• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ભીમોરાની લડાઈ-૨

બહારવટિયા સામે જંગે ચઢેલા કાઠીની વાત આપણે કરી રહ્યા છીએ.

તરસથી બેહોશ બનેલા એ કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો. દડતો દડતો એ તળેટીમાં બાબારાવની ફોજ વચ્ચે પહોંચ્યો. એને ચેલા ખાચરની પાસે લઈ ગયા. એણે મોં પાસે ખોબો ધરીને ઈશારતમાં સમજાવ્યું. એને પાણી પાવામાં આવ્યું.

ચેલા ખાચરે પૂછયું: ‘ગઢમાં કેટલા માણસો છે?’

ટાઢાણે જવાબ આપ્યોઃ ‘ફક્ત આઠ જણા’

તરત જ ફોજને હુકમ મળ્યોઃ ‘હવે ફિકર નહીં. ગઢમાં નથી દારૂગોળો કે નથી માણસો. કરો હલ્લો!’

અને હલ્લો મંડાણો.

થોડા દિવસ ઉપર નાજા ખાચરના ગઢમાં બે મારવાડી રજપૂતો મહેમાન આવેલા. બંને જણા મારવાડમાંથી દ્વારકા જાત્રાએ જતા હતા. આશા છોડીને નાજા ખાચરે એ બંને જણાને કહ્યું કે ‘ભાઈઓ, હવે તમે નીકળી જાઓ. નહીં તો આ જ આ ફોજ તમને પણ મારી નાખશે.’

મારવાડીઓએ જવાબ દીધોઃ ‘નાજા ખાચર! અમે તમારો રોટલો ખાધો. હવે અમારાથી કેમ જવાય! દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું, અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે! એને બદલે આંહીં જુદ્ધમાં ક્ષત્રીને બે ડગલે જ મોક્ષ મળશે. વળી સ્વર્ગાપરને માર્ગે તમારા જેવા શૂરવીરોનો સાથ ફરી ક્યાંથી મળે? માટે અમારે તો હવે ‘અઠે જ દ્વારકા.” (ત્યારથી આપણા પ્રાંતમાં ‘અઠે દ્વારકા’નું ઓઠું પ્રચલિત થયું)

‘ભાઈઓ!’ નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી આજ્ઞા દીધીઃ ‘હવે આપણી ઘોડિયુંને ગૂડી નાખો.’

એટલું બોલતાં એની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં. એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા. નાજો ખાચર ફરીવાર બોલ્યાઃ ‘હા બાપ! ઘોડિયું તો મને મા-દીકરિયું જેવી વા’લી છે. પોતાની પીઠ ઉપર બેસાડીને એણે મને ઘણાં ધીંગાણાંમાં રમાડયો છે. પણ શું કરું? મારી ઘોડિયું દુશ્મનને હાથ કેમ પડવા દઉં?’

આઠેય ઘોડીઓને હાજર કરી. તરવારને એકેક ઝાટકે એના રૂપાળાં દેવાંગી ડોકાં પડવા માંડયાં. ઘોડીઓ પણ સમજતી હોય તેમ ચૂપચાપ મરવા લાગી. એમાં છેલ્લી બે ઘોડીઓ હણહણી.

‘બસ, બાપ!’ નાજા ખાચરે હાકલ કરીઃ ‘એ બેને મારશો નહીં. એને મરવું વસમું લાગે છે. છોડી મેલો! ભલે ચાલી જાય.’

બેય ઘોડીઓને મોકળી મેલી દીધી.

સૈન્ય આવ્યું. દરવાજા તૂટયા, બરાબર ચોકમાં ધીંગાણું મચ્યું. આઠ જણા ક્યાં સુધી ટકે? નાજા ખાચરના શરીર પર ઘણા જખમો પડયા; એણે ઘણાને સુવાડયા. આખરે નાજા ખાચર બરાબર ઓટાના પગથિયાં ઉપર બેસી ગયા. એના ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું. પાસે અર્ધી ભાંગેલી સોનાની મૂઠવાળી તરવાર પડી હતી. મૃત્યુને ઝાઝી વાર નહોતી.

ત્યાં તો એની પાસે બાબારાવનો ભાણેજ આવી પહોંચ્યો. એ મરાઠાએ નાજા ખાચરના પગમાં સોનાનું સાંકળું જોયું. સામે સોનાની મૂઠવાળી તરવાર જોઈ. એનું મન કદાચ સોનામાં લોભાયું હશે અથવા બે બળવંત શત્રુની બે ચીજો લઈ જઈ પોતાની શાબાશી કહેવરાવવી હશે! એ નીચે બેસીને નાજા ખાચરના પગનાં સાંકળાંની ખીલી ખોલવા લાગ્યો.

લાંબા થઈને બેહોશ પડેલા નાજા ખાચરના મનમાં થયું: ‘હાય! હાય! હજી હું જીવતો છું ને મારા અંગ માથે આ દુશ્મન હાથ નાખશે?’

પણ એની ગરદન પર માથું ડગમગતું હતું. એનાથી ઊભા થવાય એમ નહોતું. અર્ધી તૂટેલી તરવાર એ આઘે બેઠેલા દુશ્મનને પહોંચી શકે તેમ નહોતી.  એણે શું કર્યું?

ઉતબંગ ટેકણ એક, બીજે હાથ વાઈ બજડ,

(આમાં) વખાણવો વશેક, નેક ભજ કિયો નાજિયા?

(એક હાથે પોતાના માથાને ધડ ઉપર ટેકવવા બરાબર દબાવી રાખ્યું અને બીજે હાથે તરવારનો ઘા કર્યો. હે નાજા ખાચર! આ બે વફાદાર ભુજાઓમાંથી કઈ ભુજાને અમારે વખાણવી)

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સોનગઢ ગામમા રામજીમંદીર પાછળ ડીઝલ ચોરી કરતા બે ઇસમોને મુદામાલ સાથે પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

editor

*મોરબી નગર પાલિકા દ્વારા રાત્રિ દરમિયાન રોડને સેનેટાઈઝર કરવાની કામગીરી કરાઇ*

Hello Morbi

*જોડિયાના હડિયાણા ગામે ભીમાણી પરિવાર દ્વારા સતી માતાજીના મંદિરે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment