• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખાતે ચાલતી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના વક્તવ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ના પાચમાં દિવસની કથાનો સાર*

શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મોરબી

 

પાંચમાં દિવસની કથાનો સાર

 

મોરબી મુકામે પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા દ્વારા અને તેમના પરિવાર દ્વારા આયોજિત કોરોના દરમિયાન મૃત્યુ પામેલા દિવંગત આત્માઓના મોક્ષાર્થે. તેમજ મોરબીના નિર્માણમાં જે મહાપુરુષોનો સિંહ ફાળો રહ્યો છે. તેવા દિવંગતોની શ્રદ્ધાંજલિને અર્થે, શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મોરબી મુકામે આયોજિત થયેલ છે. જેમાં પાંચમા દિવસની કથાનો સાર, કથા સમિતિના પ્રેસ મીડિયા વિભાગના પ્રભારી વિજયભાઈ લોખીલ વિજયશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

કથા પ્રારંભ પૂર્વે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા કથા શ્રવણનો લાભ પ્રાપ્ત કરવા માટે ખાસ પધારેલા, ત્યારે તેમને કથા સમિતિ દ્વારા પ્રસંગિક ઉદબોધન માટે, અને પોતાના હૃદયના ભાવ પ્રગટ કરવા માટે કહેવામાં આવ્યું. ત્યારે તેમણે કહ્યું કે, મોરબીના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કાંતિલાલ કે જેમના કારણે મને આ કથા શ્રવણ નો લાભ પ્રાપ્ત થયો. અને આપ સૌ પણ જેનો લાભ આજ ચાર-ચાર દિવસથી લઈ રહ્યા છો. અને આજે પાંચમો દિવસ છે, ત્યારે કાંતિલાલભાઈનો પરિવાર, તેમના સ્નેહીજનો, આપણા રાષ્ટ્રીય સહકારી આગેવાન આદરણીય દિલીપભાઈ સંઘાણી, રાજ્ય સરકારના માનનીય મંત્રી શ્રી મીરજાભાઈ, ભાઈ શ્રી જયંતીભાઈ કવાડિયા, મુરબ્બી શ્રી ગોવિંદભાઈ, ઓધવજી બાપાના અમુલખ વારસદાર એવા જયસુખભાઈ, ઘોડાસરા સાહેબ, નાનજીભાઈ અને તેમનો સમગ્ર પરિવાર, અહીંયા મારે ભરતભાઈનો ઉલ્લેખ કરવો જોઈએ. આમતો હું હંમેશા કહેતો હોઉં છું કે, કાંતિલાલ ને બદલે કાયમ ભરત અમારું ધ્યાન રાખે છે. અહીંયા તો હવે બે ભરત ધ્યાન રાખવા વાળા પ્રાપ્ત થયા છે. આપ સૌને મારા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.

ભાઈશ્રી જ્યારે વ્યાસ આસને બિરાજતા હોય, અને એમના શ્રી મુખે આપણને ભાગવત જ્ઞાનના પ્રેરણા પિયુષ પ્રાપ્ત થવાનો હોય, ત્યારે આપણે અન્ય કોઈએ પણ વક્તવ્ય આપવાથી બચવું જોઈએ. એ મારો વ્યક્તિગત મત છે. કાંતિભાઈનો આગ્રહ હતો કે, હું પણ બે વાત કરું. ભાઈશ્રીના વ્યાસ આસનવાળી દર્શન વ્યવસ્થામાં મને કે દિવસનું મન હતું કે હું પણ એકાદ વાત મૂકું. જો ક્યારેક મોકો મળે તો. એવું ઘણી વખત મનમાંને-મનમાં થતું. આજ અનાયાસે યોગ આવી ગયો.

ભગવાનને કૃષ્ણની કૃપાથી ભારત સરકારના મંત્રી તરીકે પશુપાલન વિભાગની મારી જવાબદારી છે. આપણા આદરણીય વડાપ્રધાનશ્રી એ પશુપાલન વિભાગને સ્વતંત્ર વિભાગનો દરજ્જો આપ્યો છે. અત્યાર સુધી આ વિભાગ જ હતો નહીં. આ વિભાગની રચના થયે બે વર્ષ થયા. એના કારણે એક નવો વિભાગ અસ્તિત્વમાં આવ્યો. અને ભારતમાં આઝાદી પછી, જોકે નરેન્દ્રભાઈના વિષયો મૂકવા માટેનું આ પ્લેટફોર્મ નથી.

ષઘણા બધા નિર્ણયો એમના ખાતામાંથી થયા છે કે, જેની નોંધ ઈતિહાસે લેવી પડે. પણ અહીંયા મારે જેનો ઉલ્લેખ કરવો છે. તે એ છે ભાઈશ્રી કે, માન્ય વડાપ્રધાનશ્રી એ દેશી ગૌધનના સંવર્ધન માટે, ખૂબ મોટો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. જે આઝાદી પછી આ ક્ષેત્રે થયેલો, એ પહેલો મહત્વપૂર્ણ નિર્ણય હતો. દેશી ગૌવંશનું સરક્ષણ કરવું, તેનું સંવર્ધન કરવું, એના વિકાસ માટેના પ્રયાસો કરવા, આ એક ખૂબ જ અગત્યના નિર્ણયના કારણે, ખૂબ જ મોટી નવી દિશાઓ ખુલી.

હમણાં બનાસકાંઠાની બનાસ ડેરીમાં જવાનું થયું, જે રોજનું એંસી લાખ લીટર દૂધ એકત્ર કરે છે. જે એશિયાની સૌથી મોટી ડેરી તરીકેનું બિરુદ પ્રાપ્ત કરી ચૂકી છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગાયના છાણના આવકના આંકડાઓ પણ ખૂબ આશ્ચર્યજનક હતા. જેના કારણે “ગોબરધન” એક નવો શબ્દ પ્રાપ્ત થયો. ગૌધન તો આપણો પ્રચલિત શબ્દ હતો જ. તેમાં એક આ નવો શબ્દ પ્રાપ્ત થયો. અને એક સમયે આપણા ભારતની અંદર, આર્થિક માપદંડોની દ્રષ્ટિએ, ગૌધન સૌથી મહત્વપૂર્ણ અંગ ગણાતું હતું. નવલખ ગાયોનું ધણ એટલે કે ગૌધન કૃષ્ણના પિતા પાસે હતું. તેના કારણે તેમને રાજાનું બિરુદ મળ્યું હતું. અને કદાચ એ સમયની ગૌ સંવર્ધનની નીતિઓ, કદાચ એ માટે કારણભૂત હશે. અને હવે આ વસ્તુના ઉલ્લેખ સાથે મારે કેવું છે કે, ગાયના દૂધની સાથે ગાયના ગોબરની પણ અમુક આયુર્વેદિક પ્રોડક્ટો તૈયાર થવા લાગી છે. જેના કારણે આવકો શરૂ થઈ છે. બે રૂપિયે કિલોના ભાવથી ગોબરની ખરીદી પણ થવા લાગી છે. ત્યારે આવતા સમયમાં એવું થશે કે, ગાયના દૂધની આવક ચાર મહિના થશે, અને ગોબર દ્વારા આવક બાર મહિના થશે. અને આના કારણે આવકનું એક ખૂબ મોટું પરિબળ નિર્માણ થવા જઈ રહ્યું છે. આ વાતનો મારે એટલા માટે ઉલ્લેખ કરવો હતો કે, પરમ સદગુરુ જગ્ગી સ્વામી વિશ્વના પ્રવાસે મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. તેમના પ્રવાસનું ટાઇટલ હતું “સેવ ધ સોઈલ્ડ” save the soild અને 30,000 કિલોમીટરની તેમણે યાત્રા કરી. અને આખી દુનિયામાંથી એમને સમર્થન મળ્યું. બધાએ સહકાર આપ્યો. બધાએ આવકાર્યા. અને ઘણા બધા વિકસિત દેશો પણ તેમની યાત્રામાં હતા. પણ એમનું જે ટાઇટલ હતું, તેનો જવાબ પણ કોઈ રાષ્ટ્રોએ આપ્યો નથી કે, તમે આ વિષય માટે આટલો પ્રયાસ કરી રહ્યા છો, ત્યારે અમારો દેશ આ વિષય ઉપર આટલો આગળ છે. અને અમારી પાસે આ તેનું સોલ્યુશન છે. આ સોલ્યુશન આપ લેતા જાવ. અને સેવ ધ સોઈલ્ડના કાર્યમાં આપ આગળ વધો. એવી ટિપ્સ તેમને આખા વિશ્વના પરિભ્રમણ દરમિયાન, ક્યાંયથી પણ મળી ન હતી.

કારણકે સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કરીને પરત આવ્યા પછી. દિલ્હીમાં તેમની સભા હતી. અને એ દિલ્હીની સભામાં હું ઉપસ્થિત હતો. અને તેમના મુખેથી જાણવા મળ્યું કે, આખા વિશ્વમાં કોઈ દેશો દ્વારા આ વિષયનો ઉલ્લેખ કરાયો ન હતો.

ત્યારે મારે આજે આ મોરબીની ગૌરવ પૂર્ણ ભાગવતીય સભામાં, જ્યાં કાંતિભાઈ અમૃતિયાના સંકલ્પથી, અનેક મોક્ષાર્થી આત્માઓના કલ્યાણને અર્થે, પૂજ્ય ભાઈશ્રીના મુખેથી ભાગવત ગંગા વહે છે. ત્યારે હું તો એમ માનું છું કે, આ આપણા મોરબીનો નહીં પણ સમગ્ર રાજ્યનો પિતૃ મોક્ષનો કાર્યક્રમ ગણાય. કેમકે આ પ્રકારના સંકલ્પો થતા હોતા નથી. આ તો જો ઈશ્વરની કૃપા હોય, તો જ આવા સંકલ્પો થાય. કોરોના કાળમાં જે આત્માઓ આપણી વચ્ચેથી ગયા. એનું પુણ્ય સ્મરણ કરીને, એમને યાદ કરીને, એમના માટેનો આવો સરસ કાર્યક્રમ થાય, અને એ કાર્યક્રમના કિનારેથી મારે કહેવું છે કે, જમીનની ગુણવત્તાનો જે પ્રશ્ન સમગ્ર વિશ્વની સામે ઉપસ્થિત થયો છે. ત્યારે મારે બાપજી આપની ઉપસ્થિતિમાન કહેવું છે કે, હરિયાણા અને પંજાબના કેટલાક જિલ્લાઓમાં અમુક જમીનો ઉત્પાદન આપતી બંધ થઈ ગઈ છે.

હવે જો આ રોગ આખા દેશમાં વ્યાપી જાય, તો ઘઉં અને ચોખા નું કાંઈ ફેક્ટરીઓમાંથી ઉત્પાદન થવાનું નથી. પછી ભલે આપણે ગમે તેટલા વિજ્ઞાન ક્ષેત્રે આગળ હોઈશું. પણ તે શક્ય નથી. ઘઉં અને ચોખા તો આપણને માત્ર ખેતરમાંથી જ ઉત્પાદન સ્વરૂપે પ્રાપ્ત થવાના છે. અને જો જમીન જવાબ દઈ દે તો, સમગ્ર વિશ્વમાં ફૂડ સેફ્ટીનો ખુબ મોટો પ્રશ્ન ઉત્પન્ન થાય. એ જમીનોને પુનઃસ્ચ ફળદ્રુપ કરવાની ક્યાંય વ્યવસ્થા હોય, તો એ મારી દેશી ગૌમાતા ના ગોબરમાં છે. પૂજ્ય ભાઈશ્રી વ્યાસ આસનને બિરાજમાન છે. તેથી મારો વાત કરવામાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે.

ત્યારે કહું કે મળ અને મૂત્ર બંને અપવિત્રતાના સૂચક શબ્દો છે. એના વિશે પછી કાંઈ વર્ણન કરવાની જરૂર નહીં. મળ અને મૂત્ર. અને આ મળ શબ્દ બોલો એટલે, સમજવા વાળા સમજી જાય કે, નાખી દેવા જેવી વસ્તુ હશે. પછી એના માટે અર્થઘટન કરવાની જરૂર નહીં. મૂત્ર શબ્દ બોલો એટલે, પછી તે અપવિત્ર છે. તેવું વર્ણન કરવાનું કાંઈ જરૂરી રહેતું નથી. અને મળ અને મૂત્ર કોઈના પણ પવિત્ર નથી. કોઈના શબ્દની નીચે આઠ અંડર લાઈન કરો. એટલે કે હું ખૂબજ ભારપૂર્વક આ શબ્દો કહી રહ્યો છું. જેમાં પછી કોઈપણ નું નામ લઈ શકાય. અને લખી શકાય. કોઈપણનું મળ અને મૂત્ર પવિત્ર નથી. સમગ્ર બ્રહ્માંડ ની અંદર કોઈના પણ મળ અને મૂત્ર પવિત્ર નથી.

એક મારી દેશી ગૌમાતા છે. જેના મળ અને મૂત્ર પવિત્ર છે. પૂજ્ય ભાઇશ્રી વૈજ્ઞાનિકો એવું કહે છે કે, ગીર ગાયના દૂધ જેવું પવિત્ર કોઈ તત્વ છે જ નહીં. માના દૂધ પછી જો, કોઈ અતિશય તાત્વિક અને પવિત્ર દૂધ હોય, તો તે ગીર ગાયનું દૂધ છે. એ હવે વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે. એવી જ રીતે ગોબર અને ગૌમૂત્ર અત્યંત પવિત્ર અને ફળદ્રુપકારી દ્રવ્ય છે. એકે તો આની કંપની બનાવી છે. ગોબર ની કંપની. જે હવે ગોબર અને ગૌમુત્રના સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી રહ્યા છે.

જમીનની અંદર જે કુદરતી સાયકલ હતી. અને આપણા દેશી લોકો કે જેને ખેતીનો અનુભવ હતો, તેમને તો ખ્યાલ હતો જ કે, આપણી ગાયનો પોદરો જો ખેતરમાં પડ્યો હોય, તો એ પોદરાની નીચે અળસિયું ગમે ત્યાંથી 24 કલાકમાં પહોંચી જાય છે. અને જમીનમાં દસ-વીશ ફૂટ નીચેથી પણ ઉપર આવીને, એ પોદરાને ખાય અને પાછું એ જમીનમાં જતું રહે. અને જે ઉપર જવાની, અને નીચે આવવાની, જે આવન જાવન પ્રક્રિયા છે. તેને પુનઃસ્ચ કાર્બન પ્રસ્થાપિત કરવાની કુદરતી વ્યવસ્થા કહે છે. અને આ બધું તો આપણે ત્યાં અનાયાસે થતું હતું. અને હમણાં એક વૈજ્ઞાનિકોની સભામાં મેં કહ્યું કે, તમે કહો છો એટલે અમે માની લીધું કે, આપણી ગૌ માતાના ગોબરમાં અને ગૌમૂત્રમાં એવી શક્તિ છે કે, આપણી જમીનોને ફર્ટાઈલ કરે છે. એટલે કે ફળદ્રુપ કરે છે.

ત્યારે મેં કહ્યું કે અમારે ત્યાં તો, જો હવન કરવાનો હોય, તો પણ તેનો ચોક્કાનું લીપણ ગાયના ગોબરથી કરતા. અને જેના કારણે અમારું ઘર રેડી થઈ જતું. તાત્વિકતા થી ભરેલું થય જતું. અમારે ત્યાં અપવિત્રતાનું કાંઈ વાતાવરણ હોય, ત્યારે ભૂદેવ આવતા અને ગૌમૂત્રના છાંટા આખા ઘરમાં નાખી જતા. અને કહેતા “અ પવિત્રો, પવિત્રો વા” એટલે અમારું ઘર બેક્ટેરિયા મુક્ત થઈ જતું હતું. બેક્ટેરિયા ફ્રી થઈ જતું હતું. અને આ પરંપરા કોને ઉભી કરી, તે પણ અમને ખબર નથી. એનો અર્થ એ થાય કે, આપણે શાસ્ત્રીય રીતે ગૌમુત્ર જે છે, ગાયનું ગોબર જે છે, તે અતિ પવિત્ર છે. તેવું પ્રસ્થાપિત કરીને, આપણા ઋષિવનિઓ યુગો પહેલા કહી ગયા હતા. અને ઋષિઓ ઉપરનો આપણોં ભરોસો ઘટ્યો, એટલે આપણે અહીં આવીને ઊભા છીએ.

એ પૌરાણિક પરંપરાને પુન:સ્ચ પ્રસ્થાપિત કરવા માટે. આપણા આદરણીય વડાપ્રધાનનો દીર્ઘદ્રષ્ટા માર્ગ ખુલી ગયો છે. એટલે મને કહેતા ગૌરવ થાય છે ભાઈશ્રી કે, આગામી પાંચ-સાત વર્ષની અંદર, ભારતના અર્થતંત્રનું કેન્દ્ર મારી ગૌમાતાઓ બનશે. તેવી શ્રદ્ધા મને દેખાય છે. ભાગવતના આ પવિત્ર સંકલ્પમાં, ભાઈ શ્રી કાંતિલાલે પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો, અને મોક્ષાર્થ માટેનો, જે કાર્યક્રમ કર્યો, તેના માટે ધન્યવાદ. અને એમણે ૭૨ ટન લાડુ બનાવ્યા છે. અને વડાપ્રધાન શ્રી ના જન્મદિવસની ઉજવી કરી રહ્યા છે. તેથી અભિનંદન. તેની પ્રસાદી બધી ગૌશાળાને પહોંચાડવાનો પ્રયાસ થાય, અને એ લાડુળી જે ભાગ્યશાળી કાર્યકર્તાઓ ગાય માતાને ખવડાવવા માટે જાય, તે ફેંકીને ન ખવડાવતા. પણ જો શક્ય હોય, તો હાથમાં રાખીને ખવડાવજો. અને જો ગાય માતાની જીભ તમારી હથેળીમાં ફરશે, તો શું પરિવર્તન લાવશે. તે મારે આપને કહેવાની જરૂરિયાત જણાતી નથી. આપ સૌ સમજદાર છો જ્ઞાની છો.

સૌ પૂજ્ય ચરણોમાં અને ભાઈશ્રીના ચરણોમાં મારા વંદન અને નમસ્કાર કરીને, જય શ્રી કૃષ્ણ કહેતા. પરમ આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

 

અત્રે અખબારી યાદી માટે ખાસ વિજયભાઈ લોખીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગઈકાલે “નંદ ઘેર આનંદ ભયો” દ્વારા પૂજ્ય ભાઈશ્રીએ સમગ્ર મોરબીને આનંદમય કરાવી દીધું હતું. અને જાણે કૃષ્ણ જન્માષ્ટમીનું વાતાવરણ, સમગ્ર જિલ્લામાં નિર્માણ થયું હોય, તેવું વાતાવરણ બદલાયું હતું. અને જન્માષ્ટમીની જેમ “બારે મેહ ખાંગા થઈ ને વરસ્યા હતા” એ કાલના પ્રસંગને કોઈ ભૂલી શકશે નહીં. કારણ કે ત્યાં દિવંગગતોની દિવ્ય ચેતના પણ ઉપસ્થિત હતી.

અને ભાઈ શ્રી ના મુખેથી સુખડ-ચંદનના શીતળ પ્રવાહની જેમ, શબ્દો નીકળી રહ્યા હતા. તેમાં સૌએ ટાઢક મેળવી હતી. શાતા મેળવી હતી. ત્યારે આજની કથા માટે વિશ્વ વંદનીય ભાઈશ્રીના શ્રી મુખેથી, આજની પાંચમા દિવસની કથા સાંભળી હતી, જેનું અહીં અક્ષર સ: વૃતાંત, સાર શબ્દ લખવાનો પ્રયાસ કર્યો છે. જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો ક્ષમા કરશો.

ભાઈશ્રીએ આજની કથાના પ્રારંભે કહ્યું કે, આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને બોલાવવા ખૂબ ગમે. અને બોલાવીએ અને અહીં આવે. અને તેમના મુખે બોલાવવા તે પણ આનંદકારી છે. કેમકે તેમની રજૂઆત, તેમની કહેવાની પદ્ધતિ વિલક્ષણ છે. તેથી તેમને સાંભળવા આપણને સૌને ખૂબ ગમે. અને ગઈકાલે ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું. અને ભગવાન ગોકુળમાં પધાર્યા. “ગો કુલ” ગો એટલે ગાય, અને એ ગોકુલ તે ગામ નથી. પણ નેહડો છે. ગૌશાળા છે. જ્યાં ગૌધન પૂજાય છે. ભગવાનને ગાયો ગમતી. એટલું જ નહીં. પણ કંસ થી બચવા ગાયોની મધ્યમાં રહેવું તે સુરક્ષિત સ્થાન હતું. તેથી ભગવાન મથુરા છોડી, ગાયોની મધ્યમાં ગોકુળ ગયા. અને ગાયોની વચ્ચે રહેવું, ભગવાન શ્રીકૃષ્ણને ગમે છે. આપણા સૌના હૃદયમાં ભગવાન વસે છે. જ્યારે ભગવાનના હૃદયમાં ગાય વસે છે. ગાયો અને ગોપાલનો આ નાતો છે. તમને જો ફરી રૂપાલા સાહેબની વાત કરું, તો વિષયોની સુ યોગ્ય ક્ષણાવટ સાથે, એમની વાત કરવાની શૈલી, ખૂબ જ અસરકારક છે. અને જે મંચ પર પોતે હોય. તે મંચની મર્યાદા રાખીને, દરેક વાતને રાખનારા રૂપાલાજી વિવેકી વ્યક્તિ છે.

ગાયો વિશેની સરકારની નીતિઓ, અને જમીન સુધારણા વિશેની સરકારની નીતિઓ વિશે, જાણીને ખૂબ જ આનંદ થયો. સાહેબે માહિતી આપી કે, ધીમે ધીમે જમીનની ઉર્વરા શક્તિ નાશ થતી જાય છે. કેમિકલ ફર્ટિલાઇઝર અને જંતુનાશકો દ્વારા ધરતી માતાને ડંડા મારીને, પરાણે કામ લેતા હોય, એવું લાગે છે. ગો નો અર્થ ધરતી પણ થાય, અને ગાય પણ થાય, અને ગો નો અર્થ ઈન્દ્રીયો પણ થાય. ગો શબ્દના અનેક અર્થ છે. કાલે સમયના અભાવના કારણે કથા પ્રસંગમાં ઝાજો સમય આપી નોતા શક્યા. ત્યારે આજે પુરુષોત્તમભાઈએ જ્યારે બીજક વાત મૂકી છે, ત્યારે મારે તમને એક પ્રસંગમાં પ્રવેશ કરાવવો છે. રાજા વેનના સમયમાં ધરતી માતા પોતાની ઉર્વરા શક્તિ ગુમાવી ચૂકી હતી. અને મારે જે કાંઈ કહેવાનું હોય, તે મારે ભાગવતના આધારે કહેવાનું હોય, કેમકે આ ભાગવતની વ્યાસપીઠ છે. અને માત્ર ને માત્ર જનતાના કલ્યાણને માટે, અને રાષ્ટ્રના ઉત્થાન માટે કહેવાનું હોય. ભાગવત કહે છે કે, ભગવાનની ઈશ્વરીય સત્તાના બે સ્વરૂપો છે. એક અંતરયામી અને બીજા કાળ ભગવાન. કાળ સ્વરૂપે ભગવાન સૌની બહાર રહેલો છે. અને એ કાળ સ્વરૂપે રહેલો પરમાત્મા, તમારા દેહથી અલગ છે. તેથી પ્રતિક્ષણ પ્રત્યેક પળ તમારા શરીરનો નાશ થઈ રહ્યો છે. તેનું ક્ષરણ થઈ રહ્યું છે. આમ જોવા જઈએ, તો એવું લાગે કે, છોકરો મોટો થઈ રહ્યો છે, કે બચ્ચું મોટું થઈ રહ્યું છે. જે ક્ષણે આપણને મોટું થયેલું દેખાય છે. તે ક્ષણે જ એ શરીર છીણ થઈ રહ્યું છે. મૃત્યુ તરફનો પ્રવાસ તેનો ચાલી રહ્યો છે. વિકાસમાં હાસ છે. એ આપણને ખબર નથી. તમને ઉપરથી કંઈક જુદુ દેખાય, પણ આંતરિક સત્વ બીજું કંઈ હોય. વ્યાસપીઠ પર બેઠા હોઈએ, ત્યારે શાસ્ત્રોની જ વાત થાય. પણ જેને રાજકારણ રમવું હોય તેની વાત જુદી.

ભગવાનનું બીજું સ્વરૂપ તે, અંતર્યામી સ્વરૂપ છે. તે સ્વરૂપ છે તે બધું જ જાણે છે. કોણ કયા ભાવથી બોલે છે. અને પરમાત્મા અંતર-બાહ્ય બધે જ છે. અને તેજ સમયે પૂજ્ય પ્રાણદેવજીનો કથા સભા મંડપમાં પ્રવેશ તથા પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે, આઈએ બાપજી…. આપકા સ્વાગત હૈ. આપનું ચિંતન, પુસ્તક સ્વરૂપે અને લેખ સ્વરૂપે, કેટલું બધુ રાષ્ટ્રને અર્પણ કર્યું. એક બાજુ આપણા સ્વામી સચ્ચિદાનંદ જી મહારાજ દંતાલી. એમનું ચિંતન એમના પુસ્તકો. અને એક તરફ આપણા યોગી ભાણદેવજી કે, જેઓ ખૂબ મોટા ચિંતક કે, જેમણે ખૂબ પુસ્તકો લખ્યા છે. જેનો મર્મ કદાચ આપણને આજે ન સમજાય, કેમ કે આપણને વ્યાસપીઠ પાસેથી, અને આવા પુસ્તકો પાસેથી એવું જ લેવું છે. જે આપણને ગોઠે. આપણને ફાવે. તે જ આપણને લેવું છે. બાકીનો આપણે વિરોધ કરવો છે.

આ છીછરાપણું છે. તમને ગમે તેવું જ, વ્યાસપીઠ નથી કહેતી. તમારા માટે જે સારું હોય, તે કહે છે. કાળ સ્વરૂપે પરમાત્મા, શરીરને મૃત્યુ તરફ લઈ જાય છે. શરીરનું ક્ષરણ કરે છે. આપણે જ્યારે મોટા થતા હોઈએ છીએ, ત્યારે આપણે ધીરે ધીરે મરી રહ્યા હોઈએ છીએ. શરીર પ્રત્યેક ક્ષણે સમાપ્ત થઈ રહ્યું છે. મરી રહ્યું છે.

મૂળ વાત ઉપર આવીએ. તો રાજા વેનના રાજ્યકાળ સમયે, ધરતી એ પોતાની ઉત્પાદન શક્તિ ઉર્વરક શક્તિ ગુમાવી દીધી હતી. અને રાજા વેન નાસ્તિક હતો. તેણે પોતાના રાજ્યમાં એવું જાહેર કરેલું કે, રાજા પોતે જ ઈશ્વર છે. આ યજ્ઞ-યજ્ઞાદિ બંધ કરો. આ ધર્મની વાતો અને મંદિરો બધુ બંધ. આજથી કોઈએ “કૃષ્ણાર્પણ મસ્તુ, અથવા બ્રહ્માર્પણ અસ્તું નહીં બોલવાનું. જેને આવું બોલવું હોય, તે વેનાર્પણ મસ્તું બોલે.

રાજા તમારો એટલે કે પ્રજાનો પોશક છે. રાજા તમારો એટલે કે પ્રજાનો રક્ષક છે. પણ રાજા વેનને એવું અભિમાન આવ્યું કે તેણે આદેશ કરીને, “બાયઓર્ડર” યજ્ઞ-યજ્ઞાદિ બંધ કરાવી દીધા. લોકોને ધર્મ આચરણ કરતા, ધર્મ ધ્યાન કરતાં રોકિયા. કોઈ રાજા કાયદાથી ધર્મ-કર્મ કરાવે, તે પણ ખોટું અને કાયદાના દુરુપયોગથી કર્મ ધર્મ કરતા રોકે, તે પણ ખોટું. ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા થીજ જ્યારે ધરમાચરણ થશે, તોજ ધરતી ટકશે.

બધા ધ્યાનથી સાંભળજો પુરુષોત્તમભાઈ એ જે બીજ મૂક્યું, તેના ઉપર વાત કરું છું. યજ્ઞ-યજ્ઞાદિ બંધ થયા. એટલે ધરતીની ઉર્વરા શક્તિ બંધ થવા લાગી. અન્ન કી પેદાવાર ધીરે ધીરે કરકે સમાપ્ત હો ગઈ. પ્રજા ભુખે મરવા માંડી. આ કથા ભાગવતમાં છે.

ત્યારે ઋષિઓને ખબર પડી છે કે, આ ધરતી ઉર્વરા શક્તિ ગુમાવી રહી છે. કેમકે અન્નનું ઉત્પાદન થતું બંધ થયું છે. વાવેલું જાય છે. મજૂરી માથે પડે છે. વર્ષાચક્ર આડાઅવળું થઈ જાય છે. કા અનાવૃષ્ટિ કા અતિવૃષ્ટિ. આ ઋતુચક્ર આખું ખોરવાઈ ગયું. આ બધું કેમ થયું ??? તો કહે યજ્ઞ-યજ્ઞાદિ બંધ કરાવી દીધા માટે. એને આવું થાય ત્યારે, ઋષિઓ પોતાના આશ્રમમાં માળા લઈને બેઠા ન રહી શકે. અને જ્યારે જ્યારે જરૂર પડે છે. ત્યારે ભારતના ઇતિહાસને જોઈ લો, પુરાણોને જોઈ લો, ઋષિઓએ પોતાની ભૂમિકા ભજવી છે. જ્યારે પણ જરૂર પડી ત્યારે.

તે બેઠા ન રહી શકે. ચુપ ન રહી શકે. અને તમામ ઋષિઓ આશ્રમોની બહાર નીકળ્યા. અને ઋષિઓને કોની સાડી બાર. અને રાજા વેનની સામે જઈને કહ્યું કે, હે રાજન આ તું ખોટું કરી રહ્યો છે. રાજાએ, રાજ્યની અને પ્રજાની સુખાકારીને ધ્યાનમાં રાખીને, રાજ્ય કરવું જોઈએ. જે રાજ્યમાં પ્રજાને ધર્મ પ્રત્યે શ્રદ્ધા નહીં રહે, તેને તે દેશના સંવિધાન પ્રત્યે પણ શ્રદ્ધા નહીં રહે. એક સંવિધાન હોતા હૈ ધર્મ કા. એક સંવિધાન હોતા હૈ, શાસન કા.

હવે અહીં જો દિલીપભાઈ જેવા એડવોકેટ કાયદાના નિષ્ણાત બેઠા છે. ત્યારે વાત કરું તો, આ નજારા થી બિલકુલ વિપરીત માનસિકતા વાળો એક રાજા હતો. જેણે એક ફરમાન બહાર પાડેલું કે, એક વટહુકમ બહાર પાડેલો કે, બધાએ સત્ય જ બોલવાનું. સાચું જ બોલવાનું. જે અસત્ય બોલે તેને મૃત્યુ દંડ. અને તે વ્યક્તિને સુલીએ ચડાવી દેવાનો. એ રાજા આટલો બધો સત્યનો આગ્રહી હતો. કારણકે પહેલો ધર્મ એટલે સત્ય….

પણ ધર્મના ચાર ચરણ કયા ??? વ્રત, પવિત્રતા, દયા, તપ. આ ધર્મરૂપી નંદીના ચાર ચરણ છે. અને એ નંદીનો એક પણ પગ તૂટેલો હોય, તો તે ખોડંગાતો ચાલે. ધર્મ તમને મજબૂતીથી ગતિ કરીને, શિવ સુધી પહોંચાડે. માટે જ નંદીની દ્રષ્ટિ એ આડા અવળી નથી હોતી. તેની દૃષ્ટિ મહાદેવ ઉપર જ હોય છે. ભગવાન શિવના શિવલિંગ ઉપર જ હોય છે. મહાદેવને પીઠ ધરીને કે, આડો પડીને, પડખું ફરીને, નદી ક્યારેય ન બેસે. અને કાલે આપણે કથામાં સાંભળ્યું કે, ધરતી રૂપી ગાય, અને વૃષભ રુપી એટલે કે નંદીરૂપી ધર્મના ત્રણ પગ તૂટેલા હતા. ધર્મ અને ધરતી બંને દુઃખી હતા. અને ધરતીથી દુઃખ સહન ન થયું. ત્યારે ધરતી ગાય માતાનું રૂપ લઈને ઈશ્વર પાસે ગઈ. “કોણ ભૂમિ સે ભારી, તો કહે પાપ ભૂમિ સે ભારી” પાપ વૃદ્ધિ એટલે, પોતાના સ્વાર્થને માટે પ્રવૃત્તિ કરે, તેટલું જ નહીં. પણ પોતાના સ્વાર્થને માટે બીજાનું નુકસાન કરે. તે પાપવૃતિ છે.

પોતાના પેટને ભરવાને માટે, જ્યાં સુધી વ્યક્તિ બીજાને તકલીફ ન પડે, અથવા બીજાને પીડા ન થાય, અને પોતે અર્થ કમાય. એવું કરે ત્યાં સુધી તે વ્યક્તિ ધાર્મિક છે. પણ જ્યારે બીજાને પીડા થતી હોય, તેનાથી બીજાને નુકસાન થતું હોય, તો પણ પોતે પોતાના સ્વાર્થને માટે, પ્રવૃત્તિઓ કરતો રહે. પોતાના જીવન નિર્વહન માટે પ્રવૃત્તિઓ કરતો રહે. તે ખરેખર અત્યંત પીળાદાયક છે. અને આ વાત રામાયણમાં આવે છે. માટે કહું છું કે, કથા સાંભળતા રહો. અને ખાલી ધર્મના નામે વાતો જ ન કરતા રહો. પણ ધર્મનું પાલન પણ કરો.

ધર્મને આપણે માનવાનો છે. આપણે માનીએ તે જ ધર્મ. એ આપણી ભૂલ છે. પરીક્ષિત રાજાએ પણ ધર્મ અને ધરતીની રક્ષા માટે સંકલ્પ કરેલો. “રાજા કાલસ્ય કારણમ્” ગમે તેવો કલિકાલ હોય, વિકટ સમય આવ્યો હોય, તો એ કાળને પણ પરિવર્તિત કરવાની, રાજા પાસે અને રાજસત્તા પાસે આવડત હોય. અને હોવી જ જોઈએ. એટલા માટે તો તેને ત્યાં રાજાના સ્થાને બેસાડવામાં આવે છે.

ફરી મુખ્ય વાત પર આવીએ તો રાજાએ કાયદો બનાવ્યો કે, માત્ર સત્ય જ બોલવાનું. સાચું જ બોલવાનું. જે જૂઠું બોલે તેને સુલી પર ચડાવી દેવાનો. તેને મૃત્યુ દંડ આપવાનો. ત્યારે એ રાજાના જે મંત્રી હતા, જે ઠરેલ માણસ હતા. વિદ્વાન માણસ હતા. સત્યનિષ્ઠ વ્યક્તિ હતા. અને ઉંમરલાયક હતા. અને આપણે કાલે જ વાત થઈ હતી. રામાયણના આધારે કે, સચિવ, વેદ અથવા ગુરુ જો કોઈ ભયના કારણે, અથવા લાલચના કારણે, ખોટી સલાહ આપે, તો તે મહા પાપ છે. અને ત્યારે રાજ્યનો નાશ થાય છે. અને જિંદગીનો નાશ થાય છે. ત્યારે આશ્રિત શિષ્યનું અકલ્યાણ થાય છે.

એટલે સચીવ ખુબ ડાહ્યા, હોશિયાર, ઠરેલ અને આવું કહીએ ત્યારે પુરુષોત્તમભાઈ આપણને “પટણી બાપા” યાદ આવે. ભાવનગરના દિવાન એ પટણી બાપા મોરબીના હતા. વાહ મોરબી વાહ. સચીવે એટલે કે મંત્રીએ જઈને રાજાને કહ્યું કે, બધાએ અસત્ય બોલવાનું, એ સારી વાત છે. કેમ કે સત્યનું નામ જ ધર્મ છે. અને ધર્મનું નામ જ સત્ય છે.

પણ મહારાજ એ કાયદાથી નહીં થાય. એના માટે ધર્મપુરુષો, સાધુ સંતો, સભાઓનું આયોજન, ચિંતકો, સાહિત્યકારો, તેનાથી એ કાર્ય થશે. કેમ કે આ શ્રદ્ધાનો વિષય છે. ધર્મ એ કોઈના પર લાદવાની વસ્તુ નથી. ત્યારે રાજાએ કહ્યું કે, સચિવ બાપા તમારી વાતો સાચી. પણ પ્રજા એમ માનશે નહીં. કડક કાયદા કરવા પડશે. અને રાજાએ સચિવની વાતને માની નહીં. ખોટું બોલનારા અને ખોટું કરનારા કેટ કેટલાયને સુલીએ ચડાવી દીધા.

સાચું જ બોલો ધર્મના માર્ગે જ ચાલો. ત્યારે સચિવને એમ થયું કે, યહ ભી જ્યાદતી હૈ. જેમ કાનુન કે કાયદા દ્વારા, ધર્માચરણ કરતા રોકી ન શકાય. તેમ કાયદા કે કાનૂન દ્વારા ધર્મનું પાલન કરવાની ફરજ પણ ન પાડી શકાય. આ ધર્મ છે ત્યાં કાનૂન ની વાત ન આવે. પણ વહાલા ત્યાં શ્રદ્ધાની વાત આવે. અતિશયોક્તિ થઈ રહી છે. રાજાને સચિવ પ્રત્યે આદર બહુ હતો. ત્યારે સચીવજીને થયું કે, હવે રાજાને બીજી રીતે સમજાવું પડશે.

ત્યારે એક સમયની વાત છે. રાજા એક જગ્યાએ સભા ભરીને બેઠા હતા. ત્યાંથી સચીવજી નીકળ્યા. દૂરથી પ્રણામ કરી અને આગળ વધ્યા. ત્યારે રાજાએ કહ્યું કે, સચિવજી પધારો. ત્યારે સચિવજી એ કહ્યું કે, રાજાજી થોડું કામ છે. ત્યારે રાજાએ પૂછ્યું કે, શું કામ છે ??? ક્યાં જાઓ છો ??? ત્યારે સચિવ એ કહ્યું કે, સુલીએ ચડવા જાવ છું.

દિલીપભાઈ મને એવું લાગ્યું કે, તમારા હાથમાં મોબાઈલ છે. પણ તમે તો ડાયરીમાં લખી રહ્યા છો. મારું ધ્યાન આપની ઉપર એટલા માટે છે. કેમકે મારે આપનું માર્ગદર્શન જોશે. દિલીપભાઈ અમારા જેવા માટે ફ્રી કન્સલ્ટેશન કરો ખરા કે નહીં ??? અને રાજાને સચિવે ફરીને કહ્યું કે, મહારાજ હું સુલીએ ચડવા જાવ છું. એટલે મહારાજને થોડી વાત અલગ લાગી. એટલે પોતે ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું. સચિવજી તમારે શા માટે સુનિયે ચડવું પડે ??? તમે શું ગુનો કર્યો ??? મારા પ્રશ્નનો તમે જવાબ ખોટો આપ્યો છે. કેમકે મેં પૂછ્યું કે ક્યાં જાઓ છો ??? તો તમે કહ્યું કે સુલીએ ચડવા. તમને રાજ્યએ કોઈ સજા નથી કરી. તમને સુલીએ ચઢાવવા માટેનો આદેશ, રાજ્યએ કર્યો નથી. અને તમે કહો છો કે, સુલીએ ચડવા……

તમે ખોટું બોલો છો. અત્યારે સચિવજી બોલ્યા કે, મહારાજ જો હું ખોટું બોલતો હોવ, તો મને સુલીએ ચઢાવો. કારણકે આપણા રાજ્યનો કાયદો છે. જે ખોટું બોલે તેને સુલીએ ચડાવવા. આ કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જેથી મને સુલીએ ચડાવી દો. અને રાજાની આંખ ફરી. ત્યારે રાજાએ કહ્યું કે, હું આપનો આદર કરું છું. પરંતુ કાયદો એટલે કાયદો….. કાયદો કાયદાનું કામ કરશે. કાયદાની નજરમાં બધા સરખા.

જો ખોટું બોલતા હશો, તો કાયદો તમને પણ સુલીએ ચઢાવશે. પકડો આને સુલીએ ચઢાવો. કેટલો બધો કઠોર…. કાયદાનું પાલન કરાવનાર રાજાને ઘણી વખત ધર્મ પણ કઠોર બનાવી દે છે. કારણ કે આ રાજા પણ ધાર્મિક જ હતો. તેથી તે કેટલો કઠોર બની ગયો. કાયદાથી બધાને ધર્મનું પાલન કરાવવાનો આગ્રહી. મને આપને સજા કરતા ગમ્યું નથી. પરંતુ કાયદો બધા માટે સરખો. ચઢાવો સુલીએ. એટલે સચિવને પકડીને જેલમાં નાખી દીધા. અને સુલીએ ચડાવવા માટેની તૈયારીઓ થવા લાગી. સુલીએ ચડાવવાનો દિવસ નક્કી થયો. એ દિવસે રાજા પણ ત્યાં હાજર હતા. અને સચિવને જેલમાંથી ત્યાં બોલાવવામાં આવ્યા. મરતા વ્યક્તિને એવું પૂછવામાં આવે કે, તમારી છેલ્લી ઈચ્છા શું છે ??? ત્યારે સચિવ કહે છે કે, મારે રાજાજીને કાંઈક કહેવું છે. ત્યારે સચિવ બોલ્યા કે, કાયદો એવો છે કે, જે જૂઠું બોલે, ખોટું બોલે, તેને સુલીએ ચડાવવા. હું ખોટું બોલ્યો છું. એવું કહીને. એવું આળ નાખીને મને સુલીએ ચડાવવામાં આવી રહ્યો છે. અને જ્યારે મને સુલીએ ચડાવવા માટે આવી ગયા છો. ત્યારે એ સાબિત થાય છે કે, હું ખોટું બોલ્યો નથી. કારણકે તમે મને પૂછ્યું હતું, ક્યાં જાઓ છો ??? મેં કહ્યું સુલીએ ચડવા.

ત્યારે ભાણદેવજી આપ પણ થોડી આમાં સહાયતા કરજો. કાયદો ખોટું બોલે તેને સુલીએ ચડાવતો હોય. અને કાયદા પ્રમાણે તમે મને સુલીએ ચડાવવા લાવ્યા છો. પરંતુ તમે મને જ્યારે પૂછ્યું ક્યાં જાઓ છો ??? ત્યારેતો મેં સત્ય જ કહ્યું હતું કે, સુલીએ ચડવા જાવ છું.

કાયદાની વિભાવના એવી છે કે, સો ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. તો સચિવ ખોટું બોલ્યા છે ??? એમ રાજા માને તો, સચિવને સુલીએ ચડાવવા જોઈએ. અને એ સત્ય બોલ્યો છે. છતાં તમે સાચું બોલનારને દંડ દીધો છે. તેવું કહેવાશે તો ???

દિલીપભાઈ જ્યારે આવો કેસ તમારી પાસે કોર્ટમાં આવે, તો આનું સોલ્યુશન શું ??? તમે આને કઈ રીતે લડો ??? ઘણીવાર માનનીય ન્યાયાધીશ સાહેબો પણ મારી પાસે બેઠા હોય, તેઓને અંદરથી સત્સંગની ભાવના હોય, એટલે તે આવે. અમે સાથે બેસીએ. જો તમે જજ હોય, તો આનો શું ફેસલો આપો ??? આનો રસ્તો કેવી રીતે કાઢો ???સુલીએ ન ચડાવે તો કાયદાનો ભંગ થાય. સુલીએ ચડાવે તો નિર્દોષને દંડ થયો ગણાય. હવે આવા સમયે રસ્તો શું કાઢવો ??? એનો જવાબ તમે બધા શાંતિથી વિચારજો…… સંપૂર્ણ સમય લઈને…..

આ તો આવો પ્રશ્ન ઊભો થયો, એટલે મેં તમને પૂછ્યું. આપણે પાછા મૂળ વાત પર આવીએ, તો ધર્મનું પાલન કાયદાથી કરાવી પણ ન શકાય. અને કાયદાથી ધર્મનું પાલન કરતાં રોકી પણ ન શકાય. એટલે બધા ઋષિમુનિઓ ભેગા થયા. અને રાજા વેનને કહ્યું, આ બધું બંધ કર. જો લોકોની શ્રદ્ધા ધર્મમાં નહીં ટકે, તો રાજ્યના કાયદા કે, સંવિધાનમાં પણ શ્રદ્ધા નહીં ટકે.

 

“ખોટું બોલાય નહીં, અવળું ચલાય નહીં, કોઈને દુભવાઈ નહીં હો, માળા છે ડોકમાં, મારા ગુરુજીના નામની હો,

માળા છે ડોકમાં,

નારાયણ નામની હો,

માળા છે ડોકમાં,

હરીહારા નંદ કહે,

સત્ય ચૂકાય નહીં,

અને નારાયણ વિસરાય નહીં હો,

માળા છે ડોકમાં”

 

પૂજ્ય હરિહરાનંદ બાપુ સરધાર. જેવો આપણા ભજનીક નારાયણ સ્વામીના ગુરુ. આ શ્રદ્ધાનો વિષય છે. અને તેના કારણે માણસ ખોટું કરતો નથી. ખોટું કોઈનું લેતો નથી. કોઈને મારતો નથી. કોઈને દુભવતો નથી. કોઈને પીડા આપતો નથી. અને આવા વાતાવરણને કારણે રાજાને રાજ્ય કરવાનું સરળ રહે છે. સહેલું પડે છે. કેટલાય ગુના ઓછા થાય છે. નહીંતર શું ??? તમે દરેક માણસની ઉપર એક પોલીસ રાખશો ??? અને અંતે પોલીસ એ પણ તો માણસ જ છેને ??? ધર્મ વિના નહીં ચાલે.

વચ્ચે મેં એક દિવસ કહ્યું હતું કે, માણસને ઈશ્વર વગર ચલાવવું હશે, તો ચલાવી લેશે. અને તેમાં ઈશ્વરને વાંધો નથી. પણ ઇન્સાનને ધર્મ વિના નહીં ચાલે. ધર્મ એ જીવનનો ઓક્સિજન છે. ઓક્સિજન એટલે કે પ્રાણ વાયુ છે. પ્રાણ વાયુ વગર જીવન શક્ય નથી. પ્રાણ વાયુ વગર માણસ મૃત્યુ પામે. મહારાજને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહીં. અને ઉલટા નું ઋષિમુનિઓને કહ્યું કે, તમે તમારી ઝુંપડીઓમાં, તમારા આશ્રમમાં બેઠા રહો. અને માળા કરો. મહારાજ વેનના નામની. લોકોને સમજાવો કે રાજ પ્રત્યે નિષ્ઠા રાખે. ત્યારે ઋષિમુનિઓને થયું કે, આ તો અમારું પણ અપમાન કરવા લાગ્યો છે. એટલે બહુ થઈ ગયું. હવે આ અમારું અપમાન નથી. પણ આ ધર્મ નું ઉપમાન છે. ત્યારે ઋષિમુનિઓને થયું કે, ધર્મનું તપનું બળ શું હોય ??? તે આ રાજાને સમજાવું પડશે. અને ઋષિમુનિઓએ “હું કાર” કર્યો. રાજાવેન ખતમ થયો. પ્રાણ વેનના નીકળી ગયા. ઋષિમુનિઓનો “હું કાર” એવો એક બીજ મંત્ર અંદરથી નીકળે. એ ઋષિમુનિઓનો સામૂહિક “હું કાર” રાજા વેનને સમાપ્ત કરી નાખ્યો.

ઋષિઓ પહેલા સુધારવા નીકળે છે. પરબારો તેનો નાશ નથી કરી નાખતા. ઋષિઓ એવા આવેશમય નથી હોતા. ગુમડું જ્યારે મલમ લગાવતા ન મટે, ત્યારે ઓપરેશન કરાવવું પડે. ક્યારેક પગ કાપવો પડે. તો કયારેક કાપવો પણ પડે. માણસને બચાવવા માટે, મોટા ઓપરેશન કરવા પડે.

બીજી રીતે કહું તો, ઋષિમુનિઓએ મૂરજાયેલી કચરાયેલી ભાવનાઓને જાગૃત કરી છે. “હું કાર” દ્વારા. અને જ્યારે પ્રજાની અસ્મિતા જાગે. પ્રજા પોતાની તાકાત ને ઓળખે. અને પ્રજા જ્યારે “હું કાર” કરે, ત્યારે ગમે તેટલો બળવાન શાસક કેમ ન હોય. એને સત્તા થી બે દખલ કરી દે. ભારતના ઇતિહાસોને વાંચો. આવા અનેક પ્રસંગો અને કથાઓ તમને મળશે. એક ચાણક્ય ઉભો થાય છે. અને સત્તા પરિવર્તનની પ્રતિજ્ઞા કરી લે છે.

હવે વેન મરી ગયો. રાજ્ય રાજા વગરનું ન રહેવું જોઈએ. આપણે ત્યાં સાંપ્રત સમય થી એ વ્યવસ્થા છે. રાજગાદી ક્યારે ખાલી ન રહે. ધર્મનીગાદી પણ ખાલી ન રહે. એક ધર્મચાર્ય જાય, તો બીજા ધર્મચાર્યની નિમણૂક થાય.

રાજા વેનના પદ ભ્રષ્ટ થતા, અંધાધુંધી ફેલાણી. રાજા વેન હતો ઉગ્ર દંડ દેનારો. એટલે વેનના રાજમાં ચોરીયો થતી નહીં. “લો એન ઓર્ડર” બરાબર મેન્ટેન થતા હતા. બાકી બધું તો ખૂબ સારું હતું. હવે એ રાજા ન રહ્યો. એટલે ચોરોનો ઉપદ્રવ વધ્યો. અવ્યવસ્થા અને અરાજકતા વધી. અને ફરી પાછી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ.

ત્યારે અમુક લોકોએ શું કહ્યું ખબર છે ??? કે આ ઋષિઓને દોઢ ડાહ્યા થવાનું કોને કહ્યું હતું ??? ઓલો રાજા વેનતો ખાલી સત્યનારાયણની કથા નહોતો કરવા દેતો. પરંતુ “લો એન્ડ ઓર્ડર” નું સારું ચાલતું હતું. કાયદો અને વ્યવસ્થા સુચારૂં રૂપે ચાલતી હતી. ચોરી ચોપાટી થતી ન હતી. જેમ અમુક લોકોએ કટોકટીના એટલે કે ઇમરજન્સીના કેમ વખાણ કર્યા હતા તે રીતે.

સારું થયું હોત જો, ઋષિમુનિઓએ બેઠા બેઠા માળા કરીએ રાખી હોત તો. નાહકના વચ્ચે દોઢ ડાયા થયા. ઋષિઓને આશ્રમમાંથી બહાર નીકળીને, આવા ચાળા કરવાની શું જરૂર હતી ??? તમારે બેસીને માળા કરવાની. તમારે કાંઈ જોતું હોય, તો અમને કહો. અમે તમને દાન સ્વરૂપે પૈસા આપીએ, તમને મંદિર બનાવી દઈએ, તમને ગૌશાળા બનાવી દઈએ, તમને આશ્રમ બનાવી દઈએ, તમને ધર્મશાળા બનાવી દઈએ, તમેને જમીનોના દાન આપીએ. તમારે આમાં આવવાની ક્યાં જરૂર હતી.

ક્યારેક પૌરાણિક કાળની કથાઓ, પ્રસંગો પણ અત્યારે વર્તમાન સમયની વાત હોય તેમ જ લાગે. અને આ તો ઋષિઓ છે. ન તો તેને નિંદાની પરવાહ છે. કે ન તો પ્રશંસાની અપેક્ષા છે. ઋષિઓની ભીતર અંતરયામી નારાયણ બેઠો છે. તેથી ઋષિઓ જન કલ્યાણ અને રાષ્ટ્ર કલ્યાણની વાતો કરે છે. ઋષિઓ પાછા સક્રિય થયા કે, સાચી વાત છે. અરાજકતા ફેલાઈ છે.

કથા ધ્યાન થી સાંભળજો. આ ભાગવતની કથા છે. આ પૃથુ ચરિત્ર છે. રાજા પૃથુ પ્રગટ થયા, એના પહેલાની આ પૃષ્ઠ ભૂમિકા છે. રાજા વેનના મૃત્યુ પછી, વેનના મૃતદેહને તેલની નૌકામાં, તેની માતા શૃંખલાએ સાચવી રાખ્યો હતો.

આવા વેન જેવા રાજાઓને એટલે કે સમમુખત્યારોને, જ્યારે સત્તામાંથી બે દખલ કરવામાં આવે. ત્યારે તે નિષ્પ્રાણ જ થઈ જાય. એટલે કે નિસ્તેજ થઈ જાય. કેમકે સત્તા એ જ તેના પ્રાણ હોય છે. સત્તા ગઈ એટલે નિષ્પ્રાણ. સદ્દામ હુસેનનો દાખલો આપણી સામે છે. તેલને સંસ્કૃતમાં સ્નેહ કહે છે. તે સ્નેહરૂપી તેલમાં, તેની માતા શૃંખલાએ વેનના મૃતદેહને સાચવી રાખેલો. માલીસ મસાજ એટલે “સ્નેહન” આયુર્વેદિક વાળાઓ પાસે જ્યારે પંચકર્મા કરવા જાવ, ત્યારે સ્નેહનના, લંબઘન, આચમન, એ બધું કરાવે.

વેનના મૃતદેહને તેની માતાએ સાચવી રાખ્યો હતો. કેમકે માતાને તેના ઉપર પુત્ર પ્રેમ હતો. અને સ્નેહના કારણે સચવાયો. અને ઋષિમુનિઓએ. એ વેનના મૃતદેહને શોધી કાઢ્યો. મૃતદેહ એટલા માટે ??? કેમ કે ??? સત્તામાંથી બે દખલ થયા પછી, સરમુખત્યારો પણ મૃત શરીર જેવા થઈ જાય છે. માટે મૃતદેહ. બાકી રાજા વેન તો તે વખતે જીવતો જ હતો.

ઋષિમુનિઓ તેના ઘરે આવ્યા, ત્યારે તેની માતા કહે છે કે, હવે તો તે શાંતિથી બેઠો છે. હું કહું તેમ કરે છે. હવે તેને તમે સૌ ઋષિમુનિઓ શા માટે બોલાવી રહ્યા છો ??? ત્યારે ઋષિમુનિઓએ કહ્યું કે, અમારી તમે ચિંતા ન કરો. તમે વેનને બહાર લાવો.

ભાગવતની કથામાં તો એવું આવે છે કે, ઋષિમુનિઓએ વેનના મૃતદેહ ને મંગાવીને, એનું મંથન કર્યુ. એટલે કે વેનના દોષ, વેનના પાપ બધા જ નાશ પામ્યા. વેનની ખરાબી બધી જ નીકળી ગઈ. પછી ઋષિમુનિઓએ વેનની જમણી ભુજા નું મંથન કર્યું. ત્યારે જમણી પૂજાથી સાક્ષાત ભગવાન પ્રગટ થયા. તેનું નામ પૃથુ ભગવાન. અને તેમનું રાજ્ય અભિષેક થયું. તેને રાજ્ય સત્તાનું તિલક કરવામાં આવ્યું.

ભગવાને ઋષિમુનિઓના માધ્યમથી રાજ્ય કઈ રીતે ચલાવાય ??? રાજધર્મ શું હોય ??? પ્રજાની રખેવાળી કઈ રીતે કરાય ??? ધર્મનું પાલન કેવી રીતે કરાય ??? તે બધું શીખવ્યું. કોઈ એમ માનતું હોય કે, ભાગવતનો કથાનો આશય માત્ર મોક્ષ પ્રાપ્તિ માટેનો છે. એ ભાગવતને અન્યાય કરે છે. મોક્ષની વાત તો અંતે આવે છે. પહેલા ત્રણ ચરણ પાર કરવાના હોય છે. ધર્મ, અર્થ અને કામ. જો આ ત્રણને સરખી રીતે સિદ્ધ કરવામાં આવે. તો છેલ્લે મોક્ષની પ્રાપ્તિ થાય. જો તમે ધર્મપૂર્વક વર્ત્યા. અને ધર્મને લક્ષમાં રાખીને અર્થ એટલે કે પૈસા કમાણા. અને પૈસા પ્રમાણે કામનાઓ ઘડી, તો અંતે મોક્ષની પ્રાપ્તિ થવાની. એટલા માટે જ ભાગવતમાં ખાલી ધર્મની વાત નથી. મોક્ષની પણ વાત છે. અર્થ સંબંધી ચર્ચા છે. અને કામ સંબંધી પણ ચર્ચા છે. એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયનો સમન્વય એટલે શ્રીમદ્ ભાગવત.

અને ભાગવત માં રાજ સત્તાની જવાબદારીઓની પણ વાત છે. અને પ્રજાસત્તાની જવાબદારીઓની પણ વાત છે. તમને મત અધિકાર મળ્યો છે. તેને જ્યાં ત્યાં ફેંકી ન દેશો. યોગ્ય લાયક વ્યક્તિને તમારા રાજ્યની કમાન સોંપજો. અને જીવનમાં દરેક વસ્તુ કરવાના નિયમ હોય. એક વખતની વાત છે. હું ડોંગરેજી મહારાજની કથા શ્રવણ કરવા માટે એક સપ્તાહ નર્મદાના કિનારે રોકાયો હતો. ત્યારે ડોંગરે બાપજીની ઉતારાની બાજુમાં જ, અમે યુવાન બધા ભેગા મળીને, રામ અને કૃષ્ણ ભગવાનના ભજન કરતા હતા. શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી, અને શ્રી રામ જય રામ જય જય રામ. ત્યારે રાત્રે 11:30 વાગ્યે એકાએક ડોગરે બાપા પોતાના ઉતારાની બહાર ગેલેરીમાં આવ્યા. ત્યારે કોઈનું ધ્યાન જતા. દોડીને ગયા. ત્યારે ડોંગરે બાપજીએ પૂછ્યું શું કરો છો ??? ત્યારે યુવાનોએ કહ્યું કે શ્રીકૃષ્ણ શરણમ મમ, અને શ્રી રામ જય રામ જય જય રામના ભજન કરીએ છીએ. આશીર્વાદ આપો. ત્યારે ડોંગરે બાપા ખીજાણા કે, અત્યારે ન કરાય. વહેલી સવારે 4:00 વાગે ઊઠીને બ્રહ્મહુર્ત માં આ બધા પઠન કરાય. રાત્રે કોઈની ઊંઘ ન બગાડાય. દરેક વસ્તુના નિયમ હોય. ત્યારથી એ બોધ પાઠ શીખવા મળ્યો કે, દરેક વસ્તુ સમયે સારી લાગે. અને અંતે એટલું જ કહીશ કે, જ્યારે તમારી જીજીવિષા એટલે કે, તમારી કામનાઓ છૂટી જશે, ત્યારે તમારું જીવન પણ સમાપ્ત થઈ જશે. તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. કથા દરેક જગ્યાએ એની એ જ છે. પણ એ ગ્રામ્ય કક્ષાએથી લઈને છેક યુનિવર્સિટી સુધી ભણાવવામાં આવે છે. કેમ કે તેમાં જીવનના બધા જ સાર આવી જાય છે. અને આપણી આ મોરબીની કથાનો સાર પણ અહીંયા લખવાનો પ્રયાસ કર્યો છે. કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો પુનઃ એક વાર ક્ષમા માંગુ છું. અને આ સાથે વિજયભાઈ લોખીલ વિજયશ્રી દ્વારા પાંચમાં દિવસની કથાનો સાર અહીં લખવામાં આવ્યો છે. જે અખબારી યાદી માટે અત્રે ઉપસ્થિત છે. આપ સૌએ તેનું વાંચન કરવું. અને જીવનમાં ઉતારવું. તેવી અપેક્ષા સહ અસ્તુ…..

 

ll જય શ્રી કૃષ્ણ ll

Related posts

*અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા,સંસ્કાર મંડળ ડીસા અને રાગકરાઓકેના સંયુક્ત ઉપક્રમે*

Hello Morbi

*નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત* *કોરોના રસીકરણની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહેશે: ધારાસભ્ય શ્રીઓ સહિત નાગરિકો ને રસી લેવા અપીલ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

Leave a Comment