
પવિત્ર શ્રાવણ માસમાં પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ડીસાના વાલ્મીકિ સમાજે દાખવ્યો અભૂતપૂર્વ ઉત્સાહ
સમગ્ર ભારત અને ગુજરાત માટે ડીસાના જલારામ ગૌ સત્સંગ મંડળે પવિત્ર શ્રાવણ માસના તમામ ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન વાલ્મીકિ સમાજના પરિવારોમાં કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડેલ છે.
શ્રી જીતુભાઈ મગનભાઈ ચૌહાણના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોથી શ્રાવણ માસમાં પ્રત્યેક ગુરૂવારે વાલ્મીકિ સમાજમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય તેવું ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું.ગત ગુરૂવારે ભોપાનગરમાં રહેતા વાલ્મીકિ સમાજ ડીસાના અગ્રણી અને સંનિષ્ઠ કાર્યકર શ્રી મનુભાઈ ધર્માભાઈ મકવાણાના નિવાસસ્થાને શીતળા સાતમના પવિત્ર દિવસે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેતાં ભજનની રમઝટ જામી હતી.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 38000 આડત્રીસ હજાર જેટલી ગૌસેવા એકત્ર થઈ હતી.
ભજન યજમાન શ્રી મનુભાઈ ધર્માભાઈ મકવાણા પરિવારનું પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિચિન્હથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આગામી 425 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના નિવાસસ્થાને વીરપુર ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન હોઈ સૌને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
