• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS;જીવનદર્શન* *પરમપિતા પરમાત્માના પોસ્ટમેન બનીને પરોપકારનું પ્રેરણાદાયી સત્કાર્ય કરતા રાજકોટના બ્રિજેશભાઈ લહેરૂ*

જીવનદર્શન
પરમપિતા પરમાત્માના પોસ્ટમેન બનીને પરોપકારનું પ્રેરણાદાયી સત્કાર્ય કરતા રાજકોટના બ્રિજેશભાઈ લહેરૂ
જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ આ પૃથ્વી ઉપર અનેક સારા માણસો મોકલ્યા છે.તેથી જ આકાશ થાંભલાઓ વિના ટકી રહ્યું છે.કેટલાક સેવાભાવીઓ તો સંપૂર્ણ નિસ્વાર્થભાવે એમનું સમગ્ર જીવન સમર્પિત કરીને જીવી રહ્યા છે.આવા સેવાભાવીઓ પરમાત્માના ખૂબ જ લાડકવાયા છે.ખૂબ જ સેવાભાવી પિતા એવા ડો. કાંતિભાઈ વલ્લભદાસ લહેરૂ અને પૂજ્ય માતા હંસાબેનના પરિવારમાં તારીખ 4-9-1977 ના રોજ રાજકોટ જિલ્લાના પડધરી ખાતે જન્મેલા બ્રિજેશભાઈ લહેરૂની અદભૂત માનવીય સેવા અતિ વંદનીય, અભિનંદનીય, અનુકરણીય, સરાહનીય અને અનુમોદનીય છે.પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ પડધરી ખાતે પૂર્ણ કરી તેમણે બી.એસ.સી.નુ એક વર્ષ જામનગર ખાતે કર્યું.એક સંબંધીની પ્રેરણા અને માર્ગદર્શનથી 1996 માં તેઓ 19 વર્ષની નાની ઉંમરે દુબઈ ગયા. ત્યાં ઈમીટેશન જ્વેલરીની દુકાનમાં આઠ વર્ષ નોકરી કરી.એ પછી ઈમીટેશન જ્વેલરીનો પોતાનો વ્યવસાય કર્યો.વર્ષ 2005 માં કેશોદનાં ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક વિચારો ધરાવતાં રૂપાબેન સાથે લગ્ન થયાં.તેમની કોમલબેન નામની એક માત્ર દીકરી ધોરણ 12 માં અભ્યાસ કરે છે.તેમના ભાઈઓ ભાવેશભાઈ, સુનીલભાઈ,પારસભાઈ વિગેરે સારી રીતે સેટ થયેલ છે.પિતાજી કાંતિભાઈ ખૂબ જ સારા,સજ્જન અને સેવાભાવી ડોક્ટર હતા.ગામડે ગામડે ફરીને ખૂબ જ નજીવા દરથી અનેક દર્દીઓની સારવાર કરતા.આજે માતાપિતા હયાત નથી પરંતુ તેમના અંતરના આશીર્વાદ બ્રિજેશભાઈની સાથે છે.માતાપિતાના સંસ્કારો, આશીર્વાદ,પ્રેરણાથી બ્રિજેશભાઈ અને રૂપાબેને વાવેલો સેવાનો છોડ આજે વટવૃક્ષ બની ગયેલ છે.
22 વર્ષ દુબઈમાં રહી 2017 માં તેઓ ભારત પરત આવ્યા.2018 થી બેંગ્લોરમાં કોમલ રેસ્ટોરન્ટ ચાલુ કર્યું.રાજકોટમાં એકવાર તેમના મિત્રના કેન્સરગ્રસ્ત પિતાજીની ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગયા.ત્યાં ગયા પછી કેન્સરગ્રસ્ત અનેક દર્દીઓની દયનીય હાલત જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું.એક બેન તો 10% વ્યાજે પૈસા લાવી તેમના પતિની સેવા કરતાં હતાં.કેન્સરગ્રસ્ત દર્દીઓને નળી મારફત અલગ અલગ પ્રકારના જ્યુસ વારંવાર આપવા પડે.બજાર કિંમત મુજબ રોજ અંદાજે 1200 રૂપિયા જ્યુસના થાય.બ્રિજેશભાઈની અંદર બેઠેલ પરમાત્મા જાગી ગયો.આવા દર્દીઓની સારવાર માટે કંઈક કરી છૂટવાનો તેમને વિચાર આવ્યો.તેમણે ઘેર આવી સાક્ષાત દેવી સમાન પત્ની રૂપાબેનને બધી વાત કરી.પૂજ્ય જલારામ બાપાની સાથે ખભેખભા મિલાવી જેમ માં વીરબાઈમાએ સેવા કરેલ તેવી જ રીતે બ્રિજેશભાઈની સાથે તેમનાં ધર્મપત્ની રૂપાબેન જોડાયાં.બેઉ જણાંએ કેન્સરગ્રસ્ત દર્દીઓ અને તેમના સગાવહાલાની સેવા કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. બેંગ્લોરની કોમલ રેસ્ટોરન્ટનો સંપૂર્ણ નફો દર્દીઓની સેવા પાછળ જ વાપરવાનો અડગ નિર્ણય કર્યો અને સેવાયાત્રા શરૂ થઈ.રાજકોટની તમામ કેન્સર હોસ્પિટલોમાં ફરીને દર્દીઓને જરૂરિયાત મુજબ જ્યુસ આપવાનું શરૂ કર્યું. બેંગ્લોરના ચાર વર્ષ પછી એટલે કે 2022 માં રાજકોટમાં પણ કોમલ રેસ્ટોરન્ટ ચાલુ કર્યું.આ બેઉ રેસ્ટોરન્ટનો તમામ નફો આ દંપતી કેન્સરગ્રસ્ત દર્દીઓની સેવા માટે જ વાપરે છે.
કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે જરૂર મુજબ સરગવો, ટામેટા,પાલક,બીટ,મગ,દૂધી, નારિયેળના જ્યુસ તેમજ દૂધ,ખીર,ચોખા-મગનું પાણી વિગેરે જાત દેખરેખ હેઠળ તૈયાર કરી ફ્રિઝમાં મૂકી રાખે અને જરૂરિયાત મુજબ દર્દીઓને વિનામૂલ્યે પૂરૂં પાડે.દર્દીઓને આ દંપતીમાં સીતારામ કે રાધાકૃષ્ણનાં સાક્ષાત દર્શન થાય.તમામ વસ્તુઓ સંપૂર્ણ સાફ કરી ચોકસાઈપૂર્વક તમામ જ્યુસ બનાવે જેથી ફૂડ પોઈઝનીગ પણ ના થાય.કોઈનુ પણ દાન લેતા નથી.તેમની પોતાની જ સાતેક માણસોની ટીમ સેવામાં કાર્યરત હોય છે.તેમનો આ લેખ વાંચી તેમને અચૂક અભિનંદન તેમજ પ્રોત્સાહન આપવા તેમનો મોબાઈલ નંબર
9265613898 છે.તમામ જ્યુસ પ્યોર હોય છે.કોઈપણ પ્રકારની મિલાવટ કરતા નથી.
રાજકોટમાં રેસ્ટોરન્ટ ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં મર્યાદિત જ્યુસ બનાવતા.જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ તેમ જ્યુસ બનાવવાની કામગીરી પણ વધતી ગઈ.રાજકોટનું તેમનું કોમલ રેસ્ટોરન્ટ જોરદાર ચાલે છે.રાત્રે 10 વાગ્યા પછી ગમે તેટલી સારી ગરાકી હોય તો પણ રેસ્ટોરન્ટ બંધ કરી દર્દીઓની સેવા માટે જ્યુસ બનાવવાની કામગીરીમાં આ દંપતી લાગી જાય છે.સાચા અર્થમાં તો રાજકોટ રંગીલું શહેર હોવાને લીધે રાત્રે 10 વાગ્યા પછી જ ગરાકીની જમાવટ થતી હોય છે.મારે શું અને મારૂં શું જેવા હળાહળ કળિયુગમાં આ દંપતી કેન્સરગ્રસ્ત દર્દીઓ અને તેમના સગાવહાલા માટે સંપૂર્ણ સમર્પિત ભાવથી સેવાયજ્ઞ કરી રહેલ છે.કેન્સરગ્રસ્ત દર્દીઓ મોટાભાગે આઇ.સી.યુ. માં હોય છે.દર્દી સાથે એકાદ જણને રહેવા દે.દર્દીના સગાવહાલા આવે તેમને મોંઘી હોટલોમાં રોકાવું પડે અને ભાડાં પોષાય નહીં.આ બાબતની ખબર પડતાં જ બ્રિજેશભાઈએ પોતાના રેસ્ટોરન્ટમાં જ સૌ માટે રહેવા તેમજ ન્હાવાની સગવડ કરી નાખી.રાજકોટમાં કચ્છ – કાઠિયાવાડ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી કેન્સરના દર્દીઓ આવે છે.આ દંપતી સૌની પૂરતી સેવા કરી અઢળક આશીર્વાદ પામે છે.તેમને પ્રસિધ્ધિમાં રસ નથી.આ પ્રકારના સમાચાર કે લેખથી વધારે દર્દીઓને સેવા મળી રહે અને બીજા નગરોમાં પણ કોઇક સેવાભાવી આ પ્રકારની સેવા ચાલુ કરે એ તેમનો મુખ્ય ઉદેશ છે.મોરબીમાં એકાદ મહિના પહેલાં જ શ્રીજી ટિફિનવાળાએ આ પ્રકારની સેવા તેમનામાંથી પ્રેરણા લઈને ચાલુ કરેલ છે.
બ્રિજેશભાઈ દુબઈથી વતનમાં આવતા ત્યારે પૂજ્ય માતાપિતાને જ મહાતીર્થ માનીને તેમની સાથે જ રહેતા એટલે વાતવાતમાં તેમણે કહ્યું કે હું ગુજરાત કે ભારતમાં વિશેષ ક્યાંય ફર્યો નથી.રૂ જેવું પોચું લાગણીશીલ હ્દય ધરાવતા બ્રિજેશભાઈ અને રૂપાબેન પરમકૃપાળુ પરમાત્માના પોસ્ટમેન બનીને ખૂબ જ વિનમ્રભાવે કેન્સરગ્રસ્ત દર્દીઓની સેવા કોઈપણ પ્રકારના અહંકાર વિના કરી રહેલ છે.વિવિધ પ્રકારના જ્યુસ આટલા બધા દર્દીઓને નિયમિત વિનામૂલ્યે આપવા એ કોઈ નાનીસૂની વાત નથી.ગરીબ હોય કે કરોડપતિ કોઈ પણ પાસેથી જ્યુસના પૈસા લેતા નથી.રાજકોટના તેમના કોમલ રેસ્ટોરન્ટમાં પણ જરૂરિયાતમંદ દર્દીઓના સગાવહાલા વિનામૂલ્યે ભોજન લે છે.પૈસાવાળા વ્યક્તિઓ રેસ્ટોરન્ટમાં પૈસા ચૂકવીને ભોજન લેતા હોય છે.રેસ્ટોરન્ટમાં જે પણ નફો થાય તે માત્ર અને માત્ર કેન્સરગ્રસ્ત દર્દીઓની સેવા પાછળ જ તેઓ વાપરે છે.આ બેઉની સેવા જોયા પછી એમ લાગે કે મૂર્તિ સ્વરૂપે મંદિરમાં બિરાજમાન રાધાકૃષ્ણ, સીતારામ કે શીવપાર્વતીજી જાણે કે બહાર આવીને સાક્ષાત સ્વરૂપે આ દંપતીને નિમિત બનાવી દર્દીઓને આશીર્વાદ આપી રહેલ છે.
જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ વિશાળ વિશ્ર્વ બનાવ્યું.અનેક દેશો બનાવ્યા.લોકોએ વિવિધ ધર્મ અને સમાજની રચના કરી.આ બધામાં બ્રિજેશભાઈ અને રૂપાબેન જેવા સેવાભાવી, માયાળુ, લાગણીશીલ માણસોને મોકલ્યા.પરમપિતા પરમાત્માની દયા, કરૂણા કે કાર્યશૈલીને જાણવાનું આપણા માટે ખૂબ જ અઘરૂં છે. સાક્ષાત પરમાત્માના સ્વરૂપ સમાન બ્રિજેશભાઈ અને રૂપાબેનને રૂબરૂ મળી વંદન કરીએ અને તેમના સેવામય જીવનમાંથી પ્રેરણા લઈને કંઈક સારૂં કામ કરીએ તો અવશ્ય સંતોષ થાય.આ બેઉની સેવાને કોટિ કોટિ વંદન.. અભિનંદન.. અઢળક શુભેચ્છાઓ..
ભગવાનભાઈ બંધુ
ડીસા – ગુજરાત
મોબાઈલ:9825638643

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને સંકલન બેઠક યોજાઈ*

editor

*પડધરીમાં ૮ વર્ષની બાળ રોજેદાર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં બુટવડા, રામપર, ખોડ, ચંદ્રગઢ, ચાંચાંવદરડા, મહેન્દ્રપુર સહિતના ગામોમાં શાળાઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું*

editor

Leave a Comment