
થરાદ ખાતે દર ગુરૂવાર માટે પૂજ્ય જલારામ બાપાના ભજનનો થયો શાનદાર પ્રારંભ
થરાદ-વાવ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે દર ગુરૂવાર માટે પૂજ્ય જલારામ બાપાના ભજનનો શાનદાર પ્રારંભ શ્રી નવીનભાઈ પોપટલાલ સોની પરિવારના નિવાસસ્થાનેથી ગત ગુરુવારથી કરવામાં આવેલ છે.ગેળા હનુમાનજી મંદિર,શેણલ માતાજી મંદિર માંગરોળ, નકળંક ધામ લુણાલ ખાતે દર્શન કરી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાથી પધારેલ 121 જેટલા જલારામ ભક્તોનું ઢબૂકતા ઢોલના નાદે નવીનભાઈ પોપટલાલ સોનીના નિવાસસ્થાને અભૂતપૂર્વ સન્માન કરવામાં આવ્યું હતું.
થરાદમાં પ્રથમ ગુરૂવારે જ પૂજ્ય જલારામ બાપાના ભજનમાં અંદાજે 700 સાતસો જેટલા ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેતાં સૌના ઉત્સાહમાં વધારો થયો હતો.ડીસા, પાલનપુર, અમદાવાદ, ભુજ,વાવ,થરાદ, સૂઇગામ,લાખણી સહિત વિવિધ સ્થળોએથી જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી જલારામ યુવક મંડળ થરાદ,શ્રી ગાયત્રી મહિલા મંડળ થરાદ, શ્રી જલારામ મહિલા મંડળ થરાદ,શ્રી સોની સમાજ મહિલા મંડળ થરાદ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ખાસ હાજરી આપી ભજનનો નિજાનંદ માણ્યો હતો.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 88000 અઠયાસી હજાર રૂપિયા જેટલી ગૌસેવા એકત્ર થઇ હતી.જાણીતા કથાકાર પૂજય યશવંત શાસ્ત્રીજી મહારાજે પ્રસંગોચિત આશીર્વાદ આપ્યા હતા.
થરાદના સનાતન હિંદુ સમાજના અનેક અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહીને થરાદ નગરમાં આજીવન ગૌસેવા તેમજ ગૌરક્ષા પ્રચાર હેતુ પૂજ્ય જલારામ બાપાનાં ભજન દર ગુરૂવારે નિરંતર ચાલુ રહે તે માટે સામૂહિક ખાત્રી આપી હતી.થરાદ નગરમાં 211 ભજનની નોંધણી થતાં ઉપસ્થિત સૌ કોઈએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.શ્રી જલારામ યુવક મંડળના સભ્યોએ ડીસાના જલારામ ભકતોએ થરાદ નગરમાં પ્રવેશ કરતાં જ શેણલ માતાજી મંદિર માંગરોળ તેમજ લુણાલ નકળંક ધામ ખાતે સાથે રહી સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી લીધી હતી.યજમાન પરિવાર શ્રી નવીનભાઈ પોપટલાલ સોની પરિવારનું વાજતેગાજતે પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટો દ્વારા ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન રંગેચંગે કરવામાં આવ્યું હતું.ભુજથી પધારેલ જલારામ ભકતોએ ભુજમાં પણ પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ કરવા આમંત્રણ આપી પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શ્રીફળ અર્પણ કર્યું હતું.
સમગ્ર થરાદ નગર જલારામમય બનતાં અનેરો આનંદિત માહોલ સર્જાયો હતો.પ્રથમ શુભારંભ ગુરૂવારનો લાભ લેનાર ખૂબ જ નસીબદાર, પૂન્યશાળી, ભાગ્યશાળી એવા શ્રી નવીનભાઈ પોપટલાલ સોની પરિવાર પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

