
સમગ્ર ગુજરાત સહિત પાલનપુરને વિશેષ ગૌરવ અપાવનાર જાણીતા શાયર-ગઝલકાર કવિ શ્રી શૂન્ય પાલનપુરીના જન્મ શતાબ્દી વર્ષ નિમિતે તેમના જ 101 શેરનું સંકલન કરી બનાવવામાં આવેલ પુસ્તક “શૂન્યની સુરાહી” નું પાલનપુર સ્વસ્તિક હાઈસ્કૂલ ખાતે દબદબાભેર વિમોચન કરવામાં આવ્યું હતું.
શ્રીમતી એચ.એસ.ગુપ્તા ટ્રસ્ટ,સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર,બનાસ સાહિત્ય કલા સંઘ તેમજ શબ્દ સાધના પરિવારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય,મુખ્ય મહેમાનો તરીકે ડો.સૂરેન્દ્ર ગુપ્તા,ભગવાનભાઈ બંધુ,પુસ્તક વિમોચક તરીકે સ્વસ્તિક હાઈસ્કૂલના હોનહાર પ્રમુખ રમેશભાઈ પટેલ,અતિથિવિશેષ તરીકે પ્રોફેસર એ.ટી.સિંધી,કવિ પરબતકુમાર નાઈ,કવિ ધેંગાભાઈ સરહદી,ગજેન્દ્રભાઈ જોષી તેમજ નરેન્દ્ર જગતાપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડો.સુરેન્દ્ર ગુપ્તાના સહયોગ,માર્ગદર્શન તેમજ પીઠબળથી પરબતકુમાર નાઈ તેમજ ધેંગાભાઈ સરહદીએ આ પુસ્તકનું પ્રેરણાદાયી સંકલન-સંપાદન કરેલ છે.આ અવસરે ઉપસ્થિત તમામ વકતાઓએ પોતાનાં વકતવ્યો થકી શૂન્ય પાલનપુરીનું દિવ્ય સ્મરણ કરી તમામ કવિઓને સતત સર્જન કરવા માટે પ્રેરણા આપી હતી.શરૂઆતમાં પ્રાર્થના નેહલબેન પરમારે રજૂ કર્યા બાદ દીપપ્રાગટયવિધિ દ્રારા પરમપિતા પરમાત્માનું સ્મરણ કરવામાં આવ્યું હતું.સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલે સ્વસ્તિક સંકુલ દ્રારા થતી શૈક્ષણિક તેમજ માનવીય સેવા વિષે વિગતે વાત કરી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષ મહોદય કનુભાઈ આચાર્યે શૂન્ય પાલનપુરીનું સ્મરણ કરી સૌ સર્જકોને બિરદાવ્યા હતા.આ અવસરે પુસ્તકના સર્જક કવિઓ પરબતકુમાર નાઈ તેમજ ધેંગાભાઈ સરહદીનું બનાસ સાહિત્ય કલા સંઘ દ્રારા સાલ,મોમેન્ટો તેમજ બુકેથી સન્માન કરાયું હતું.શૂન્ય પાલનપુરીના દીકરા તસનિમખાન બલોચની વિશેષ ઉપસ્થિતિ હોઈ તેમનું પુરસ્કાર તેમજ સાલથી સન્માન ડો.સુરેન્દ્ર ગુપ્તા તેમજ મહેમાનો દ્રારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ જ્યારે આભારવિધિ કોલેજનાં પ્રિન્સિપાલ નેહલબેન પરમારે કરી હતી.કાર્યક્રમની સફળતા માટે નયનભાઈ ચત્રારિયાએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.કવિમિત્રો ભાનુભાઈ ત્રિવેદી,બાગી પાલનપુરી, ઈસ્માઈલ અજીબ,વિજય ચલાદરી,હર્ષ દરજી,અનવર જુનેજા સહિત સૌએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી.
