
જીવનદર્શન મંગળવાર તારીખ 10-10-2023
ભૂખ્યાને ભોજન થકી ખૂબ જ પ્રેરણાદાયી કામગીરી કરતાં મોરબીનાં અલ્પાબેન કકકડ
જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ આ જગતમાં વિવિધ પ્રકારના અલગારી તેમજ સેવાભાવી માણસો મોકલ્યા છે.પૂજ્ય જલારામ બાપા ભલે વીરપુર-ગુજરાતમાં થઈ ગયા પરંતુ એમના સદગુણો અને સેવાની સુવાસ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયેલ છે.ભૂખ્યાને ભોજનની સદપ્રવૃતિ ગુજરાત-દેશ-વિદેશમાં અનેક સ્થળોએ શરૂ થઈ ચૂકી છે.જગતપિતા પરમાત્મા હંમેશાં કહે છે કે હું કોઈનેય ભૂખે સૂવાડતો નથી.આ વાત સાચી પડે તે માટે પરમાત્માની દિવ્ય પ્રેરણાથી પૂજ્ય જલારામ બાપાના પ્રતિનિધિ તરીકે અનેક નગરો-ગામોમાં સેવાભાવીઓ નિસ્વાર્થભાવે સક્રિયતાથી કામ કરી રહેલ છે.ટાઈલ્સ અને ઘડિયાળના મહા ઉધોગથી સૌરાષ્ટ્ર ઉપરાંત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બનેલ મોરબી શહેર અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી ધમધમતું શહેર છે.મોરબીમાં વસવાટ કરતો શ્રી રઘુવંશી લોહાણા સમાજ પણ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે.પિતા જયંતીલાલ મણીલાલ કોટક અને માતા દયાબેનના પરિવારમાં તારીખ 20-6-1979 ના રોજ મોરબી ખાતે જ જન્મેલ તેમજ અજયભાઈ ભગવાનજીભાઈ કકકડ સાથે પરણેલ અલ્પાબેન કકકડ સેવાકીય પ્રવૃતિઓ થકી નિજાનંદી,પરોપકારી તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવી રહેલ છે.તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મુંબઈ તેમજ મીઠાપુરમાં લીધું હતું.માતુશ્રી વીરબાઈ મા માનવસેવા તેમજ ગૌસેવાના બેનર હેઠળ પોતાના પરિવારના સંપૂર્ણ ટેકાથી તેઓ જરૂરિયાતમંદ લોકોને રોજેરોજ ભોજન પહોંચે તેવી અતિ સુંદર કામગીરી કરી રહેલ છે.ભૂખ્યાને ભોજન માટેની ખૂબ જ જરૂરી પ્રવૃતિ કરતાં અલ્પાબેન કકકડનો આ લેખ વાંચી તેમને અચૂક અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર 9023104446 છે.
મોરબીની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળે તે માટે તેઓ રકતદાતાઓને શોધીને રકતદાનની મહામૂલી માનવતાવાદી પ્રવૃતિને વેગ આપે છે.જરૂરિયાતમંદ દર્દીઓને દવા કે ભોજનની જરૂર હોય તો તેની વ્યવસ્થા પણ દાતાઓના સહકારથી તેઓ કરે છે.મોરબી સિવિલ હોસ્પિટલની 40 જેટલી પ્રસૂતા બહેનોને શુદ્ધ ઘી નો પૌષ્ટિક શીરો મળે તે માટે તાજેતરમાં તેમણે સુંદર આયોજન કર્યું હતું.ઝૂંપડપટ્ટીમાં રહેતા અસહાય લોકો ઘણીવાર જે મળે તે ખાઈ લે તેના કરતાં તેમને મીઠાઈ,ફરસણ,દાળ,ભાત,શાક વિગેરે મળી રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.કોઈના ઘેર શુભ પ્રસંગ હોય ત્યારે સામાન્ય રીતે ઘણું બધું રાંધેલું ભોજન વધતું હોય છે.આ ભોજન તેઓ તેમજ તેમના પતિદેવ એકટીવા ઉપર બે-ત્રણ ફેરા કરી બે ડ્રમમાં લાવી ઝૂંપડપટીના લોકોમાં વિતરણ કરી રાજીપો વ્યક્ત કરે છે.સામાન્ય રીતે તેઓ કોઈ સંસ્થા સાથે વ્યકિતગત રીતે જોડાયેલ નથી. પરંતુ કોઈ સંસ્થા તેમનો સહકાર માગે તો હરહંમેશાં તેઓ સેવા આપવા તત્પર હોય છે અને ઉપયોગી નીવડે છે.તેમના પતિદેવ અજયભાઈ ખાખરા,શીંગ તેમજ સીઝન મુજબની ફેરી કરી ખૂબ જ આનંદથી જીવન જીવે છે.
તેમની માનવતાવાદી પ્રેરણાદાયી કામગીરીથી પ્રભાવિત થઈ મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તેમનું ઘડિયાળ દ્રારા સન્માન કર્યું હતું.વાંકાનેરના સમર્પિત સેવાભાવી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ અગ્રણી કર્મઠ આગેવાન વિનુભાઈ કટારીયાએ પણ રામધામના માધ્યમથી અલ્પાબેનનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ન્યૂઝ-18 ઈન્ડિયા ચેનલ દ્રારા તેમની સેવાકીય પ્રવૃતિઓનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિડિયો રેકોર્ડિંગ ન્યૂઝ-18 ઈન્ડિયા ચેનલની હેડ ઓફિસ દિલ્હી ખાતે પહોંચતાં તેઓ પણ અલ્પાબેનની કામગીરીથી અતિ પ્રભાવિત થયા હતા તેમજ આદરણીય રાષ્ટ્રપતિજી મહામહિમ દ્રોપદી મૂર્મુજી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીની પાવન ઉપસ્થિતિમાં દિલ્હીની પ્રખ્યાત હોટલ તાજ પેલેસ ખાતે તેમનું સાલ ઓઢાડી દબદબાભેર સન્માન કર્યું હતું.આ સન્માન માટે દિલ્હી જવા-આવવાની પ્લેનની ટિકિટ પણ ચેનલ તરફથી કરવામાં આવી હતી.તેમની દીકરી ક્રિશ્ર્ના તેમજ દીકરો સ્મિત તેમના કાર્યથી અત્યંત રાજીપો અનુભવી સહકાર આપે છે.
સામાન્ય સ્થિતિ ધરાવતા અજયભાઈ કકકડ કે અલ્પાબેન કકકડ ગુજરાત કે ભારતમાં વધારે ફરી શક્યા નથી પણ ગુજરાતમાં તેમને દ્રારિકા અને વીરપુર વધારે ગમે છે.ભારતમાં પુષ્કર,ગોકુળ,મથુરા તેમને વધારે ગમે છે.કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય સર્વધર્મ સમભાવથી સમગ્ર માનવ સમાજ માટે સેવાકાર્ય કરતાં અલ્પાબેન વંદન અને અભિનંદનનાં અધિકારી છે.ભવિષ્યમાં જરૂરિયાતમંદ લોકોને નિયમિત રીતે પૂજ્ય જલારામ બાપાના પ્રસાદ સ્વરૂપે ખીચડી-કઢી મળી રહે તેવું આયોજન કરવા તેઓ ઈચ્છે છે.
કયારેક જૂનાં કપડાં એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકોને તેઓ કપડાં પહોંચાડે છે.મોરબી ગ્રાહક સુરક્ષાના રામભાઈ મહેતા સહિતની ટીમે તેમનું શિલ્ડ એનાયત કરી સન્માન કર્યું હતું.મોરબીના અનસ્ટેબલ વોરિયર ગ્રુપ સાથે તેઓ સંપર્કમાં છે.આ ગ્રુપ કુદરતી આપતિઓ જેવી કે પૂર,ભૂકંપ,વાવાઝોડું,આગ,રોગચાળો,દુકાળ વખતે લોકોને ઉપયોગી થવાના યથાશકિત પ્રયત્નો કરે છે.સેવાના માધ્યમથી અલ્પાબેન કકકડે “નારી તું નારાયણી” વાળી ઉકિતને સાચા અર્થમાં સાર્થક કરી છે.બહેનો હંમેશાં લાગણીશીલ,કરૂણામયી,પરોપકારી અને દયાળુ હોય છે.બહેનો ધારે તો ઘણું મોટું સેવાનું કાર્ય કરી શકે છે.અલ્પાબેન કકકડને પણ સમગ્ર માનવ સમાજની 50 જેટલી બહેનો અવારનવાર ટેકામાં રહી સેવાકાર્યમાં સહકાર અને વેગ આપે છે.
જગતપિતા પરમકૃપાળુ પરમાત્માની પ્રેરણા અને આશીર્વાદથી અતિ વિશિષ્ટ માનવસેવા થકી ભૂખ્યાને ભોજન પહોંચાડતાં મોરબીનાં અલ્પાબેન કકકડ તેમજ તેમના સમગ્ર પરિવારને કોટિ કોટિ વંદન..અભિનંદન..અઢળક શુભેચ્છાઓ. તેમના સમગ્ર પરિવારના નિરામય દીર્ઘાયુ માટે પણ પરમાત્માને અંત:કરણથી પ્રાર્થના.
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
મોબાઇલ:9825638643
