મતદાન મથકોના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થઇ શકશે નહી
મોરબી: મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષીએ મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને લઇ ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ સત્તાની રૂએ મતદાનના દિવસે મતદાન મથકમાં તેમજ મતદાન મથક નજીક પ્રચાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા પ્રમાણે મતદાન મથકમાં તેમજ મતદાન મથક નજીક મત માટે પ્રચાર કરવો, મતદારોને ધાક ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારોને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, મતદારને મત ન આપવા માટે સમજાવવા, અમુક ઉમેદવારોને મત ન આપવા માટે મતદારોને સમજાવવા, ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર, મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ કે અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા, વાહનો સાથે ૧૦૦ મીટરની હદમાં પ્રવેશ કરવો, મતદાર મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવો જેવા કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને લઇ મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમ્યાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, કેતન પી. જોષી દ્વારા જાહેરનામુ બહાર પાડી તા.૨૮/૦૨/૨૦૨૧ ના રોજ ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહનો લઈ જવા કે લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
