
દાડમ સહિતના ફળોની મીઠાશ વિશ્વ સુધી પહોંચાડી છે.
મોરબી જિલ્લામાં ખેડૂતો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવાના હેતુથી વર્ષ ૨૦૦૫ માં રોહિશાળા ખાતે દેવશીભાઈ સવસાણીએ પિયત મંડળી બનાવી આ પિયત મંડળી થકી તે ગામ અને આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડ્યા. પાણીની સવલત પ્રાપ્ત થતા એ ખેડૂતો સમૃદ્ધ બન્યા અને આજુબાજુના વિસ્તારના લોકો પણ તેના પરથી પ્રેરણા લઈ મંડળીઓ બનાવી. દેવશીભાઈ અને તેમની મંડળીની કામગીરીની સરકારે પણ નોંધ લીધી અને પૂરતો સહકાર આપ્યો. રોહિશાળાની એક પિયત મંડળીથી શરૂ થયેલી આ યાત્રા સરકારના સહકાર અને પહેલ થકી ગુજરાતના ગામે ગામ પહોંચાડવાના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. આ પિયત મંડળીથી શરૂ થયેલી યાત્રા ગાંધીનગર સુધી પહોંચી અને તેના વિસ્તાર અને વિકાસ માટે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદ્દ્વહન પિયત સહકારી સંઘ લિ.નું ગઠન કરવામાં આવ્યું અને દેવશીભાઈ સવસાણીને તેના ચેરમેન બનાવવામાં આવ્યા. દેવશીભાઈની રાહબરી હેઠળ અને સરકારશ્રીના સહયોગ થકી મોરબી જિલ્લામાં ૫૫ (પંચાવન) જેટલી પિયત મંડળીઓનું ગઠન કરવામાં આવ્યું છે.
આ પિયત મંડળીઓ સુધી પાઈપ લાઈનનું નેટવર્ક ઉભુ કરી નર્મદા કેનાલ, ડેમ તથા નદી વગેરે જળ સંસાધનોમાંથી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે અને ૧૦૦% ટપક સિંચાઇ પદ્ધતિ થકી આ પાણીનો કરકસરયુક્ત વપરાશ કરવામાં આવી રહ્યો છે. આમ આ પિયત મંડળીઓનો ઉદ્દેશ છે કે ૧૦૦ ટકા સિંચાઈ સવલત અને ૧૦૦ ટકા પાણીનો બચાવ. આ પિયત મંડળીઓ થકીની એક પિયત મંડળી એટલે હળવદની નંદનવન પિયત મંડળી.
હળવદના એ વિસ્તારના ખેડૂતો એક સમયે એ જમીનમાં કઈં ઉપજ થતી ન હોવાથી જમીન વેચીને હિજરત કરી રહ્યા હતા. ત્યારે વર્ષ ૨૦૦૮માં નંદનવન પિયત મંડળી બનાવવામાં આવી. આસપાસના ખેડૂતોએ ૭-૮ કિલોમીટર લાંબુ પાણીનું પાઈપ લાઈન નેટવર્ક ઉભુ કરી નર્મદા કેનાલનું પાણી ખેતરો સુધી લઈ આવ્યા. ત્યારબાદ તો ખેડૂતો અને જમીન બન્નેની દશા અને દિશા બન્ને બદલી ગયા. બંજર બની ગયેલી એ જમીન ફરી નંદનવન બની ગઈ, એટલે જ તો આ પિયત મંડળીને નંદનવન નામ આપવામાં આવ્યું.
આ વિસ્તારમાં પાણી આવતા ખેડૂતોએ બાગાયત ખેતી અપનાવી અને સાથોસાથ ૧૦૦ ટકા ટપક સિંચાઈ પદ્ધતિ પણ અપનાવી જેથી પાણીનો કરકસરયુક્ત વપરાશ કરી શકાય. ‘ખેડ, ખેતર ને પાણી સમૃદ્ધિ લાવે તાણી’ એ વાત અહીં સાર્થક બની, પાણીની સવલત સાથે ખેડૂતોની મહેનત થકી થોડા સમયમાં જ એ વિસ્તારની કાયાપલટ થઈ ગઈ.
ત્યારબાદ નંદનવન પિયત મંડળી પરથી પ્રેરણા લઈ આજુબાજુમાં બીજી મંડળીઓ પણ બની. જેમાં આર્યવન સિંચાઈ મંડળી, બહુચર સિંચાઈ મંડળી, કિસાન સિંચાઈ મંડળી અને પંચાસર સિંચાઈ મંડળી મુખ્ય છે. આ ખેડૂતોએ બાગાયતી ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે આગવું નામ કર્યું છે. તેમના ખેતરોમાં ઉગતા દાડમ સહિતના ફળોની મીઠાશ વિશ્વ સુધી પ્રસરી છે. તેમના ફળોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવી રહી છે. જોતજોતામાં હળવદ વિસ્તારની અંદાજિત ૪૦૦ હેકટર જમીનની કાયાપલટ થઈ ગઈ.
આ બાબતે ગુજરાત રાજ્ય ઉદ્દ્વહન પિયત સહકારી સંઘ લિ.ના ચેરમેનશ્રી દેવજીભાઇ સવસાણી જણાવે છે કે, મોરબી જિલ્લાના રોહિશાળાનો હું વતની છું રોહિશાળાની નાની પિયત મંડળીથી આ કાર્યની શરૂઆત કરી આજે હું આ સફળતા સુધી પહોંચ્યો છે. હાલ સરકારની સાથે સમગ્ર ગુજરાતમાં પિયત મંડળીઓના વ્યાપ માટે અમે સતત ચિંતનશીલ છીએ. મારા ગામની ૫ હજાર એકર જમીનમાં પાણીના તળ નીચા જતા હતા. જેથી ૬૦૦ ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં યોગ્ય રીતે વાવેતર કરી શકાય તેવા હેતુથી વર્ષ ૨૦૦૫ માં નાની પિયત મંડળીની શરૂઆત કરી હતી. જેતે સમયમાં આજી ડેમના વહેતા પાણીમાંથી હજારો ફુટ લાંબી લાઈન નાખીને લાખોનો ખર્ચ કર્યો હતો. આજીથી ગામ સુધી પાણી પહોચ્યુંને ખેડૂતોના ચડતીના દિવસો શરૂ થયા, ગામમાં ખેડૂતોની આવક વધી જેથી ગામની ખુશહાલીમાં પણ વધારો થયો.
શરૂઆતમાં મશીન મુકીને પૈસાનું પાણી કર્યું આ બાબત સરકારની ધ્યાને આવતા વર્ષ ૨૦૦૬માં સરકાર અમને ૮ કલાક વીજળીની સવલત આપી ૮ કલાકમાં તમામ ખેડૂતોને ખેતરમાં પાણી પાવું મુશ્કેલ હોવાથી સરકારમાં રજૂઆત કરી. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯માં ઔદ્યોગિક વીજ માળખું ખેતીક્ષેત્રે ઉભુ કરી અમને ૨૪ કલાક વીજળીની ભેટ આપી જેથી ખેડૂતોને અનેકગણો ફાયદો થયો.
ખેડૂત ગામડું ન છોડે અને સ્થળાંતર કરીને ગયેલા લોકો પણ ગામડા તરફ પાછા વળે જેથી ગામડું સમૃદ્ધ થાય એવો અમારો લક્ષ્ય છે. સરકારના નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓ પણ આ સેવાકાર્યમાં અમારી સાથે જોડાયા છે અને તમામ કામગીરીમાં સહયોગ આપે છે. ગુજરાતના ખેડૂતોની દિશા બદવવાનું જે લક્ષ્ય છે તે સાર્થક બની રહ્યું છે. મોરબીના હળવદમાં ૭ કિલોમીટર દૂરથી લાઈન વાટે પાણી પહોચ્યું છે. અનેક ખેડૂતોની જંગલ અને બાવળથી ખરડાયેલી એ જ ભુમી પર આજે ખેડૂતો સારૂ ઉત્પાદન કરી લાખોની આવક મેળવી રહ્યા છે.
પદ્ધતિથી કેવી રીતે સારી ખેતી થાય તે માટેની અમારી પદ્ધતિ અને પ્રેરણાથી આ વિસ્તારમાં અન્ય મંડળીઓ બનાવવામાં આવી. મંડળીના ખેડૂતોની ટપક સિંચાઈ પદ્ધતિ આપનાવવા માટે ખેડૂતોને ૫૦% સબસીડી, ટાંકા બનાવવાની સહાય, નવી મંડળી બનાવવા પાઈપલાઈનમાં સહાય વગેરે યોજનાઓની સહાયથી ખેડૂતો સારૂ વળતર મેળવી રહ્યા છે જે માટે અમે કેન્દ્ર સરકાર અને રાજ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
હળવદના અગ્રણી ખેડૂતશ્રી જેઠાભાઈ નાકરાણી જણાવે છે કે, દરેક ખેતર સુધી પાણી પહોંચે તેવા સરકારના પ્રયત્નો છે. અમે કુદરતી પાણી, ડેમનું પાણી, કેનાલનું પાણી તમામનો કરકસર યુક્ત ઉપયોગ કરી રહ્યા છીએ. કેટલાક અંશે ખેડૂતો પણ પાણીનું મહત્વ સમજતા નથી અને પાણીનો ખોટો વેડફાટ કરે છે. પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો ખેતીક્ષેત્રે ધરખમ પરિવર્તનો થઈ શકે તેમ છે. ખેડૂતો, સરકાર અને ખેડૂતલક્ષી સંસ્થાઓ એકજૂથ બની એ તરફ પ્રયાસો કરશે તો ખેતીક્ષેત્રે જરૂરથી પરિવર્તન આવશે.

