
કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના મહામંત્રી તરીકે પ્રકાશભાઈ ઠક્કરની નિમણૂંક
ગુજરાતના સૌથી મોટા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન કે જેમાં 8000 થી વધારે ટ્રેક-ટ્રેલરનો સમાવેશ થાય છે અને 400 જેટલા સભ્યો છે.એવી સંસ્થા એટલે કે કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના મહામંત્રી તરીકે ગાંધીધામ લોહાણા સમાજના અગ્રણી અને સેવાભાવી કાર્યકર એવા પ્રકાશભાઈ વી.ઠકકરની નિમણૂંક કરવામાં આવી છે.
આ નિમણૂકથી સમગ્ર કચ્છ તેમજ ઉતર ગુજરાતના અખિલ રઘુવંશી લોહાણા સમાજે આનંદની લાગણી વ્યક્ત કરી તેમને અભિનંદન તેમજ શુભેચ્છાઓ આપેલ છે.પ્રકાશભાઈ ગોકલાણી બનાસકાંઠા જિલ્લાના વર્તમાન ઓગડ તાલુકામાં આવેલ તેરવાડા ગામના વતની તેમજ કારભારી પરિવારના સદસ્ય છે. ગાંધીધામ ઉતર ગુજરાત દેશી લોહાણા મહાજનમાં તેમનું મહત્વનું દાયિત્વ છે.અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે તેમજ વિવિધ સત્કાર્યોમાં તેમનો સહયોગ રહ્યો છે.
લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી, ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ, કચ્છ ઝોનના પ્રમુખ અશોકભાઇ કારિયા તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે તેમની નિમણૂકથી અત્યંત રાજીપો વ્યક્ત કરી પ્રકાશભાઈને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.
