
થરાદ ખાતે રંગેચંગે દર ગુરૂવાર માટે શરૂ થનાર પૂજ્ય જલારામ બાપાનાં ભજન
ડીસા સહિત ધાનેરા ,થરા, ભીલડી ,પાટણ, દિયોદર,ભાભર, હારિજ, રાધનપુર, અમદાવાદ, વારાહી , ગાંધીધામ,ગાંધીનગર વિવિધ સહિત શહેરોમાં દર ગુરૂવારે નિયમિત પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.તારીખ 7-5-2026 પરમ પવિત્ર ગુરૂવારથી ખૂબ જ ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક, પ્રગતિશીલ એવા થરાદ નગરમાં પણ નવીનભાઈ પોપટલાલ સોની પરિવારના નિવાસસ્થાનેથી પૂજ્ય જલારામ બાપાના ભજનનો દર ગુરૂવાર માટે શુભારંભ થવા જઈ રહેલ છે.પ્રથમ ગુરૂવારે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 111 જલારામ ભક્તો ગેળા હનુમાનજી મંદિર, માંગરોળ શેણલ માતાજી મંદિર,લુણાવા નકળંક ધામ,ઢીમા ધરણીધર ધામ દર્શન કરી થરાદ ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનનો શુભારંભ કરાવવા માટે પહોંચનાર છે.
દર ગુરૂવારના પૂજ્ય જલારામ બાપાના ભજન માટે થરાદ નગરના સમસ્ત સનાતન હિંદુ સમાજમાંથી 181 ગુરૂવારની નોંધણી થઈ ચૂકી છે.થરાદ ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજન શુભારંભનું આમંત્રણ આપવા ગત ગુરુવારે થરાદના ધર્મપ્રેમી ભાઈઓ સર્વ નવીનભાઈ સોની, મુકેશભાઈ ઠક્કર, મૌલિકભાઈ પટેલ, વિપુલભાઈ ઠક્કર, ધર્મેશભાઈ અવસ્થી- મહારાજ તેમજ અશોકભાઈ ખત્રી પૂજ્ય જલારામ બાપાના ભજનમાં પધાર્યા હતા.તેમણે સૌએ સાથે મળીને પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શ્રીફળ અર્પણ કરી ડીસાના સૌ હરિભક્તોને પૂજ્ય જલારામ બાપાને સાથે લઈ થરાદ ભજનમાં પધારવા આમંત્રણ આપ્યું હતું.થરાદ ખાતે નિયમિત દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ થાય તે માટે જાણીતા કથાકાર યશવંત શાસ્ત્રીજી મહારાજ,ભગીરથભાઈ સુથાર, પ્રકાશભાઈ મજેઠીયા સહિત સૌએ વિશેષ જહેમત ઉઠાવી હતી.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાએ આ આમંત્રણ સ્વિકારી ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ થરાદ નગર પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી શુભ કાર્ય માટે થરાદ નગરને શુભેચ્છાઓ પાઠવી હતી.
થરાદના તમામ ભાઈઓનું ફૂલ વર્ષા ઢબૂકતા ઢોલના નાદે અભૂતપૂર્વ સન્માન કરતાં સૌ લાગણીસભર બન્યા હતા.
