• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિચાર,વટ,વચન,વાણી,વર્તન વ્યવહાર,વ્યવસ્થાથી અતિ વિશિષ્ટ બની રહેલ લોહાણા સમાજનો વઢિયાર વંદના સમારોહ*

વિચાર,વટ,વચન,વાણી,વર્તન વ્યવહાર,વ્યવસ્થાથી અતિ વિશિષ્ટ બની રહેલ લોહાણા સમાજનો વઢિયાર વંદના સમારોહ
એક સારો વિચાર આ વવો અને તેને અમલમાં મૂકીને સિધ્ધ કરવો એ ખૂબ જ વિકટ કામ છે.સારાં કામો કરવાનાં સપનાં અને વિચારો ઘણા આવે પણ તેનો અમલ કોઈક વીરલા જ કરી શકે છે.185 જેટલાં ગામડાંઓને આવરી લેતો વઢિયાર પ્રદેશ ભૂતકાળમાં અનેક વિટંબણાઓ અને વેદનાઓમાંથી પસાર થયો છે.આ વઢિયાર પંથકના તમામ ગામોમાં લોહાણા પરિવારો વસવાટ કરતાં હતાં.સમયસંજોગોને લઈ અનેક લોહાણા પરિવારો ગુજરાત,ભારત કે વિશ્ર્વના વિવિધ શહેરોમાં વેપાર,ઉધોગ કે શિક્ષણ હેતુ સ્થળાંતરિત થયાં.પોતાના વતન પ્રત્યે અદભૂત લાગણી અને લગાવ ધરાવતાં આ લોહાણા પરિવારોને એકત્ર કરવાનો વિચાર અનેક મહાનુભાવોને વારંવાર આવતો હતો.ભૂતકાળમાં લોલાડાના મૂરજીકાકા,વસરામભાઈ જેવા વડીલોએ પ્રયત્નો કરેલા.થોડાક વર્ષો પહેલાં રાધનપુરના સદગત દેવચંદભાઈ લાલજીભાઈ નંદાણીએ વિધિવત રીતે વઢિયાર લોહાણા મહાજનની સ્થાપના કરી વરાણા ખાતે સમાજના સમૂહલગ્નનું આયોજન કરેલ. શંખેશ્ર્વરના ડો.રમેશભાઈ હાલાણી તેમજ લોલાડા/ડીસા/અમદાવાદના સુરેશભાઈ ગણપતરામ ઠકકર જેવા સાહસિક યુવાનોએ આ સંસ્થાનું પ્રમુખપદ સંભાળી નાનીમોટી પ્રવૃતિઓ કરી સંસ્થાને જીવંત અને ધબકતી રાખી.
એકાદ વર્ષ પહેલાં પાટણના ખૂબ જ ઉત્સાહી,જાગૃત,કર્મઠ,નિષ્ઠાવાન એવા હિતેશકુમાર નટવરલાલ પૂજારાને સર્વાનુમતે વઢિયાર લોહાણા મહાજનના પ્રમુખ બનાવવામાં આવ્યા.તેમની સાથે વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે ચંદુભાઈ એચ.ખેતાણી તેમજ મહામંત્રી તરીકે ડો.રમેશભાઈ હાલાણીની નિમણૂંક કરાઈ.કચ્છ વિભાગના ઉપપ્રમુખ ભરતભાઈ પાંચાણી,પાટણ વિભાગના ઉપપ્રમુખ રજનીકાંત વી.અખાણી,બનાસકાંઠા ઉપપ્રમુખ હીરાલાલ બી.હાલાણી,અમદાવાદ વિભાગ ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ એન.જીવરાણીને જવાબદારી સોંપાઈ. કોઈક સારી પળે વઢિયાર વંદના સ્નેહમિલન સમારોહ કરવાનો વિચાર હિતેશભાઈ પૂજારાને સૂઝયો.આ વિચારને સફળ,સાર્થક તેમજ સંપન્ન કરવા 7 જાન્યુઆરી 2024 રવિવારે હારિજ જલારામ મંદિર ખાતે કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય આયોજન કરાયું.કાર્યક્રમના સંયોજક તરીકે હારિજના ખૂબ જ ઉત્સાહી એવા ડો.સંજયભાઈ ઠકકર,સહસંયોજક તરીકે ભૂજના કર્મઠ ડો.દીપેશભાઈ ભૂજ,ડીસાના જાગૃત એવા રાજેશભાઈ સચ્ચદે તેમજ સહાયક તરીકે ડીસાના સેવાભાવી પ્રહલાદભાઈ આઈ.પૂજારા,રાધનપુરના પર્યાવરણપ્રેમી પ્રહલાદભાઈ પી.તન્નાને જવાબદારી સોંપાઈ.સમગ્ર કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી રાધનપુરના કમલેશભાઈ ડી.તન્ના,મહેસાણાના મંત્રી જીતેન્દ્રભાઈ જી.અખાણી,પાટણના મંત્રી ચંદ્રકાંતભાઈ એ.અખાણી,બનાસકાંઠાના મંત્રી ઘનશ્યામભાઈ કે.સચ્ચદે,સૌરાષ્ટ્રના મંત્રી વિનોદભાઈ વી.પૂજારા,કચ્છના મંત્રી ગુણવંતભાઈ એ.સોનપાલ,ખજાનચી કિશોરભાઈ બી.અખાણી,સહખજાનચી રાજુભાઈ નંદાણિની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હતી.
ઓછા સમયમાં ઝાઝા કાર્યક્રમો આવરી લઈને સૌને રાજી રાખવાનો,સંગઠિત કરવાનો તેમજ રચનાત્મક દિશામાં દોરી જવાનો પ્રયાસ કાબિલેદાદ હતો.શિસ્ત,સંયમ,સદાચાર,સમર્પણ,સંકલન,સુચારૂ સંચાલનની અદભૂત સમજણ પ્રમુખ સહિત તમામ કારોબારી સભ્યો,કાર્યકરોમાં જોવા મળતી હતી.સમાજના વર્ગ 1 તેમજ 2 ના અધિકારીઓ,વઢિયારના મરણોપરાંત સેવાભાવી વડીલો,સમગ્ર ઉતર ગુજરાતના દેશી લોહાણા સમાજના વિશિષ્ટ મહાનુભાવો,કેળવણી,રાજકારણ,રમતગમત,શિક્ષણ,પર્યાવરણ,ઔધોગિક ક્ષેત્ર,કલા,સમાજસેવા,સાહિત્ય,આરોગ્ય,રક્તદાન,દીકરી વ્હાલનો દરિયો એમ તમામ બાબતોને આવરી લઈ જે તે ક્ષેત્રના યોગ્યતાપાત્ર વિશિષ્ટ મહાનુભાવોનું શિસ્તબદ્ધ,ક્રમબદ્ધ,સમયબધ્ધ રીતે જોરદાર સન્માન કરાયું.લગ્નગીત સ્પર્ધા દ્રારા અમદાવાદ,ડીસા,પાટણ,હારિજ,ગાંધીધામ,રાધનપુર,શંખેશ્ર્વરની બહેનોને પ્રોત્સાહિત કરાઈ.મુખ્ય સહયોગી દાતા ગાંધીધામના ભરતભાઈ આર.પાંચાણી સહિત તમામ દાતાઓને સન્માનિત કરી સૌ દાતાઓને પૂરતું ગૌરવ આપવામાં આવ્યું.દીપપ્રાગટય કમીજલાના મહંત 1008 પૂજ્ય જાનકીદાસજી બાપુ તેમજ કાર્યકર્તા બહેનોના વરદહસ્તે કરીને અવસરનો શુભારંભ કરાયો હતો.આનંદભાઈ ઠકકર (ડીસા),બાબુભાઈ બંગડીવાળા(હારિજ),જીતુભાઈ આર.અખાણી(કડી) સહિત વિવિધ પત્રકારોની સંપૂર્ણ હાજરી નોંધનીય હતી. વઢિયાર લોહાણા મહાજનની સમગ્ર કારોબારી તેમજ હારિજની કાર્યકારિણી ટીમ દ્રારા કરવામાં આવેલ આવકાર,બેઠક,ભોજન,સ્ટેજ,મંડપ,સાઉન્ડ,આમંત્રણ સહિતની તમામ વ્યવસ્થા અભિનંદનીય હતી.
કાર્યક્રમ શરૂ થયો ત્યારે સારી સંખ્યા હતી.વિશેષ આનંદની વાત એ રહી કે આખો દિવસ કાર્યક્રમ ચાલ્યા પછી સાંજે પૂર્ણ થયો ત્યારે પણ સંખ્યા હાઉસફુલ હતી.વિચાર,વટ,વચન,વાણી,વર્તન,વ્યવહાર,વ્યવસ્થાથી અતિ વિશિષ્ટ બની રહેલો વઢિયાર લોહાણા મહાજનનો વઢિયાર વંદના સ્નેહમિલન સમારોહ વર્ષો સુધી યાદગાર બની રહેશે.વઢિયાર લોહાણા સમાજમાં અખાણી,ગોકલાણી,પૂજારા,મુરાણી,રતાણી,જીવરાણી,મુલાણી,તન્ના,ખેતાણી,સચ્ચદે,કોટક,કાનાબાર,હાલાણી,પાંચાણી,આચાર્ય,નંદાણી,સોનપાલ,સહાયતા,અનારકટ,ચંદ્રાણી,ગણાત્રા,કંથેરીયા-કતીરા,ચંદારાણા,મજેઠીયા,ઢીમાણી,રાણા,પોપટ,કકકડ,સેજાણી,દાવડા સહિતની નુખ ધરાવતા લોહાણાઓ છે.આદિ-અનાદિ કાળથી લોહાણાઓ વીરતા,વેપાર,સાહસ,શૂરવીરતામાં અગ્રેસર રહ્યા છે.ખેતી-પશુપાલન છોડીને વેપાર તેમજ ઉધોગ તરફ વળેલો લોહાણા સમાજ સમગ્ર વિશ્વમાં વસવાટ કરે છે અને લાજવાબ છે.વઢિયારનો લોહાણા સમાજ વજનદાર,વ્હાલસોયો,વાચાળ,વિશાળ દિલવાળો તેમજ વિચારોનું સારૂ વાવેતર કરવાવાળો સમાજ છે.ખુમારી,ખુદારી,સાહસિકતા,રમૂજીપણું,ઉદારતા વઢિયારના લોહાણાઓના લોહીમાં છે.લોહાણાઓને ભેગા કરવાનું કામ અતિ મુશ્કેલ છે.કદાચ ભેગા થાય તો તેમને ભેગા રાખવાનું મુશ્કેલ છે.ભેગા રહે તો તેમને લાંબા સમય સુધી આ સ્થિતિમાં સાચવી રાખવાનું કામ અતિ વિકટ છે.આવા સંજોગોમાં પણ વઢિયાર લોહાણા મહાજનના ઉત્સાહી પ્રમુખ હિતેશભાઈ એન.પૂજારા અને તેમની ટીમે જે કામ કર્યું છે તે અતિ વંદનીય,અભિનંદનીય,અનુકરણીય,અનુમોદનીય તેમજ સરાહનીય છે.
વર્તમાન સમયમાં શિક્ષણ,આરોગ્ય,યુવા જાગૃતિ,મહિલા સશકિતકરણ,વેપાર-ઉધોગનો વિકાસ,સ્કીલ ડેવલપમેન્ટ જેવા વિષયો ખૂબ જ મહત્વના છે.આ બધા જ વિષયો ઉપર આ સંમેલનમાં વિસ્તૃત ચર્ચા થઈ. લોહાણા સમાજમાં રીતિરિવાજો બદલવાનું અઘરૂ છે કેમ કે કોઈનેય નબળું કરવું પણ નથી અને ગમતું પણ નથી.દેવું કરીને પણ કેટલાક લોકો દેખાડો કરી રહ્યા છે તેથી સમાજ સુધારણા શકય નથી.પૈસાદારો કે આગેવાનો કોઈ ફેરફાર કરી શકે તેવી સ્થિતિમા નથી કેમ કે એમના પરિવારમાં જ એમનું કંઈ ઉપજતું નથી.આજની પરિસ્થિતિમાં સગપણ,લગ્ન,મરણોતર વિધિ સહિતના તમામ પ્રસંગો ઉપર અંકુશ લાવવાનું અતિ મુશ્કેલ છે.વઢિયાર લોહાણા મહાજનના સુકાનીઓ,આગેવાનો,યુવાનો,મહિલાઓ પાસે આગવું કૌશલ્ય છે.પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી તેમની કામગીરીમાં સફળતા મળે તો આગામી દિવસોમાં લોહાણા સમાજને ઘણો ફાયદો થવાની શકયતા છે.સમાન ડ્રેસ કોડ અને સમાન વિચારધારાથી સમાજમાં સમાનતા આવવાની સંપૂર્ણ શકયતા છે.વઢિયાર લોહાણા મહાજને આ માટે ભરપૂર પ્રયત્નો કર્યા છે.સમગ્ર કાર્યક્રમ પૂર્વગ્રહ,હઠાગ્રહ કે દુરાગ્રહથી ઉપર ઉઠીને સૌએ તૈયાર કર્યો હોય તેવું લાગ્યું.અંદાજે 2000(બે હજાર) જેટલા લોહાણા ભાઈઓ-બહેનોને એકત્ર કરવા,સાચવવા અને કાર્યક્રમના અંત સુધી શિસ્તબદ્ધ રીતે બેસાડી રાખવા એજ એક મોટી સિધ્ધિ કહેવાય.જીતુભાઈ દ્રારકાવાળાનો હાસ્ય કાર્યક્રમ પ્રેરણાદાયી રહ્યો.તમામ હોદેદારો અને કારોબારી સભ્યો એક એક વ્યકિતને રૂબરૂ મળી સૌની સારી સરભરા થાય તેની સતત ચીવટ રાખતા હતા.કયાંય કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે અશાંતિ ના થઈ એ વાત ઉડીને આંખે વળગે તેવી હતી.
ભૂતકાળમાં લોહાણા સમાજના અનેક કાર્યક્રમો જોયા છે પણ આ કાર્યક્રમ કંઈક અનોખો જ હતો.સ્વામિનારાયણ સંપ્રદાય,આર.એસ.એસ.,સ્વાધ્યાય પરિવાર,ગાયત્રી પરિવાર,બ્રહ્માકુમારીઝ પરિવારના કાર્યક્રમોમાં જે ઉચ્ચ પ્રકારની શિસ્ત,વ્યવસ્થા અને સુચારૂ આયોજન હોય છે તેવું જ સુંદર આયોજન વઢિયાર વંદના સ્નેહમિલન સમારોહમાં જોવા મળ્યું.આ કાર્યક્રમથી સૌને રાજીપો થયો.આ તો ટ્રેલર છે;પિક્ચર હજુ બાકી છે એમ વઢિયાર લોહાણા મહાજનની હિતેશભાઈ પૂજારાની શરૂઆતની ઈનીંગ ખૂબ જ ફાંકડી છે.ભવિષ્યમાં આથીયે વધારે સારા રચનાત્મક કાર્યક્રમો થકી વઢિયાર લોહાણા મહાજન વિશેષ પ્રગતિ કરી અનેક સંસ્થાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે જ તેવું લાગી રહ્યું છે.
સમગ્ર કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા માટે સહકાર આપનાર વિચારક,આયોજક,પ્રચારક,સંયોજક,સંકલનકાર,માર્ગદર્શક,દાતા પરિવારો,સંચાલક,વ્યવસ્થાપક સહિત સૌકોઈ વિશેષ વંદન અને અભિનંદનના અધિકારી છે.વઢિયાર લોહાણા મહાજનના અતિ ઉજ્જવલ ભવિષ્ય માટે અંત:કરણથી શુભકામનાઓ….
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા-ગુજરાત
મોબાઇલ:9825638643

Related posts

*મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ જવાનોને પ્રમોશન મળવા બદલ સન્માનિત કરાયા*

Hello Morbi

*માસ્ક ન પહેનનારા સામે કડક કાર્યવાહી કરી 1000 રૂપિયાનો દંડ વસૂલ કરવા આદેશ*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર દ્વારા હોસ્પીટલે આવતા લોકો માટે વિનામુલ્યે પાણી ની બોટલ તથા લીંબુ શરબત વિતરણ શરૂ*

Hello Morbi

Leave a Comment