
ડીસામાં લગ્નદિવસ નિમિત્તે પૂજ્ય જલારામ બાપાના ભજનનું કરવામાં આવ્યું આયોજન
છેલ્લા આઠ વર્ષથી ડીસા નગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા નિયમિત દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજનની રમઝટ જામે છે.સનાતન હિંદુ ધર્મની એકતા, જાગૃતિ તેમજ ગૌરક્ષાના કાર્યને અનુલક્ષીને થતાં આ ભજનમાં થતી તમામ આવક ગૌસેવા હેતુ વાપરવામાં આવે છે.
જન્મદિવસ, લગ્નદિવસ,સગપણ,સીમંત, વિદેશગમન, વાસ્તુ, ઉદઘાટન જેવા વિવિધ શુભ અવસરો ઉપર અનેક લોકો પૂજ્ય જલારામ બાપાના ભજનનું આયોજન કરી ગૌસેવાના સત્કાર્યમાં સહયોગી બને છે.તારીખ 11-12-2025 ગુરૂવારે ડીસા રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી કલ્પેશભાઈ ઠક્કર -લાલાભાઈ તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કરનો લગ્ન દિવસ હતો.તેમણે લગ્નદિવસની ઉજવણી હોટલમાં કરવાને બદલે પોતાના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખીને સૌ સ્નેહીજનોને આમંત્રિત કર્યા હતા.386 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં તેમના નિવાસસ્થાને ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.કલ્પેશભાઈ તેમજ પૂજાબેનનું જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી શાનદાર સન્માન વાજતેગાજતે કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે ડીસા શહેર ભાજપ પ્રમુખ ડો.વર્ષાબેન પટેલ, મહામંત્રી રમેશભાઈ મેવાડા, જિલ્લા યુવા ભાજપના પૂર્વ મહામંત્રી અને થરા જલારામ ભજન મંડળના સંચાલક નિરંજનભાઈ ઠક્કર, દિયોદર જલારામ ભજન મંડળનાં ભારતીબેન અમરતલાલ રાજદે સહિત વિવિધ અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી.
જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે રૂપિયા 70000 સીતેર હજારની ગૌસેવા એકત્ર થઇ હતી.આગામી ગુરૂવારે પ્રકાશભાઈ જયંતીલાલ ઠક્કર પરિવારના નિવાસસ્થાને ભજન હોઈ તેની જાહેરાત કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.
