂજ્ય ભાઈશ્રી કે જેમણે સનાતન ધર્મની ધજા પતાકા વિશ્વના દરેક ચોકમાં લહેરાવી છે. તેમજ ભારત માતાની આન, બાન અને શાન વધારી છે. એવા ભાઈશ્રીનું નામ જ કાફી છે. જેવો રાષ્ટ્રીય સંત છે. આવા સંતને આપણે સૌ કથા પંડાલમાં, તેમજ વૈશ્વિક સ્તરે સંસ્કાર ચેનલના માધ્યમથી, તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી, જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ, ત્યારે મોરબીની જનતા તથા કાંતિલાલભાઈ અમૃતિયા તેમજ તેમના પરિવાર વતી ભાઈશ્રીને તેમજ સૌને જય શ્રી કૃષ્ણ કરાયા હતા. ઉદ્યોગ નગરી મોરબી ના આંગણે સંકલ્પબધ્ધ પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા દ્વારા મુક્તિપ્રદાઈની, સૃતિના દ્રશ્ય સ્વરૂપ, ભગવાન શ્રીકૃષ્ણના વાંગમય સ્વરૂપ ના દર્શન અને શ્રવણનો રોજ લાભ પ્રાપ્ત થવાનો છે. જે વાણીનો આપણને અવિરત પ્રસાદ પૂજ્ય ભાઈશ્રીની વાણીથી પ્રાપ્ત થશે. અને આ અલભ્ય લાહવો આપણને રોજ પ્રાપ્ત થવાનો છે. એ આપણા સૌના અનેક જન્મના સંચિત પુણ્યનો પ્રતાપ છે. અને અંતરિક્ષમાં રહેલા દિવંગતોના આત્માના આશિષ થી જ આ શક્ય બન્યું હશે.
વિશ્વ વંદનીય ભાઈશ્રી જ્ઞાનની અવિરત અમૃત ગંગા છે. હિમાલયના સર્વોચ્ચ શિખર જેવા ઉચ્ચકોટિના વક્તા, જેને જ્ઞાનનું ગૌરી શિખર પણ કહી શકાય. તેવા ભાઈશ્રીને સાંભળવા એક ઉત્તમ લાહવો છે. પૂજ્ય ભાઈશ્રીએ માતાના ઉદરમાં જ આ ભાગવત રૂપી વ્યાસની વાણીનું અમૃતપાન કરેલું. આચમન કરેલું. એટલે કે “શૈશવ થી લઈને સાંપ્રત” સુધી સંસ્કૃતિ, સદગ્રંથ એવં ભારતીય અસ્મિતા નું સંરક્ષણ અને સંવર્ધન પૂજ્ય ભાઈશ્રીની કૃપાથી થઈ રહ્યું છે. ભારતભરના ધર્માચાર્યો ભાઈશ્રીને સ્વર વિભૂષિતમ માને છે. ફળદ્રુપ વ્યાખ્યાનકાર, મર્મજ્ઞ આચાર્યશ્રી, વિલક્ષણ વકૃત્વ કલા, વાણી સુર અને સંગીતની ત્રિવેણી પ્રયાગથી સીધી વ્યાસપીઠ ઉપર અને ત્યાંથી પૂજ્ય ભાઈશ્રીની વાણી દ્વારા આપણને સૌને પ્રાપ્ત થવાની છે. ત્યારે સંસ્કાર ચેનલના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, તેમજ આ કથા પંડાલમાં ઉપસ્થિત સૌ કોઈ અને વિજ્ઞાનના સદુપયોગથી સમગ્ર વિશ્વ મંત્રમુગ્ધ થઈ જશે, તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. વાણીના સર્વોચ્ચ શ્રેષ્ઠ અલંકારો રૂપી વાણી ભાઈશ્રીના મુખેથી અવિરત પણે વહેતી રહેશે. અને આપણને સૌને એ વાણીનો લાભ પ્રાપ્ત થશે. એ વાણી કેવી છે ??? તો જાણે
“અક્ષર-અક્ષર અમૃત સે ભર, નવરસ રૂપ સંચરિત હુઈ, પ્રતિભા કી કલા નિરાલી હૈ”
આવી વાણીનો આપણને લાભ પ્રાપ્ત થવાનો છે. ત્યારે આપણે સૌ ભાઈશ્રીને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે, સાક્ષાત શુકદેવજી મુની સમાન આપની વાણી અમને વ્યાસપીઠ ઉપરથી પ્રાપ્ત થાય. અને અમારી ચાતક ત્રુષા પરી તૃપ્ત થાય. અને ક્ષણે ક્ષણે નવમ્ નવમ્ એવા દિવ્ય અર્થો સાંભળીએ. પૂજ્ય ભાઈશ્રીના શ્રીચરણોમાં કોટી-કોટી વંદન કરીએ. અને ભાઈની દિવ્ય, ભવ્ય અને સમગ્ર વિશ્વને શાતા અપાવતી શીતળ વાણીનો લાભ લઈએ.
કથા પ્રારંભે મંગલાચરણ પછી પૂજ્ય ભાઈશ્રી એ કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની તેમજ તેમના પરિવારની ઉત્તમ સેવાની ભાવના તેમજ આ સમગ્ર વિસ્તારના સૌ કોઈના સહયોગથી, આ કથા થઈ રહી છે. ત્યારે હું મારો રાજીપો વ્યક્ત કરું છું. અને ભાઈશ્રી જણાવે છે કે, મોરબી ને ત્રણ-ત્રણ વખત ત્રાસદીનો સામનો કરવો પડ્યો છે. જેમાં પૂર હોનારત, ભૂકંપ અને કોરોનાકાળ કે, જેમાં આરોગ્ય વિશે અનેક વ્યવસ્થાઓ કરવા છતાં, પણ લોકો એટલા બધા કોરોના ગ્રસ્ત હતા, કે જેને પહોંચી વળવું ખૂબ કઠિન હતું. અને મૃત્યુ થયા પછી અમુક પરિવારો પોતાના સ્વજનના અંતિમ દર્શન શુદ્ધા નહોતા કરી શક્યા. એવા સમયે કાંતિભાઈ અમૃતિયા અને તેમના જેવા અનેક રાષ્ટ્રપ્રેમી સેવાભાવી સેવકોએ તેમજ આ ઉદ્યોગ નગરીના ઉદ્યોગપતિઓએ સાથે મળીને કોરોના ગ્રસ્ત લોકોને બચાવવા જહેમત ઉઠાવી હતી. તે કોઈ થી અજાણ નથી. સો બેડ, બસો બેડની, પાંચસો બેડ ની અને એક-એક હજાર બેડની આઇસોલેશન વાળી હોસ્પિટલ ભરચક ભરેલી હતી. તે સમયે મોરબી સ્થાનિક કક્ષાએ વિવિધ ઉદ્યોગપતિઓના સમર્થનથી, તેમની વિવિધ સંસ્થાઓના સહયોગથી કોરોના ગ્રસ્ત લોકોને, મોતના મુખમાંથી ઉગારવા ખૂબ મોટા પ્રયાસ થયા. જેના કારણે વૈશ્વિક મહામારી સામે ટક્કર ઝીલવામાં અહીંના લોકો સફળ થયા. અને આ બધી આપા-ધાપીમાં કેટ કેટલાય પરિવારોએ પોતાના સ્વજનને ગુમાવ્યા.
પરંતુ ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે, આત્મા અજર છે. અમર છે. અવિનાશી છે. એ ક્યાંય જતો નથી. એ નવું શરીર ધારણ કરે છે. અથવા મોક્ષને પ્રાપ્ત થાય છે. જેમ કોઈ હવાથી ભરેલો ફુગ્ગો હોય, તેને ફોડવામાં આવે, તો તેમાં રહેલી હવા નાશ પામતી નથી. પરંતુ તે હવા બહારની સપાટીમાં રહેલી હવામાં ભળી જાય છે. તે રીતે આત્મા પણ તેના મૂળ તત્વમાં ભળી જાય છે. અથવા તો બીજું શરીર ધારણ કરે છે. આપણે સૌ સાથે મળીને સાત દિવસ સુધી અવિરત પણે ભાગવતજીને પ્રાર્થના કરીશું કે, દિવંગતોને મોક્ષ પ્રાપ્ત થાય. ફરીથી જન્મ ન લેવો પડે.
અંધકારને ભગાવવો હોય, તો દીવો પ્રગટાવવો પડે. અથવા તો સૂરજ નીકળે તો અંધારું મટે. રાત્રિનાઘોર અંધકારને મીટાવવા માટે દીવા કરવા પડે. એ દીવા કે સૂર્ય તેનું નામ છે “શ્રીમદ ભાગવત” જેનું રસપાન આપણે સાત દિવસ સુધી આવીરત પણે કરવાના છીએ. અને આપણે સૌ આપણા દવંગત પરીજનોને એ પુણ્યને કૃષ્ણાર્પણ કરવાના છીએ. “ઉગીયા સૂરજ ભાણ હવે અજવાળા થયા” કેવી રીતે એ દિવંગગતોની આત્માને ઉદ્ભવતી પ્રાપ્ત થાય, પરમનું અજવાળું પ્રાપ્ત થાય, એના માટે આપણે સૌ આ ભાગવતનું ભજન અને શ્રવણ કરીએ.
દિપક અથવા તો સૂર્યના અજવાળે આપણે દિવંગતોને ચેતશિક ગતિ, ઉર્ધ્વગતિ, મુક્તિની ગતિ અપાવીએ. દિપક અને સૂર્ય બંને આપણા માટે પૂજનીય છે. બંને અજવાળું આપે છે. બધા સંપ્રદાયોમાં અજવાળા ની વાત છે. બધા ધર્મોમાં અજવાળા ની વાત છે. ઇસ્લામમાં ચંદ્રને પૂજાય છે. ઈશ્વરના જે તત્વો છે, તે બિનસાંપ્રદાયિક તત્વો છે. તે બધા માટે સમાન છે. આતો માણસોએ વહેંચી લીધા. અને અંદરો-અંદર વાઢી માર્યા. પાણીનો સંપ્રદાય કયો ??? પાણીની બધાયને જરૂર પડે. પાણીએ જીવનદાયક શક્તિ છે. પાણી સંસ્કારોનું સિંચન કરે છે. એટલે પાણીને વંદન કરીને પીવાય. તેમાં ખાલી ધાર્મિકતા ન હતી. તેમાં વિજ્ઞાન હતું. તેથી આપણે તેનો બગાડ પણ ન કરતા. અત્યારે વંદન કરવાનું બંધ થયું. એટલે પાણીને વેળફતા થયા. અને આપણી અંદર પાણીના વેડફાટની વિકૃતિ આવી. નહિતર સૌચ કર્મ કરીને કેટલી વખત માટી અને પાણીથી હાથનું પ્રક્ષાલન કરવું જોઈએ ??? તે પણ આપણા ઋષિમુનિઓએ શીખવ્યું છે.
રોગથી બચાવવા માટે આપણા ધર્મ ગ્રંથોએ ખૂબ મોટી જહેમત ઉઠાવી છે. ખૂબ માર્ગદર્શન કર્યું છે. તે રોગ ખાલી શરીરના રોગ નહીં, પણ માનસિક વિકૃતિઓથી પણ મુક્તિ મળે એવું ગ્રંથોએ આપણને શીખવ્યું છે. માટે પાણીની મહત્વતા હતી. આપણે એ બધું જ હાઈજેનિકપણું ચૂક્યા. તેથી આવા માન્યામાં ન આવે તેવા રોગ આવ્યા અને આપણે જોયું કે કોઈ એક ઓરડામાં આપણે આપણા ઘરના સદસ્યને રાખતા. અને ત્યાં થાળી અલગથી મોકલતા આવો સમય આવ્યો હતો.
સનાતન ધર્મની પરંપરામાંથી નીકળેલી આ બધી સરવાણીઓ, જેમાં શીખિઝમ હોય, બુદ્ધિઝમ હોય, જૈનીઝમ હોય કે કોઈપણ સંપ્રદાય હોય બધાની સરવાણીઓ, બધાની અવિરત ધારાઓ સનાતન ધર્મમાંથી જ પ્રગટી છે. આ સનાતન ધર્મ છે. જ્યારે સાચા અર્થમાં સનાતન ધર્મને દુનિયા સમજી લેશે, ત્યારે હું ઊંચો અને તું નીચો એ બધું નેસ્ત-નાબૂદ થઈ જશે. પોતાને મોટા અને બાકીનાને નીચા દેખાડવાના પ્રયાસો, તમામ સમાપ્ત થઈ જશે. સનાતન ધર્મ આપણને શીખવે છે, બધાનો આદર કરો. બધાનું સન્માન કરો. બધાને આવકારો. સનાતન ધર્મના સત્યનો સ્વીકાર કરો.
અમુક લોકો સનાતન ધર્મની ઉપર પોતાનો કલર, પોતાનો પેઈન્ટ લગાડીને પછી સ્વીકાર કરે છે. આવા લોકોને કહેવું છે કે, સત્ય જે સ્વરૂપમાં છે એ જ સ્વરૂપમાં સ્વીકારો. સૂરદાસજીનો એક પ્રસંગ છે કે, સૂરદાસજી ને આંખો ન હતી, છતાં એ ઠાકોરજી ભગવાનને જોઈ શકતા. તેમના શણગારોનું વર્ણન ભગવાનની મૂર્તિ ને જોયા વિના પણ કરી શકતા હતા. તે સત્યની આંખોથી તેમને નિહાળતા હતા. એક વખતની ઘટના છે કે, સૂરદાસજીની આંખો ન હોવાથી તેમને ખબર ન પડે, એ રીતે બે લોકોને તેમની નીગ્રાનીમાં રાખ્યા કે, જુઓ કોણ આવીને સૂરદાસજીને કહે છે કે, આજે ઠાકોરજીએ કેવા વસ્ત્રો પહેર્યા છે ??? અને કોઈ કહશે નહીં એટલે તે વર્ણન કરી શકશે નહીં. પરંતુ જ્યારે ઠાકોરજીની સન્મુખ સુરદાસજી ઉભા રહ્યા અને મુખમાંથી વાણી પ્રગટી કેમકે એ સમયે ભગવાનને માત્ર લંગોટ માં, એટલે કે કોપીનમાં રાખેલા હતા. બાકીના વસ્ત્રો વાઘાઓ ભગવાનની મૂર્તિને પહેરાવ્યા ન હતા. અને પછી સૂરદાસજીને ભગવાનની મૂર્તિ સામે રાખીને કહેવામાં આવ્યું કે, સૂરદાસજી શૃંગારના વર્ણન કરો, તે દિવસે સુરદાસજી કીર્તન કરવા બેઠા અને હાથમાં એકતારો લઈને ગાવા લાગ્યા. કદાચ આપણે ત્યાં પ્રજ્ઞાચક્ષુ શબ્દ એટલા માટે જ છે. “આજ દેખા મૈંને, હરી નંગમ નંગા” એ કીર્તન ગાયું અને કહ્યું કે હું આજે શું શૃંગારના વર્ણન કરું ??? “આજ દેખા મૈંને હરિ નંગમ નંગા”
કહેવાનો તાત્પર્ય છે કે, આપણે જ આપણા વાઘા પહેરાવીએ છીએ અને પછી કહીએ છીએ કે, અમારો જ ભગવાન શ્રેષ્ઠ. તમારે તમારું જ શ્રેષ્ઠ છે, એમ માનવું જ જોઈએ. એમજ માનો કશો વાંધો નહીં. પણ પરાણે બીજાને એ પ્રમાણે જ મનાવો નહીં. અથવા તો અમારું જ શ્રેષ્ઠ, એવું બતાવવા માટે બીજાને નીચા પાડવાનો પ્રયાસ ન કરો. તમામ પ્રકારની બેવકૂફીઓમાં ધાર્મિક બેવકૂફી સૌથી ખરાબ છે. સત્યને જેવું છે તેવું જ સ્વીકારો. તમને તમારી રીતે, તમારી મરજી મુજબ ગમે તેવા વાઘા પહેરાવીને સજાવવાની, શણગાર કરવાની છૂટ. પણ એકના એકજ કપડામાં તમે પોતે પણ કંટાળી જાઓ છો. જેમ બહેનો આજે જે સાડી પહેરી હોય, તે જ સાડી પહેરીને કાલે લગ્નમાં ન જાય, અને પરમ દિવસે લગ્નમાં એની એજ સાડી ન પહેરે. દસ-પંદર દિવસે ભલે રિપીટ થાય, પણ બીજા દિવસે જ, એની એજ સાડી ન પહેરે. તે રીતે વૈવિધ્ય ભલે હોય, પણ સત્ય એકનું એક જ હોય.
તેના બદલે આપણે આપણી સાંપ્રદાયિક માન્યતાઓ મુજબ શૃંગાર કરીએ, સત્યનો શણગાર કરીએ, અને પછી અતિ આગ્રહ કરીએ કે, હવે કોઈએ આ વસ્ત્રો ઉતારવાના નહીં. તો એ કેમ ચાલે ??? પ્રભુ પણ કંટાળે. આપણે પણ દિવસમાં ત્રણ વખત તો કપડા બદલીએ છીએ. પણ અતિશયે કરીને એટલું પણ શૃંગારને મહત્વ ન આપો કે, ઈશ્વરથી પણ એ શૃગારનું મહત્વ વધુ હોય.
તેરા સચ ઓર મેરા સચ દોનો અલગ. એસી સોચ મત રખો. યહાં, યહ ચર્ચા ક્યુ કર રહે હૈ ??? ક્યુકી ભાગવત કા પ્રારંભ ભી સત્ય સે હોતા હૈ, ઔર વિરામ ભી સત્ય સે હોતા હૈ. હમ ઉસ સત્ય કી ચર્ચા કરતે હૈ.
ગુરુ માનીએ ગ્રંથ ગુરુ ગોવિંદસિંહ મહારાજ પછી સિખ સંપ્રદાયના લોકોએ “ગ્રંથ સાહેબ”ને જ પોતાના ગુરુ ગણ્યા. “ગુરુ માનીયે ગ્રંથ” શીખ સમુદાય ગ્રંથને જ પોતાના ગુરુ ગણે છે. તે રીતે શ્રીમદ્ ભાગવત પણ ગુરુ છે. ગીતા પણ ગુરુ છે. શિક્ષાપત્રી પણ ગુરુ છે. ભાગવત શ્રીકૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. એટલે ભાગવત ગુરુ છે. અને શ્રીકૃષ્ણ પણ ગુરુ છે. “કૃષ્ણં વંદે જગત ગુરૂમ” કૃષ્ણ આપણા ઇષ્ટ છે. આરાધ્ય છે. કૃષ્ણ પરિબ્રહ્મ છે. જે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણની વાણી છે. એ ભગવત ગીતા પણ ગુરુ છે. જે અંધકારના કાદવને ઉલેચીને તમારા જીવનમાં અજવાળાનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે.
જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, અજ્ઞાનતા મટે, વાસના મટે એટલે જીવ મુક્ત થાય. ભાગવત કઈ રીતે મોક્ષ આપે છે ??? તો તેની સાદી સરળ વ્યાખ્યા આ છે. આ રીતે મોક્ષ આપે છે. “સો ગયા શ્રાદ્ધ” છતાં જેની મુક્તિ સંભવ નથી. એની મુક્ત શ્રીમદ્ ભાગવત થી સંભવ છે. દરેક ઘરમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું જો વાતાવરણ હોય, દરેક વ્યક્તિની બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ હોય, દરેક વ્યક્તિના મનમાં વાસના નહીં, પણ પ્રેમ હોય, દરેકના હૈયામાં પ્રેમ હોય, અને દરેકના મનમાં વૈરાગ્ય હોય, “દૃઢ વેરાગ્ય જેના મનમાં રે” મનમાં વેરાગ્ય, બુદ્ધિમાન જ્ઞાનનો પ્રકાશ અને હૃદયમાં પ્રેમ પ્રગટ કર્યો, તો ભગવત પ્રેમ, ભગવત ભક્તિ, અને ભગવત પ્રેમ એટલે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ.
આપણા સનાતન ધર્મનો ભગવાન માત્ર મંદિરની મૂર્તિમાં જ નથી બેઠો. હર કણ કણમાં અને હર ક્ષણ ક્ષણમાં છે ” હરિ વ્યાપ્ત સર્વ સમાન, પ્રેમ સે પ્રગટ હોહી મૈં જાના” નારાયણ વ્યાપક છે. જડ અને ચેતન સૌમાં પરમાત્મા વ્યાપ્ત છે. “સિયરામ મય સબ જગ જાના”
એક યુવાન સ્ત્રી રડતી હતી. તેના ખોળામાં બે વયોવૃદ્ધ અશક્ત વ્યક્તિ સુષુપ્ત અવસ્થામાં પડ્યા હતા. એ બંનેની તે યુવાન સ્ત્રી મદદ કરતી હતી. કોઈની મદદ મળે માટે દશે દિશાઓમાં જોતી હતી. તે સ્ત્રીની દૃષ્ટિ નારદજી ઉપર પડી. અને તેણીએ નારદજીને પોકાર્યા “હૈ સાધો ક્ષણવાર ઉભા રહો” બીજાના કાર્યને સાધે એ સાધુ, પોતાના સ્વાર્થ ને સાધે એ સંસારી. બીજાના માટે પરહિત કરતો રહે, તે સાધુ. કબીર સાહેબે આ રીતે જ પોકાર કર્યો છે. કે………..
“હે સાધો યે મુરદોં કા ગાંવ,
પીર મરે હૈ પયગંબર મરી હૈ,
મરી હૈ જીંદા જોગી,
રાજા મરો હૈ પરજા મરી હૈ,
મરો હૈ બૈદ ઔર રોગી,
ચંદા મરી હૈ સૂરજ મરી હૈ,
મરી હૈ ધરણી આકાશા,
ચૌદહ ભુવન કે ચૌધરી મરી હૈ,
ઈનહું કી કા આશા,
નૌ મરો હૈ દસહુ મરી હૈ,
મરી હૈ સહજ અઠ્ઠાસી,
તૈતીસ કોટી દેવતા મરી હૈ,
બડી કાલ કી બાજી,
નામ અનામ અનંત રહત હૈ,
દૂજા તત્વ ન હોઈ,
કહત કબીર સુનો ભાઈ સાધો,
ભટક મરો મત કોઈ,
સાધો યે મુરદોં કા ગાંવ”
કહેવાનો અર્થ એ છે કે, આ બધું જ મરી જવાનું છે. પણ જે પરકાજે જે મરે “તેના કીર્તિ કેરા કોટડા, પાડયા નહીં પડંત” બીજા માટે જે સંવેદના રાખશે તે અમર થઈ જશે. તેની કીર્તીના ગઢને કોઈ પાડી નહીં શકે. આજ કાનાભાઈ એવું જ કાર્ય કરી રહ્યા છે જે બીજા માટે છે.
કળિયુગમાં દેવતા કોણ તો જે હંમેશા આપે છે તે “દેવતા” અને જે હંમેશા લે છે. લીધે રાખે છે તે “લેવતા”
કાનુડો ગોપીઓને કવરાવે એટલે કે હેરાન કરે. તો કાનુડાને તેના મિત્રો ગોવાળિયાઓ હેરાન કરે. અને દાવભાઈ (બલરામ) એટલે કે કૃષ્ણના ભાઈ પણ તેને એવું કહે કે, તું સગી માનો દીકરો નથી. તને બહારથી લાવ્યા છે. મોલ દઈને લાવ્યા છે. “મૈયા મોરી દાઉ બહોત સતાયો” ત્યારે જશોદા માતા તેના આંખના આંસુ લુછે છે. ત્યારે આપણને એમ થાય કે, ભગવાન શ્રીકૃષ્ણને તે પોતે યશોદાનો દીકરો નથી. એટલું પણ સહન નહોતું થતું. યશોદા માતા જઈને કૃષ્ણને ગળે લગાડ્યો. અને કહ્યું કે “લાલા તુ મેરા લલ્લા હૈ” ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે, એમ નહીં માતા તમે સમ ખાવ કે, હું તમારો દીકરો છું. ત્યારે યશોદા માતા કહે છે કે “લલ્લા મોહે ગૌધન કી સો” મે તેરી મૈયા હું. એમ સમાજ માટે જેને સેવા કરવાના સમ ખાધા છે. તેની કીર્તિ અમર રહેશે.
અધુરો પ્રસંગ પૂરો કરીએ તો, વ્રજ ની ભૂમિમાં દેવર્ષિ નારદે જોયું, તો જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ અવસ્થામાં યુવાન ભક્તિ માતા ના ખોળામાં સુતા છે. કહેવાનો તાત્પર્ય એ છે કે જ્ઞાન અને વૈરાગ્ય જો આવી અવસ્થામાં રહેશે, તો ભક્તિ પણ દુઃખી રહેશે. માટે ભક્તિમાર્ગમાં આપણે હોઈએ, ત્યારે જ્ઞાન અને વૈરાગ્યને ભુલાવી નથી દેવાના.
અંતે દ્વારિકા પીઠના પૂજ્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ આપીને પ્રથમ દિવસની કથા ની પૂર્ણાહુતિ કરવામાં આવી. અને પ્રતિદિન સવારે 9:30 કલાકથી લઈને બપોરના 1:00 વાગ્યા સુધી અવિરત પણે, સાત દિવસ સુધી કથા શ્રવણનો લાભ લેવા, સૌને ભાઈશ્રી દ્વારા જણાવવામાં આવ્યું.
અને કથાના અંતે આગંતુક સર્વ મહાનુભાવો દ્વારા શ્રી રમેશભાઈ ઓઝા, ભાઈશ્રીનું સન્માન કરવામાં આવ્યું. તેમજ ભાઈશ્રી દ્વારા તથા આયોજકો વતી મહાનુભાવોનું સન્માન મોમેન્ટમ અર્પણ કરિને કરવામાં આવ્યું. અંતે સૌની સામૂહિક આરતી દ્વારા પ્રથમ દિવસની કથા પૂર્ણ જાહેર કરવામાં આવી.
જય શ્રી કૃષ્ણ….
આપ સૌનો,
વિજય લોખીલ વિજયશ્રી,
પ્રભારી,
પ્રેસ મીડિયા વિભાગ,
શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ,
સમિતી, મોરબી,
મો: 9825151966
ઉપસ્થિત મહાનુભાવોનું લીસ્ટ આમાં સાથે મોકલી આપશો
