
જીવનદર્શન
પરોપકારથી નિજાનંદ માણી સતત પ્રેરણાદાયી સેવાકાર્યો કરતા હારિજના શ્રી અંબાલાલ નરભેરામભાઈ અખાણી/ઠક્કર
જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ આપણને સૌને માનવ બનાવીને ખાસ કિસ્સા તરીકે સારાં કામો કરવા આ પૃથ્વી ઉપર મોકલેલ છે.જોકે સેવા, સત્સંગ, સદવિચાર,ભજન, પરોપકાર બધા કરી શકતા નથી.આ બધું માત્ર નસીબદાર, ભાગ્યશાળી અને પૂન્યશાળી હોય તેજ કરી શકે છે.કેટલાક મિત્રો પોઝીટીવ વિચારસરણીથી સુગંધિત જીવન જીવીને પરમપિતા પરમાત્માનો નિરંતર રાજીપો પ્રાપ્ત કરે છે.પિતા નરભેરામભાઈ વજેરામભાઈ અખાણી અને માતા શાંતાબેનના પરિવારમાં તારીખ 1-11-1944 ના રોજ દિયોદર ખાતે જન્મેલા અને હાલ હારિજ ખાતે રહેતા 81 વર્ષના અંબાલાલભાઈ એક મળવા જેવા નિજાનંદી માણસ છે.તેમણે ધોરણ 6 સુધીનો અભ્યાસ દિયોદર ખાતે કર્યો.નાનપણમાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થતાં 18 વર્ષની ઉંમરે તેઓ દિયોદર છોડીને હારિજ આવ્યા.તેમની સમગ્ર જીંદગી સંઘર્ષમય રહી છતાં તેમણે પરમાત્મા ઉપરનો અતૂટ વિશ્વાસ ક્યારેય ગુમાવ્યો નથી.નિરાશ થયા સિવાય અનોખા આનંદથી જીવ્યા છે.23 વર્ષે તેમનાં લગ્ન સરવાલનાં હીરાબેન સાથે થયાં.તેમના થકી બે દીકરીઓ ગીતાબેન (હારિજ) અને લતાબેન (ભાભર) છે.હીરાબેન ચા બનાવતાં વધારે દાઝી ગયેલ,ઘણી સારવાર કરી પરંતુ પરમાત્માના ધામમાં સિધાવ્યા. 29 વર્ષે તેમનાં બીજાં લગ્ન વારાહીનાં જયાબેન સાથે થયાં.તેમના થકી હર્ષાબેન (ડીસા), હિરલબેન (હારિજ) અને વિજયભાઈ (હારિજ) છે.જયાબેનનું પણ છેલ્લી સુવાવડ વખતે જ અવસાન થયેલ.
1973 થી એટલે કે છેલ્લા 52 વર્ષથી તેઓ દલાલ ટ્રાન્સપોર્ટ નામના વ્યવસાય સાથે સંકળાયેલા છે.દિયોદરથી હારિજ ગયા ત્યારે શરૂઆતમાં 1962 માં માસિક રૂપિયા 50 ના પગારથી શીવરામ ધરમશીના કોલસાના વ્યવસાયમાં 6 વર્ષ નોકરી કરી.એ પછી ગંજમાં પેઢી ધરાવતા ગીરધર લાલચંદ ને ત્યાં એક વર્ષ તેમજ એક વર્ષ રતીલાલ જગજીવનની પેઢીમાં નોકરી કરી.જીવનમાં અતિશય સંઘર્ષ કરનાર અંબાલાલભાઈ ક્યારેક જમ્યા સિવાય સૂઈ ગયા હોય તેવા દિવસો પણ નાનપણમાં જોયા છે.તેઓ હિંમત હાર્યા સિવાય સતત ઝઝૂમ્યા છે.પૂજ્ય ડોંગરેજી મહારાજને જીવનનો આદર્શ અને ગુરૂ માનતા તેઓ એકાદશીનો ઉપવાસ નિયમિત કરે છે અને સૌને એકાદશી કરવા સમજાવે છે.અત્યાર સુધી તેઓ 151 એકાદશીના ઉપવાસ કરી ચૂક્યા છે.ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં તેમના સગા ભાઈ જેવા ભાગીદાર કેશવલાલ ચતુરદાસ ઠક્કરના અવસાન પછી છેલ્લા છ વર્ષથી હારિજ મુકિતધામની જવાબદારી તેઓ સરસ રીતે નિભાવી રહેલ છે.આદરણીય કેશવલાલજી પણ એક મહામાનવ અને સેવાના ભેખધારી હતા.હારિજનું મુક્તિધામ સગવડતાવાળું, જોવાલાયક અને સૌંદર્યધામ બને તે માટેના અંબાલાલભાઈના સૌના સહકારથી કરવામાં આવતા નિષ્ઠાવાન પ્રયત્નો સરાહનીય છે.તેમના નાના ભાઈ નિસર્ગ અખાણી તેમજ અન્ય દાતાશ્રીઓના સહકારથી 19 લાખના ખર્ચે મુકિતધામમાં નવો શેડ,નવો ગેટ,નવીન સગડી, ઉંચી દીવાલો,નવો ફુવારો વિગેરે બનાવેલ છે તેમજ પાંચ લાખના ખર્ચે શિવજી મંદિરનું રિનોવેશન કરેલ છે.ભવિષ્યમાં પાંચ થી છ ફૂટ ઉંચી પૂજ્ય હનુમાનદાદાની મૂર્તિ બનાવવાનું તેમનું આયોજન છે.સર્વ જીવ સેવા સમિતિના માધ્યમથી અંતિમ વિદાય વખતે તમામ જરૂરી ચીજવસ્તુઓ ધરાવતી કીટનું છેલ્લા છ વર્ષથી તેઓ વિતરણ કરે છે જેથી કોઈ સ્નેહીજનના મૃત્યુ વખતે પરિવારજનોને ખોટી દોડધામ ના કરવી પડે.
હારિજમાં છેલ્લા 28 ગુરૂવારથી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજ દ્વારા પૂજ્ય જલારામ બાપાનાં નિયમિત ભજન થાય છે તેમાં પણ તેમનો પૂરતો સાથ સહકાર છે.તેમના ભાઈઓ ગણપતભાઈ (ડીસા), પ્રાણલાલ (અમદાવાદ), નિસર્ગભાઈ(અમદાવાદ) તેમજ બહેનો પુષ્પાબેન ગોકલાણી (એકલવા), કાંતાબેન સહાયતા(હારિજ) અને વિજયાબેન ગોકલાણી (મેમણા) સહિત સૌ સારી રીતે સેટ થયેલ છે.તેમના પુત્ર વિજયભાઈ અને પુત્રવધુ ડિમ્પલબેનને નંદન અને દિશા એમ બે બાળકો છે.સમગ્ર પરિવાર ખૂબ જ આનંદથી સાથે રહે છે.કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ લાગે તો જાહેર કર્યા સિવાય એના ઘેર રાશનકીટ પહોંચાડવાની એમની પ્રવૃત્તિ અતિ પ્રશંસનીય છે.તેમના સત્કાર્યોમાં રાકેશભાઈ હાલાણી, હિતેશભાઈ પૂજારા(એમ્બ્યુલન્સવાળા) અને બકાભાઈ(ચા વાળા) સહિત સૌનો સહકાર મળી રહે છે.તેમના કામ ઉપર સંપૂર્ણ ભરોસો રાખી હારિજના ઉદાર દિલ દાતાઓ કાયમી સહકાર આપતા રહે છે.
જીવદયા,ગૌસેવા કે પાંજરાપોળના કાર્યોમાં સેવાભાવથી તેઓ સંપૂર્ણ સહકાર આપતા રહે છે.અત્યારે 81 વર્ષની ઉંમરે એમના અવાજનો રણકો બુલંદ છે.ભવિષ્યમાં શાંતિથી જીવવું,શક્ય તેટલું વધારે સેવાકાર્ય કરવું, કોઈને નડવું નહીં અને પરમપિતા પરમાત્માનું વધારે ને વધારે સ્મરણ કરવું એવી તેમની ઈચ્છા છે.સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં ભૂતકાળમાં વારાહી અને હારિજ બે મુખ્ય કેન્દ્રો હતાં.સમય જતાં અન્ય નગરોનો વિકાસ થયો અને ઘણા શહેરોમાં લોહાણાઓ વસવાટ કરવા લાગ્યા.અમદાવાદમાં લોહાણા સમાજ વધારે સ્થાયી થયો છે.અત્યારે જ્યારે પૈસાની જ બોલબોલા છે ત્યારે સેવાભાવી માણસોની નોંધ લઈ,કદર કરી એમને પ્રોત્સાહન આપવાની જરૂર છે જેથી નવા સેવાભાવીઓ સમાજમાં પેદા થાય.હારિજ પૂજ્ય ડોંગરેજી મહારાજ, પૂજ્ય મોરારી બાપુ જેવા અનેક કથાકારો,સંતોની તપોભૂમિ, કર્મભૂમિ અને પ્રેરણાભૂમિ રહી છે.આખાય ઉતર ગુજરાતમાં ધર્મકાર્ય, સેવાકાર્ય કે વેપારધંધા માટે હારિજની બોલબાલા હતી.હારિજમાં અનેક દાતાઓ, શિક્ષણવિદો, સેવાધારીઓ, સાહિત્યકારો,ભક્તો,કર્મવીરો પાક્યા છે.હારિજ રઘુવંશી લોહાણા સમાજની રાજધાની પણ કહેવાય.હારિજના સારા માણસોનું સ્મરણ કરીએ તો એક મોટો ગ્રંથ બની શકે.આ લેખ વાંચી સેવાના ભેખધારી અંબાલાલભાઈને અભિનંદન આપવા તેમનો મોબાઈલ નંબર 9879527164 છે.
અંબાલાલભાઈને ગુજરાતમાં અંબાજી તો ભારતમાં હરિદ્વાર વધારે ગમે છે.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા હારિજમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ કરવાની તેમજ 108 ગુરૂવાર નોંધવાની વાત થઈ ત્યારે બીજા ભાઈઓ બહેનોની જેમ અંબાલાલભાઈએ પણ આ વાતને વધાવી સૌનો સંપર્ક કરી ભજન નોંધણી કરવામાં અમૂલ્ય સહકાર આપ્યો હતો.આજે તો હારિજમાં દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ જ સારી સંખ્યા હાજરી આપે છે.નાનપણથી જ સમગ્ર પરિવારની જવાબદારી અંબાલાલભાઈ ઉપર આવી પડતાં ભાઈઓ -બહેનો સહિત સૌના પ્રસંગો-વ્યવહારો તેમણે કર્યા.દીકરીઓ -દીકરાની કાળજી રાખી.કોઈપણ પ્રકારના ઘમંડ, અહંકાર સિવાય સતત સેવા કરતા અને શક્ય તેટલા વધારે સૌને ઉપયોગી થવાની ઉમદા ભાવના ધરાવતા અંબાલાલભાઈને અભિનંદન સહ કોટિ કોટિ વંદન તેમજ તેમના નિરામય દીર્ઘાયુ માટે અઢળક શુભેચ્છાઓ…
ભગવાનભાઈ બંધુ
ડીસા-ગુજરાત
મોબાઈલ:9825638643
