
જીવનદર્શન
સતત સંઘર્ષ અને મહેનત થકી ડીસાના લોકોની તંદુરસ્તી માટે ચિંતન કરતા નવીનચંદ્ર મનસુખભાઈ પંચાલ
આ પૃથ્વી ઉપર પરમપિતા પરમાત્માએ ખાસ કિસ્સા તરી કપકે કેટલાક નિસ્વાર્થ, પરોપકારી,પરગજુ, સેવાભાવી અને નિષ્ઠાવાન માણસોને મોકલ્યા છે.માત્ર પોતાનો જ વિચાર કરવાવાળા કરતાં બીજાનો વિચાર કરવાવાળા માણસો વંદનીય, પૂજનીય, અભિનંદનીય, અનુકરણીય અને અનુમોદનીય હોય છે.પિતા મનસુખભાઈ ખેંગારભાઈ પંચાલ અને માતા પ્રભાબેનના પરિવારમાં તારીખ 1-1-1984 ના રોજ રાધનપુર ખાતે જન્મેલા નવીનચંદ્ર પંચાલનું મૂળ વતન વારાહી છે.નાનપણથી જ પિતા સાથે ડીસા આવવાનું થતાં તેમણે પ્રાથમિક શિક્ષણ રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળામાં તેમજ માધ્યમિક શિક્ષણ એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલમાં લીધું.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના ગઢ-મડાણા કેન્દ્ર ખાતેથી 2013 માં બી.એ.કર્યુ.અભ્યાસની સાથેસાથે જી.આઈ.ડી.સી. ખાતે તેમણે ચા ની હોટલ કરી. 2014 થી 2021 સુધી સંત અન્ના સ્કૂલમાં કલાર્ક તરીકે ફરજ બજાવી.ઉમિયા સેલ્સ એન્ડ સર્વિસ ડીસા ખાતે થોડો સમય નોકરી કરી.આ દરમિયાન ત્યાં મહેશભાઈ અને કાળુભાઇ પટેલ નામના બે હિતેચ્છુઓએ ડીસામાં નેચરલ જ્યુસ સેન્ટર ચાલુ કરવા મહત્વનું માર્ગદર્શન આપ્યું.
2022 થી તેમણે નેચરલ જ્યુસ સેન્ટર ચાલુ કર્યું.શરૂઆતમાં તો ટીસીડી ગ્રાઉન્ડ, સ્પોર્ટસ કલબ અને બગીચો એમ ત્રણેય સ્થળોએ તેઓ એક એક કલાક ઉભા રહેતા.ટુ વ્હીલર સાધન ઉપર સગવડતાપૂર્ણ સ્ટેન્ડ બનાવી તેઓ તેમનું જ્યુસ સેન્ટર ચલાવે છે.સતત મહેનત, સંઘર્ષ અને ડીસાવાસીઓના સ્વાસ્થ્યનું ચિંતન કરતા નવીનભાઈ હિંમત હાર્યા વગર પરિવારના નિભાવ માટે ખૂબ જ વ્યાજબી ભાવે નેચરલ જ્યુસ સેન્ટર ચલાવે છે.સિઝનમાં 300 થી 400 અને ઓફ સિઝનમાં 150 થી 200 માણસો આ સેન્ટરનો લાભ લે છે.છેલ્લા બે વર્ષથી બગીચા પાસે રોજ સવારે 6=30 થી 8=30 સુધી તેમના જ્યુસ સેન્ટરનો એક જ પોઈન્ટ ચાલુ છે.મગ, ટામેટા,સરગવાનો સૂપ,ગાજર,બીટ,પાલક, ફૂદીનો,ધાણા, કારેલાં,દૂધી, વરિયાળી જેવા જ્યૂસ,ખજૂરશેક,ચીકુશેક,કેળાશેક જેવા ફ્રુટશેક તેઓ ખૂબ જ વ્યાજબી ભાવે લોકોને આપે છે અને લોકોનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરે છે.તેમના આ માનવતાલક્ષી સત્કાર્યમાં તેમનાં ધર્મપત્ની મનીષાબેન તેમજ માતુશ્રી પ્રભાબેન સંપૂર્ણ સાથ સહકાર આપે છે.
સવારે 8=30 વાગે જ્યુસ સેન્ટરનું કામ પતાવી તેઓ એન્જલસ સ્કૂલમાં બાળકોને વ્યાજબી ભાવે નાસ્તાનું વિતરણ કરવા માટે જાય છે.નાસ્તામાં પણ વારાફરતી બટાકાપૌવા,ખમણ, ઈડલીસંભાર,ભેળ,બ્રેડ પકોડા, ભાજીપાંઉ,ચણા મસાલા જેવા નાસ્તા હોય છે.સવારે અને બપોરે એમ બેઉ ટાઈમ તેઓ નાસ્તાનું વેચાણ અંદાજે 100 થી 150 બાળકોને કરે છે.આ અગાઉ તેઓ આદર્શ હાઇસ્કુલ તેમજ સ્કાય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે નાસ્તાનું વેચાણ કરતા હતા.સૂપ, જ્યૂસ વિગેરે ઘેરથી તાજા બનાવીને જ લાવે છે.આ બધા સત્કાર્યથી પરિવારના નિભાવ સાથે તેમને એક આગવો આનંદ આવે છે.તેમના પિતાજી મનસુખભાઈ ખૂબ જ નાના હતા ત્યારે જ દાદાજી ખેંગારભાઈનું અવસાન થયેલ.આવી વિકટ પરિસ્થિતિમાં પિતાજીને ધંધાર્થે સ્થળાંતર કરવાનું થયું.ડીસામાં આવીને પિતાજી સ્થાયી થયા અને સુથારી કામના વ્યવસાય સાથે જોડાયા.તેમના પિતાજી હાલમાં નિવૃત્ત છે.પરિવારના નિભાવ માટે સતત સંઘર્ષ અને મહેનતને કારણે આજદિન સુધી તેઓ ક્યાંય પણ બહારગામ ફરવા ગયા નથી.રવિવારે પરિવાર સાથે ગાયત્રી મંદિર, જલારામ મંદિર, રામજીમંદિર, સાંઈબાબા મંદિર, વિશ્ર્વકર્મા મંદિર દર્શન માટે જઈ નિજાનંદ કરે છે.નવીનભાઈ પંચાલની સર્વોત્તમ માનવસેવા માટે તેમને અચૂક અભિનંદન આપવા મોબાઈલ નંબર 9662376238 છે.
નવીનભાઈની દષ્ટિએ એક સમયે ડીસાનો ભારે દબદબો હતો.હાલમાં ડીસાનો દસકો પૂરો થયો હોય તેવું લાગે છે.ડીસા આજુબાજુ ધાનેરા,વાવ,થરાદ, ભીલડી, પાંથાવાડા, દાંતીવાડા,ચંડીસર જેવાં ગામોનો વધારે વિકાસ થતાં ડીસાના વેપારને અસર થઈ છે તેવું તેઓ માને છે.ડીસાના મોટા ગજાના વેપારીઓ,બિલ્ડરો પણ અમદાવાદ,સૂરત, મુંબઈ, નવસારી જેવા મોટા શહેરોમાં સ્થાયી થયા છે.શિક્ષણ હેતુ લોકો બહાર જાય છે.કેટલાક ડોકટરો અમદાવાદ સ્થાયી થયા છે.આ બધી બાબતોની અસર ડીસા ઉપર થઈ છે.રોજ સવારે 3=30 કલાકે જાગીને પોતાની કામગીરી નિયમ મુજબ નિયમિત શરૂ કરનાર નવીનભાઈ ડીસાની જનતાને સ્વાસ્થ્યવર્ધક સૂપ અને જ્યુસ મળે તે માટે ખૂબ જ કાળજી રાખે છે.તેમનાં બાળકો ખુશી ધોરણ 10, પ્રિયંશી ધોરણ 6 તેમજ કુલદીપ કે.જી. માં અભ્યાસ કરે છે.પોતાનાં બાળકો તેમજ પરિવારજનોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે તેઓ ખૂબ ઉંચાં સ્વપ્નો સાથે તનતોડ મહેનત કરે છે.
ડીસાની પ્રજાએ પણ આવા સંઘર્ષશીલ વ્યક્તિના નેચરલ જ્યૂસ સેન્ટર ઉપર જઈ તેમને સહકાર, હૂંફ અને ઉત્સાહ આપવાની ખાસ જરૂર છે.સૌને રાજી રાખવા નિરંતર મહેનત કરતા નવીનભાઈને ખૂબ ખૂબ અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ.
