
મોરબી: તા ૬ ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્વારા દિનાંકઃ ૦૫/૦૪/૨૦૨૫, શનિવારનાં રોજ વાર્ષિક સાધારણ સભા, નવા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ અને પારિવારિક સ્નેહમિલનનું આયોજન મોરબીમાં ઈડન હિલ્સ ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં અતિથિ વિશેષ તરીકે મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઈલ્સ ડિવિઝનનાં પ્રમુખ શ્રી હરેશભાઈ બોપલિયા તથા RSS રાજકોટ વિભાગ ધર્મ જાગરણના સહસંયોજક શ્રી જસ્મિનભાઈ હિંસુ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની શરૂઆત શ્રીમતી કોમલબેન પનારા દ્વારા વંદે માતરમ્ નું સામૂહિક ગાન કરાવી કરાવામાં આવી. અધ્યક્ષશ્રી ડૉ. જયેશભાઈ પનારાએ પોતાના કાર્યકાળનો પ્રતિભાવ રજૂ કર્યો, સચિવશ્રી હિંમતભાઈ મારવણિયાએ ગત વર્ષ દરમિયાન થયેલ દરેક કાર્યક્રમની જાણકારી આપેલ અને કોષાધ્યક્ષશ્રી ચિરાગભાઈ હોથી દ્વારા ગત વર્ષનાં હિસાબો રજૂ કરવામાં આવ્યાં. ભા.વિ.પ. – સૌરાષ્ટ્ર પ્રાંતનાં કોષાધ્યક્ષશ્રી ડૉ. જયેશભાઈ પનારા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ નાં નવાં પદાધિકારીઓની ઘોષણા કરી અને શપથવિધિ કરાવામાં આવી, જેમાં શ્રી હિંમતભાઈ મારવણિયાને અધ્યક્ષ, શ્રી ધ્રુમિલભાઈ આડેસરાને સચિવ અને શ્રી હિરેનભાઈ ધોરિયાણીને કોષાધ્યક્ષ તરીકે નિમવામાં આવેલ, એ ઉપરાંત પણ દરેક પ્રકલ્પો માટે સંયોજક અને સહસંયોજક નિમવામાં આવેલ. દરેક સભ્યો અને પરિવારજનો દ્વારા નવા પદાધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં. હિંમતભાઈ મારવણિયા દ્રારા પ્રમુખ તરીકે નિમણૂક થયાં બાદનાં પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા અને ધ્રુમિલભાઈ આડેસરા દ્વારા આભારવિધિ કરવામાં આવી. સામૂહિક રાષ્ટ્રગાન કરી બધા સાથે ભોજન કરી છૂટા પડેલ. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનાં સફળ આયોજન માટે શ્રી કૌશિકભાઈ અઘારા અને અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ.
લી.
હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષશ્રી)
ધ્રુમિલભાઈ આડેસરા (સચિવશ્રી)
હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષશ્રી)

