ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવા છતાં આંખના વોર્ડમાં મોકડ્રીલ કરી પણ સ્મોક ડિટેક્ટર ન ચાલ્યુ
- ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવા છતાં આંખના વોર્ડમાં મોકડ્રીલ કરી પણ સ્મોક ડિટેક્ટર ન ચાલ્યુ
લોકોની જિંદગી સાથે ખીલવાડ કરતા હોસ્પિટલના બેદરકાર અને નિર્ભર તંત્રએ ગાંધીનગરથી આદેશ મળતા કોવિડ વોર્ડને બદલે આંખના વોર્ડમાં આગનું છમકલુ ઉભુ કરી, મોકડ્રીલ દ્વારા સબ સલામતની આલબેલ પોકારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મોકડ્રીલ સમયે જ સ્મોક ડીટેક્ટર બંધ થઈ જતા આ નાટકનો પણ ફિયાસ્કો થયો હતો. સર.ટી.હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નહી હોવા અંગે સૌરાષ્ટ્ર સમાચારે અહેવાલ આપ્યા બાદ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવાને બદલે તંત્રના ઢાંક પીછોડાના આ પ્રયાસ એ સરકારી તંત્રની અસંવેદનશીલતા અને નિંભરતા પ્રદર્શીત કરે છે. હોસ્પિટલના છ માંથી એક પણ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સુવિધા પુરતી નથી.
LIVE:મોકડ્રીલ પહેલા અને પછી ક્યારે શું શું બન્યુ

મોકડ્રીલ કેમ કરવામાં આવી?
રાજકોટ હોસ્પિટલની દુર્ઘટના બાદ શુક્રવારે રાત્રે ગાંધીનગરથી હેલ્થ કમિશનરે ફાયર બ્રિગેડને સાથે રાખી મોકડ્રીલ કરવાનો હુકમ કર્યો હતો.
રાત્રે ફાયર સેફ્ટીની સીસ્ટમ બંધ હતી
ફાયર સેફ્ટીની સીસ્ટમ બંધ હતી એટલે રાત્રે મોકડ્રીલ ન થઈ શકી રાતો રાત બંધ પડેલી ફાયર હાઈડ્રોન સીસ્ટમ અમુક વિભાગમાં ચાલુ કરવામાં આવી હતી.
છતા કોવિડ વોર્ડમાં મોકડ્રીલ થાય તેમ ન હતી
ફાયર હાઈડ્રોન સીસ્ટમ અમુક વિભાગોમાં શરૂ થઈ છતા કોવીડ વોર્ડમાં કે બીજે મોકડ્રીલ થાય તેમ ન હતી. એટલે આંખના વિભાગમાં આ કાર્યક્રમ કર્યો.
27 મીનીટમાં બંબા જઈને પાછા આવ્યા
ફાયર બ્રિગેડને શુક્રવારે રાત્રે જ આ મોકડ્રીલ અંગેની જાણ કરી દેવામાં આવી હતી. શનિવારે મેડિકલ કોલેજના અમુક પ્રોફેસરો, સ્ટાફ આંખના વોર્ડમાં પહોંચ્યા અને કર્મચારીઓને જ ખાટલામાં સુવડાવી કાગળનો જથ્થો સળગાવી ફાયર બ્રિગેડને સવારે 11.48 કલાકે ફોન કરી બોલાવેલ. અને 12.15 કલાકે ફાયર બ્રિગેડ પરત આવ્યું હતું.
તોય દશેરાએ ઘોડુ ન દોડ્યું
મોકડ્રીલ વખતે સ્મોક ડીટેકટરનો ઉપયોગ કરવાનો હતો પણ ખરા સમયે જ આ સાધન ચાલુ નહી થતા હો…હો…દેકારો કરી ત્રણ દર્દીના જીવ બચાવ્યાનો દેખાવ કરી મોકડ્રીલ પુરી કરવામાં આવી.
10ની જરૂરિયાત સામે માત્ર 1 ફાયર મેન
સિવિલ હોસ્પિટલમાં જંગી ખર્ચે ફાયર હાઈડ્રેન સીસ્ટમ નખાવી હોવાનો દાવો કરાયો છે પણ આ સીસ્ટમ ચાલુ કરવા માટે માત્ર એક જ કર્મચારી છે અને તે પણ ચારથી પાંચ કલાક જ ફરજ પર હોય છે. હકિકતમાં આ સીસ્ટમના ઓપરેટીંગ માટે 10થી વધુ ઓપરેટરની જરૂર પડે છે.
આગ લાગે તો ડોકટરો સ્ટાફ પણ જોખમમાં
કોવીડ વોર્ડમાં દાખલ એક દર્દીના સગા જીજ્ઞેશભાઈ એ જણાવ્યુ હતુ કે, દુર્ઘટનાઓ બાદ તંત્રએ સચેત બનવુ જોઈએ એના બદલે મોકડ્રીલ કરે છે પણ બેદરકારીને છુપાવવા મથતા લોકોને ખબર નથી કે આગ લાગશે તો માત્ર દર્દીઓ નહી ડોકટર અને મેડીકલ સ્ટાફના જીવ પણ જોખમમાં મુકાશે.
ફાયર સેફ્ટી મામલે સર.ટીમાં સબ સલામત : ઈનચાર્જ સીએમઓ, જો કે PIUનુ કામ બાકી હોવાનો સ્વીકાર
સર.ટી હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાયા બાદ હોસ્પિટલના ઈનચાર્જ સી.એમ.ઓ જિજ્ઞાબેન ત્રિવેદીએ ફાયર મામલે હોસ્પિટલમાં સબ સલામત હોવાનું જણાવ્યું હતું. તમણે અગાઉ જણાવ્યું હતુ કે મોકડ્રીલ સમયે ફાયર સેફ્ટીના સાધનો શરૂ હતા તેના દ્વારા આગ બુઝાવી દર્દીઓને બચાવાયા હતા. આ મોકડ્રીલ આંખના વોર્ડમાં યોજવામાં આવી છે તે અંગે તેમણે હોસ્પિટલના પીઆઈયુ દ્વારા અમુક સ્થળોએ આ અંગેની કામગીરી ચાલુ છે.
ફાયર સેફ્ટીની સરટીમાં સુવિધા પુરતી છે જ નહી : ફાયર ઓફિસર, મોકડ્રીલ બાદ પણ પરિસ્થિતિ એ જ છે
સર ટી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવ તેમજ એનઓસી નહીં લેવાને કારણે વર્ષ દરમિયાન બે વાર નોટિસ આપી છે. તદુપરાંત તાત્કાલિક ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરી એન.ઓ.સી. લેવા માટે હોસ્પિટલના અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનને લેખિતમાં તાકીદ પણ કરવામાં આવી છે. હજુ સુધી સંપૂર્ણ ફાયર સેફ્ટીની સુવિધા નથી.
જરૂર પડે કાનુની રાહે સુવિધા માટે ફરજ પડાશે: બાર એસો.ના પ્રમુખ હીરેન જાની
ભાવનગરી સર ટી.હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નહી હોવાથી હજારો દર્દીઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. માત્ર વહીવટી બેદરકારીને લીધે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ નથી જેને કારણે જાહેર હિતનો પ્રશ્ન ઉભો થયો છે. અા અંગે ભાવનગર બાર એસોસીએશનના પ્રમુખ હીરેન જાનીએ જણાવ્યુ હતુ કે, મ્યુ.આ સંજોગોમાં જરૂર પડે કાનુની રાહે પણ લોકોની જિંદીગી બચાવવા માટે પગલા લેવામાં આવશે. હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના થાય તો જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે પણ તેમણે નિર્દેશ આપ્યા હતા.
