
શિક્ષણ સિધ્ધિ અનુસંધાને ગૌસેવા હેતુ ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન
છેલ્લા સવા પાંચ વર્ષથી ડીસા નગરમાં ગૌસેવા હેતુ દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન રંગેચંગે સમગ્ર સનાતન હિંદુ સમાજના પરિવારોમાં રાખવામાં આવે છે.272 મા ગુરૂવારે નિવૃત શિક્ષક પ્રહલાદભાઈ બબલદાસ લીંબાચીયાના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનનું પ્રેરણાદાયી આયોજન કરાયું હતું.
પ્રહલાદભાઈના સુપુત્ર ભરતભાઈ લીંબાચીયાના લાડકવાયા દીકરા યશ લીંબાચીયાને મેડિકલ લાઈનમાં એમ.ડી.મેડિસિનમાં જયપુર ખાતે એડમિશન મળતાં સમગ્ર પરિવાર,લીંબાચીયા સમાજ તેમજ ડીસા નગરમાં ખુશીનો માહોલ હોઈ જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરવા ગૌસેવા હેતુ તેમના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન રખાતાં અંદાજે 500 જેટલા સનાતની હિંદુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ પણ ખાસ હાજર રહી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
આ દિવ્ય અવસરે પ્રહલાદભાઈ,ચંપાબેન,ભરતભાઈ,મીનાબેન સહિત સમગ્ર લીંબાચીયા પરિવારનું જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી સર્વ ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,કમલેશભાઈ રાચ્છ,ડો.જગદીશભાઈ કે.ઠકકર,સુભાષભાઈ ઠકકર,ભરતભાઈ ગોકલાણી,વિષ્ણુભાઈ ઠકકર ,નરેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,વિનોદભાઈ આચાર્ય,તારાચંદભાઈ મજેઠીયા,રમેશભાઈ પટેલ-વિકાસ સહિત સૌએ દબદબાભેર સન્માન કર્યું હતું.શ્રાધ્ધના પરમ પવિત્ર દિવસો ચાલુ હોઈ ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ દાનની અપીલ કરતાં 72000 (બોતેર હજાર) રૂપિયા જેટલી રકમ એકત્ર થઇ હતી.આગામી ગુરૂવારનાં ભજન માતુશ્રી બબીબેન રસિકલાલ રાચ્છ પરિવારના સૌજન્યથી હોઈ કમલેશભાઈ રાચ્છ દ્રારા સૌને ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.ખૂબ મોટી સંખ્યામાં ભજનમાં હાજરી આપવા બદલ ભરતભાઈ લીંબાચીયાએ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.
